સત્તાની લાલસામાં શિવસેનાએ ભાજપ સાથેની ૩૦ વર્ષ જૂનો નાતો તોડી નાખ્યો

સત્તાની લાલસામાં શિવસેનાએ ભાજપ સાથેની ૩૦ વર્ષ જૂનો નાતો તોડી નાખ્યો

। મુંબઈ ।

મહારાષ્ટ્રમાં સીએમ પદ મેળવવાના મામલે જીદે ભરાયેલી શિવસેનાએ સરકાર રચવા આખરે ૩૦ વર્ષ જૂના સાથી પક્ષ ભાજપ સાથે છેડો ફાડયો છે. કટ્ટર હિન્દુવાદી વિચારધારા ધરાવતા બે પક્ષ ભાજપ અને શિવસેનાની ૩૦ વર્ષ જૂની દોસ્તીમાં દરાર પડી છે. શિવસેના આખરે કમળનાં વમળમાંથી મુક્ત થઈ છે. શિવસેનાએ રાજ્યમાં સરકાર રચવા માટે એનસીપી અને કોંગ્રેસનો પાલવ પકડયો છે.

એક સમય એવો હતો જ્યારે ૧૯૮૦માં શિવસેનાએ કોંગ્રેસ સરકારને ટેકો આપ્યો હતો અને કટોકટીકાળને પણ સમર્થન આપ્યું હતું. હવે આ ત્રણેય પક્ષો વચ્ચેનું ઈલુ-ઈલુ ક્યાં સુધી ટકી રહેશે તેની અટકળો જ કરવાની રહેશે.૧૯૯૯ પછી શિવસેનાનું વર્ચસ્વ સતત ઘટયું હતું જ્યારે ભાજપનો હાથ ઉંચો રહ્યો હતો.   ૧૯૯૯માં ભાજપએ ૧૧૭ સીટો પોતાની પાસે રાખી હતી જ્યારે શિવસેનાનો ક્વોટા ઘટયો હતો અને તેને ૧૭૧ સીટ ફાળવવામાં આવી હતી.

૧૯૮૯માં વાજપેયી-બાલાસાહેબ ઠાકરે વચ્ચે દોસ્તી થઇ

આ પછી ૧૯૮૯માં વાજપેયી અને બાલાસાહેબ ઠાકરે વચ્ચે દોસ્તીનાં બીજ રોપાયાં હતાં અને બંને સમાન વિચારધારા ધરાવતા પક્ષો વચ્ચે મિત્રતા થઈ હતી. આ પછી બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં ઘણા ચઢાવઉતાર આવ્યા હતા. ૨૦૧૪માં શિવસેનાએ લોકસભાની ચૂંટણી એકલા હાથે લડી હતી પણ પરિણામો પછી પાછો ભાજપને ટેકો આપ્યો હતો અને એનડીએમાં જોડાઈ હતી. ૧૯૮૯માં ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણ કરવામાં દિવંગત ભાજપ નેતા પ્રમોદ મહાજનની ભૂમિકા મહત્ત્વની હતી અને ભાજપની સિનિયર પાર્ટનર બની હતી. એક તબક્કો એવો હતો જ્યારે અડવાણીના યુગમાં શિવસેનાનું ભાજપ પર વર્ચસ્વ હતું પણ ૨૦૧૪ પછી સ્થિતિ બદલાઈ હતી અને મોદી તેમજ શાહનો દબદબો રહ્યો હતો. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ૨૮૮માંથી ૧૮૩ સીટ તેની પાસે રાખી હતી.

એક સમયે બાલાસાહેબ પાસે બેઠકો માગવા ગયા હતા અટલ-અડવાણી : દેવગૌડા

જેડીએસના નેતા એચ ડી દેવગૌડાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપ ભૂતકાળ ભૂલીને વર્તી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે બાલાસાહેબ ઠાકરે પાસે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ગયા હતા અને ભાજપ હવે તે ભૂલી રહ્યો છે. ઉદ્ધવે તેમને પાઠ ભણાવવો જોઈએ. ભાજપ એ દિવસો ભૂલી રહ્યો છે કે તેમના ટોચના નેતા અડવાણી અને વાજપેયી બેઠકો માગવા માટે બાલાસાહેબના ઘરે ગયા હતા. બાલાસાહેબે જ ભાજપને મહારાષ્ટ્રમાં જગ્યા આપી હતી.