સર્વે ભવન્તુ સુખિનઃ પ્રથમ દિવસે 1,65,714 આરોગ્યકર્મીઓનું રસીકરણ

સર્વે ભવન્તુ સુખિનઃ પ્રથમ દિવસે 1,65,714 આરોગ્યકર્મીઓનું રસીકરણ

। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ રિમોટનું બટન દબાવતાં ભારતે સર્વે ભવન્તુ સુખિનઃના નારા સાથે દેશના કોરોના વોરિયર્સના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા પ્રારંભિક આંકડા અનુસાર દેશભરમાં ૩,૩૫૧ સેન્ટર ખાતે ૧,૬૫,૭૧૪ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લિનિંગ સ્ટાફને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ કાર્યમાં ૧૬,૭૫૫ કર્મચારી રસીકરણની કામગીરીમાં જોડાયાં હતાં.

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની ઉપસ્થિતિમાં સેનિટેશન વર્કર મનીશ કુમારને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ સાથે મનીશ કુમાર ભારતમાં કોરોનાની રસીનો ડોઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ડો. ગુલેરિયાએ ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલી કોરોનાની રસી કોવેક્સિનનો ડોઝ લીધો હતો. આ રીતે તેમણે કોવેક્સિન પર સર્જાયેલા સવાલો અને શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. નીતિ આયોગના સભ્ય એવા ડો. વી. કે. પોલ અને તેમના પત્ની શશિ પોલે પણ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

આ સાથે દેશભરમાં ઊભા કરાયેલા ૩૦૦૦ કરતાં વધુ સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાયો હતો. દરેક સેન્ટર ખાતે ૧૦૦ આરોગ્ય કર્મચારીને કોરોનાની રસીના ડોઝ અપાતાં પ્રારંભ કરાયેલા પ્રથમ તબક્કાના પહેલા દિવસે અંદાજિત ૩ લાખ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક હતો. બ્રિટનની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી કોવિશીલ્ડનું ભારતમાં નિર્માણ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાએ કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. સરકાર પ્રથમ તબક્કામાં ૧ કરોડ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત સરકારે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા ર્નિિમત કોવિશીલ્ડના ૧.૧૦ કરોડ અને ભારત બાયોટેક દ્વારા ર્નિિમત કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યાં છે.

લદ્દાખમાં ITBPના ૨૦ જવાનોને રસીના ડોઝ અપાયાં

એલએસી પર ચીન સામે બાથ ભીડી રહેલા ભારતીય સેનાના જવાનોને લદ્દાખમાં કોરોનાની રસીના ડોઝ આપવાનો પ્રારંભ કરી દેવાયો છે. લદ્દાખમાં સીએમઓ ડો. કાત્યાની શર્મા અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સ્કેલઝેંગ એન્ગ્મોને કોરોનાની રસી અપાઇ હતી. ફોરવર્ડ પોસ્ટ પર તહેનાત કરાયેલલા આઇટીબીપીના ૨૦ જવાનને કોરોનાની રસીના પ્રથમ ડોઝ અપાયાં હતાં.

મહારાષ્ટ્રમાં કોવિન એપમાં સમસ્યાને લીધે રસીકરણ મોકૂફ

મહારાષ્ટ્રમાં મોડી રાત્રે રસીકરણ અભિયાન તાત્કાલિક પ્રભાવથી બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. સૂત્રો મુજબ કોવિન એપમાં ટેકનિકલ સમસ્યાને લીધે રસીકરણ અભિયાન મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ૧૮મી પછી રસીકરણ અભિયાન હાથ ધરાશે કે કેમ, હાલ નક્કી નથી. બીજી બાજુ મહારાષ્ટ્રમાં કોરોનાની રસીના કારણે આડઅસરના ૧૪ કેસ સામે આવ્યાં હતાં. દિલ્હીમાં ૫૧ લોકોને આંશિક આડઅસર થઇ હતી. આ સિવાય એક વ્યક્તિને AEFI સેન્ટરમાં દાખલ કરાયો હતો. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં કોરોનાની રસી લીધા બાદ કમ્પાઉન્ડર શક્તિ પાંડે બેહોશ થઇ ગયો હતો. રસી લીધા બાદ તેને છાતીમાં દુખાવો ઊપડયો હતો.

દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન લેવાનો ઇનકાર

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ ભારત બાયોટેકની કોવેક્સિન લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે સીરમ ઇન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ આપવાની માગ કરી હતી. રેસિડેન્ટ ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કોવેક્સિનની ટ્રાયલ હજુ પૂરી થઇ નથી તેથી અમને તેના પર વિશ્વાસ નથી.

ભાજપના ડો. મહેશ શર્મા વેક્સિન લેનારા પ્રથમ સાંસદ, TMCના બે ધારાસભ્યોએ દાદાગીરીથી રસી લીધી

ભાજપના સાંસદ ડો. મહેશ શર્માએ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે તેઓ કોરોના વેક્સિન લેનારા પ્રથમ સાંસદ બની ગયા હતા. બીજીતરફ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યે નિયમો તોડીને દાદાગીરીથી રસી લીધી હતી.

ગંભીર આડઅસર માટે ભારત બાયોટેક વળતર ચૂકવશે, વૃદ્ધો માટે રસી અત્યંત ભયજનક : નોર્વેએ ચેતવણી આપી

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ર્નિિમત કોરોનાની રસી કોવેક્સિન પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો મધ્યે કંપનીએ શનિવારે જણાવ્યું હતું કે, કોવેક્સિન મુકાવ્યા પછી જો કોઈને ગંભીર આડઅસર થશે તો તેવા કિસ્સામાં કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવશે. શનિવારથી શરૂ કરાયેલા કોરોના રસીકરણ અભિયાન માટે કેન્દ્ર સરકારે ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના ૫૫ લાખ ડોઝની ખરીદી કરી છે. બીજી બાજુ નોર્વેમાં અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીની આડઅસરોને કારણે ૨૩નાં મોત થતાં નોર્વેના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે કોરોનાની રસી અત્યંત ભયજનક સાબિત થઈ શકે છે. કોરોના રસીની હળવી આડઅસર પણ ઘાતક પુરવાર થઈ શકે છે.

રસીકરણ પ્રથમ દિવસ

  • ૧,૬૫,૭૧૪ કુલ આરોગ્ય કર્મીને રસી અપાઇ
  • ૩,૧૨૯ ભારતીય સેનાના આરોગ્ય કર્મચારી
  • ૧૬,૯૬૩ આંધ્રપ્રદેશના આરોગ્ય કર્મી
  • ૧૬,૪૦૧ બિહારના આરોગ્ય કર્મી
  • ૧૫,૭૨૭ મહારાષ્ટ્રના આરોગ્ય કર્મચારી
  • ૧૨,૬૩૭ કર્ણાટકના આરોગ્ય કર્મી
  • ૮,૫૫૭ ગુજરાતના આરોગ્ય કર્મી
  • ૭,૨૦૬ કેરળના આરોગ્ય કર્મી
  • ૬૭૩૯ મધ્યપ્રદેશના આરોગ્ય કર્મી
  • ૪,૯૮૫ છત્તીસગઢના આરોગ્ય કર્મી
  • ૪,૦૦૦ કાશ્મીરના આરોગ્ય કર્મી
  • ૩,૪૦૩ દિલ્હીના આરોગ્ય કર્મી
  • ૨૭૨૧ આસામના આરોગ્ય કર્મી
  • ૭૪૩ અરુણાચલ પ્રદેશના આરોગ્ય કર્મી
  • ૩૭૩ ગોવાના આરોગ્ય કર્મી
  • ૧૯૫ ચંડીગઢના આરોગ્ય કર્મી
  • ૭૮ આંદામાન નિકોબારના આરોગ્ય કર્મી
  • ૧૦૭ દાદરા અને નગર હવેલી, દમણ-દીવ

( Source – Sandesh )