સંવત ૨૦૭૬માં સોનું ૩૨ ટકા સાથે વળતરમાં અવ્વલ રહ્યું

સંવત ૨૦૭૬માં સોનું ૩૨ ટકા સાથે વળતરમાં અવ્વલ રહ્યું

। અમદાવાદ ।

શુક્રવારે સંવત ૨૦૭૬નો અંતિમ ટ્રેડિંગ દિવસ હતો. જો મહત્ત્વના એસેટ ક્લાસિસે સંવત દરમિયાન દર્શાવેલા વળતરની સરખામણી કરીએ તો સોનું મેદાન મારી ગયું હતું. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોનું ૩૨ ટકા રિટર્ન દર્શાવ્યું હતું અને સતત બીજા વર્ષે તેણે મુખ્ય હરીફ એવા ઈક્વિટીઝને પાછળ રાખી દીધું હતું. એમસીએક્સ ગોલ્ડ સંવત દરમિયાન રૂ. ૩૮,૨૯૩ના ઓપનિંગ સ્તર સામે શુક્રવારે રૂ. ૫૦,૬૭૮ પર ટ્રેડ થયું હતું. આમ ૧૦ ગ્રામે તેણે રૂ. ૧૨,૦૦૦થી વધુની વૃદ્ધિ દર્શાવી હતી. સફેદ ધાતુ એવી સિલ્વરે પણ વળતર આપવાની બાબતમાં ગોલ્ડને સમાંતર ચાલ દર્શાવી હતી અને ૩૫ ટકાનું ચડિયાતું રિટર્ન આપ્યું હતું. એમસીએક્સ ચાંદી રૂ. ૪૬,૫૨૦ના સ્તરેથી ઊછળી રૂ. ૬૨,૮૨૮ પર ટ્રેડ થઈ હતી.

સંવત ૨૦૭૫માં કિંમતી ધાતુઓને યુએસ-ચીન ટ્રેડ વોરનો લાભ મળ્યો હતો તો ૨૦૭૬માં કોવિડ મહામારીએ તેમને માટે મેદાન મોકળું કરી આપ્યું હતું. માર્ચથી જુલાઈ મહિના દરમિયાન સોનું-ચાંદીમાં દૈનિક ધોરણે રોકાણકારોની લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ઐતિહાસિક તળિયા પર ચાલી રહેલાં ઈન્ટરેસ્ટ રેટ તેમજ મધ્યસ્થ બેંક્સે બજારમાં ઠાલવેલી લિક્વિડિટીનો મોટો હિસ્સો ગોલ્ડ ઈટીએફ્સમાં રોકાણ તરફ વળ્યો હતો. જેની પાછળ કોમેક્સ ખાતે સોનું ૨૦૬૯ ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની તેની ટોચ પર પહોંચ્યું હતું. જે વખતે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે તે રૂ. ૫૫,૦૦૦(૧૦ ગ્રામ)ની સપાટીને પાર કરી ગયું હતું. વૈશ્વિક બજારમાં તે ૧૫૦૦ ડોલરની સપાટીએથી સુધારો દર્શાવતું રહ્યું હતું અને તેણે સંવતમાં ૨૫ ટકા સુધારો નોંધાવ્યો હતો. એટલે કે ૧૫૦૦ ડોલર પરથી તે શુક્રવારે ૧૮૮૦ ડોલર પર જોવા મળતું હતું. સ્થાનિક ચલણ રૂપિયામાં ડોલર સામે લગભગ ૪ ટકાની નરમાઈને કારણે સ્થાનિક સ્તરે વળતર ઊંચું જોવા મળતું હતું. ચાંદીએ પણ સોનાની સાથે તાલ મેળવ્યો હતો અને જંગી રિટર્ન આપ્યું હતું. સંવત ૨૦૭૫ની આખરમાં રૂ. ૪૬,૫૨૦ના સ્તર પર ટ્રેડ થઈ રહેલી ચાંદી માર્ચ મહિનામાં એક તબક્કે તૂટીને રૂ. ૩૨,૦૦૦ પર જોવા મળી હતી. જ્યાંથી તીવ્ર ઉછાળા બાદ ઓગસ્ટમાં તે રૂ. ૭૭,૦૦૦ પર જોવા મળી હતી. આમ વર્ષના તળિયાથી તેણે ૧૨૫ ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું. જોકે ત્યારબાદ બંને ધાતુઓ, સોનું અને ચાંદી કરેક્શન અને કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે.  સ્થાનિક બજારમાં તેઓ તેમના મહત્ત્વના સાઈકોલોજિકલ સપોર્ટ પર ટ્રેડ થઈ રહ્યાં છે. સોનું રૂ. ૫૦,૦૦૦ની નીચે જઈને બે વાર ઝડપથી પરત ર્ફ્યું છે. જ્યારે ચાંદી પણ રૂ. ૬૦ હજારની નીચે જઈ પરત ફ્રી છે. આમ એનાલિસ્ટ્સને બંને ધાતુઓમાં પોઝિટિવ ટ્રેન્ડ અકબંધ હોવાનું જણાય છે. કોવિડને લઈને અનિશ્ચિતતા ઊભી જ છે. તેમજ જીઓપોલિટિકલ રિસ્ક્સ પણ યથાવત છે. જે બંને ધાતુઓમાં સેફ હેવનરૂપી માગને જાળવી રાખશે એમ માનવામાં આવે છે. જેની પાછળ સંવત ૨૦૭૭ પણ કિંમતી ધાતુઓને વધુ કિંમતી બનાવે તેવું બને.

સંવત ૨૦૭૬માં MCX ગોલ્ડ-સિલ્વરનો દેખાવ  

૨૦૭૫ના અંતે ભાવ    ૨૦૭૬ના અંતે ભાવ    વૃદ્ધિ(%)  

સોનું ૩૮,૨૯૩         ૫૦,૬૭૮                      ૩૨

ચાંદી ૪૬,૫૨૦        ૬૨,૮૨૮                       ૩૫

(ભાવ રૂપિયામાં)

વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ-સિલ્વરનો દેખાવ  

૨૦૭૫ના અંતે ભાવ    ૨૦૭૬ના અંતે ભાવ    વૃદ્ધિ(%)  

સોનું ૧૫૦૦               ૧૮૮૦                         ૨૫

ચાંદી ૧૭.૭૪            ૨૪.૩૧                         ૩૭

(ભાવ ડોલરમાં પ્રતિ ટ્રૌય ઓંસ)