સતત ૧૫મા દિવસે પ્રજાને ડામ, અમદાવાદમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ.૭૬.૭૫ અને ડીઝલ રૂ.૭૫.૬૬ પહોંચ્યા

સતત ૧૫મા દિવસે પ્રજાને ડામ, અમદાવાદમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ.૭૬.૭૫ અને ડીઝલ રૂ.૭૫.૬૬ પહોંચ્યા

। નવી દિલ્હી/ અમદાવાદ ।

ક્રૂડ તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ૪૨ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેતી હોવા છતાં ઓઇલ કંપનીઓ ૧૫ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકી રહી છે. રવિવારે પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૩૫ પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૬૦ પૈસાનો વધારો કરાયો હતો. આ ૧૫ દિવસમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા ૭.૯૭ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા ૮.૮૮નો વધારો ઝીંકી દેવાયો છે. રાજ્યો દ્વારા સ્થાનિક કરવેરા અને વેટ જેવા ટેક્સ ઇંધણો પર વસૂલવામાં આવી રહ્યાં છે જે જનતાના ખિસ્સાને ખંખેરી રહ્યાં છે. ગુજરાતમાં તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમત પર રૂપિયા બે પ્રતિ લિટરનો સ્થાનિક વધારો ઝીંકી દેવાયો હતો.

૨૦૧૩ની સરખામણીમાં ક્રૂડની કિંમત અત્યારે અડધી છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને

૧૪ મે ૨૦૧૩ના રોજ ક્રૂડની કિંમત ૮૪.૯૭ ડોલર હોવા છતાં પેટ્રોલની કિંમત રૂપિયા ૭૬.૨૪ અને ડીઝલની કિંમત રૂપિયા ૬૭.૫૭ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી!! મે ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ ૮૪.૬૮ ડોલરથી વધીને ૯૦.૨૮ ડોલર સુધી પહોંચી ગઇ હતી છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રૂપિયા ૮૦ને પાર ગઇ નહોતી. ૨૧ જૂન ૨૦૨૦ના રોજ અમેરિકન ડબ્લ્યુટીઆઇ ક્રૂડની કિંમત ૩૯.૭૫ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડની કિંમત ૪૨.૧૯ ડોલર પ્રતિ બેરલ હોવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી ગઇ છે.

  • અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના તા.૨૧-૬ના ભાવ
  • પેટ્રોલના ભાવ રૂ. ૭૬.૭૫ (૩૫ પૈસાના વધારા સાથે)
  • ડીઝલના ભાવ રૂ. ૭૫.૬૬ (૬૦ પૈસાના વધારા સાથે)
  • આ ભાવમાં ગુજરાત સરકારે વધારેલા રૂ.૨નો પણ સમાવેશ

પેટ્રોલ પર ૬૪ ટકા એટલે કે રૂપિયા ૫૦.૬૯ અને ડીઝલ પર ૬૩ ટકા એટલે કે લિટરે રૂપિયા ૪૯.૪૩ ટેક્સ વસૂલાઈ રહ્યો છે

દિલ્હીની કિંમતો પ્રમાણે હાલ પેટ્રોલ અને ડીઝલની છૂટક વેચાણકિંમત પર બે તૃતીયાંશ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં પેટેલની કિંમત રવિવારે રૂપિયા ૭૯.૨૩ પ્રતિ લિટર અને ડીઝલની કિંમત રૂપિયા ૭૮.૨૭ પર પહોંચી હતી. જેમાં પેટ્રોલની કિંમતમાં ૬૪ ટકા એટલે કે રૂપિયા ૫૦.૬૯ તો સરકારી ટેક્સ જ છે. જેમાં રૂપિયા ૩૨.૯૮ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયૂટી અને રૂપિયા ૧૭.૭૧ સ્થાનિક કરવેરા અથવા તો વેટનો સમાવેશ થાય છે. આજ સ્થિતિ ડીઝલની પણ છે. ડીઝલની રિટેલ વેચાણ કિંમતમાં ૬૩ ટકા એટલે કે રૂપિયા ૪૯.૪૩ સરકારી ટેક્સ છે. જેમાં રૂપિયા ૩૧.૮૩ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયૂટી અને રૂપિયા ૧૭.૬૦ વેટ સામેલ છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮૬.૦૪ પ્રતિ લિટર અને ડીઝલની કિંમત રૂપિયા ૭૬.૬૯ પ્રતિ લિટર પર પહોંચી હતી.