સરકારનું નવું ફરમાન, હવે 20 લિટર સુધીના દારૂના જથ્થા સાથે પકડાયા તો થશે આટલી સજા

સરકારનું નવું ફરમાન, હવે 20 લિટર સુધીના દારૂના જથ્થા સાથે પકડાયા તો થશે આટલી સજા

ગુજરાતમાં ૨૦ લિટર સુધી દેશી-વિદેશી દારૂ સાથે પકડાયેલા નાગરિકને શૂન્યથી ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે. જ્યારે ૧૦ લિટર સુધીના કિસ્સામાં વાહન જપ્ત થઈ શકશે નહી. દારૂબંધીના કાયદામાં જથ્થાના સંદર્ભે વ્યાખ્યા નક્કી કરવા ગૃહ વિભાગની દરખાસ્ત પર મુખ્યમંત્રીએ સોમવારે સહી કરતા આ સુધારાનો અમલ નોટિફિકેશન દ્વારા થશે.

સરકારે ડિસેમ્બર ૨૦૧૬માં દારૂબંધીનો કાયદો કડક કર્યો તે સમયે દારૂના ખરીદ, વેચાણ, હેરફેર કે સંગ્રહના કિસ્સામાં જૂના કાયદા હેઠળની ત્રણ વર્ષ સુધીની કેદની સજાને વધારીને ઓછામાં ઓછી ૭ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની કરી હતી.

જો કે, એ વખતે દારૂના જથ્થા સંદર્ભે કોઈ ચોખવટ ન થતા છેલ્લા ત્રણ- સવા ત્રણ વર્ષથી કોઈ દારૂની એક પોટલી સાથે પણ પકડાય તો તેને પોલીસ સાત વર્ષની સજાનો ભય બતાવી મોટો તોડ કરતી હતી. ઉપરાંત આ કેસ સેશન્સ કોર્ટમાં ચલાવવો પડતો જેનાથી એક પોટલી કે એક ટ્રક સાથે પકડાયેલા બધાના કેસ એક સાથે સાંભળવા પડતા.

આ અંગે હાઇકોર્ટે લાલ આંખ કરી ‘જથ્થા’ની વ્યાખ્યા સ્પષ્ટ કરવા સંદર્ભે ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયને તાકીદ કરી હતી.  આ સંદર્ભમાં CMOના ટોચના અધિકારીએ જણાવ્યુ કે ”વધારે જથ્થો બુટલેગર જેવા ધંધાદારીઓ પાસે હોય છે. પહેલીવાર ભૂલ કરનાર નાગરિકને બુટલેગરને સમકક્ષ મૂકી શકાય નહી. આથી, જૂના  કાયદાની વ્યાખ્યાનો અંશતઃ સ્વીકાર કર્યો છે”

આ નિર્ણયને પગલે સામાન્ય જથ્થા સાથે પકડતા નાગરિકોને હવેથી પોલીસ ૭થી ૧૦ વર્ષની જેલનો ડર દેખાડીને પરેશાન કરી શકશે નહી ! એટલુ જ નહી, જે નાગરિક પાસેથી ૧૦ લિટરથી ઓછી માત્રાનો જથ્થો હશે તો તેનું વાહન પણ પોલીસ જપ્ત કરી શકશે નહી. દારૂ પિધેલા નાગરિકને ૬ મહિના સુધીની જેલની સજા યથાવત્ રાખવામાં આવી છે.

હાલમાં શું છે ?

અત્યારે ૫૦ મીલી લિટર દારૂ સાથે પકડાય તેવા નાગરીકને પણ ૭થી ૧૦ વર્ષ સુધીની જેલ અને પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે.

હવે શું થશે ?

જથ્થા(પ્રમાણ)ની વ્યાખ્યા સ્પષ્ટ થતા ૨૦ લિટર સુધી દારૂ સાથે પકડાયેલાને શુન્યથી ૩ વર્ષની સજા અને રૂ.૧૦૦૦ સુધીનો દંડ થશે.

દારૂબંધીના કેસો ઝડપથી ચલાવવા સ્પે. કોર્ટ રચાશે

દારૂબંધીને કડક અમલના આરંભથી એપ્રિલ-૧૯ સુધીના સવા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પોલીસે ૪,૫૪,૮૪૪ જેટલા કેસો કર્યા છે ! કોર્ટોમાં પણ પ્રોહિબિશનના કેસોનો ભરાવો થયો છે. આથી, આવનારા સમયમાં પ્રોહિબિશન કેસો ચલાવવા માટે પ્રત્યેક જિલ્લામાં અલાયદી કોર્ટ ઉભી કરવા કાયદા વિભાગે હાઈકોર્ટ સાથે પરામર્શ શરૂ કર્યો છે.