સંપૂર્ણ ઓનલાઇન કોર્સ માટે નવા વિદ્યાર્થીઓના અમેરિકા પ્રવેશ પર રોક

સંપૂર્ણ ઓનલાઇન કોર્સ માટે નવા વિદ્યાર્થીઓના અમેરિકા પ્રવેશ પર રોક

। વોશિંગ્ટન ।

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લગાવેલા નવા નિયંત્રણો હટાવ્યાના એક સપ્તાહ બાદ અમેરિકાની સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે ફોલ સેમેસ્ટરમાં સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમ ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ અપાશે નહીં. કોલેજ સત્તાવાળાઓને પાઠવેલા પરિપત્રમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે જણાવ્યું હતું કે, જે નવા વિદ્યાર્થીઓએ ૯ માર્ચ સુધીમાં અમેરિકી કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો નથી અને જેમના અભ્યાસક્રમ સંપૂર્ણપણે ઓનલાઇન છે તેવા વિદેશી વિદ્યાર્થીઓનેે વિઝા જારી કરાશે નહીં. ટ્રમ્પ સરકારના આ નિર્ણયની કોરોના વાઇરસની મહામારીના કારણે સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમ ઓફર કરી રહેલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ પર અસર થશે.

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ વિભાગે હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં જણાવ્યું હતું કે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં છે અથવા તો સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા પરત ફરવા ઇચ્છે છે તેમને સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમની પરવાનગી આપવામાં આવશે. હાલ તેમની કોલેજોએ ઇન પર્સન ક્લાસિસ આપ્યા હોય અને કોરોના મહામારી વકરે અને આ ક્લાસિસ ઓનલાઇન થાય તો પણ તેઓ અમેરિકામાં રહીને અભ્યાસ કરી શકશે. ટ્રમ્પ સરકાર દ્વારા નવો આદેશ અગાઉ ૯ માર્ચ અંગેની માર્ગદર્શિકામાં સ્પષ્ટતા માટે જારી કરાયો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એજ્યુકેશનની પ્રવર્તમાન મર્યાદાઓ સસ્પેન્ડ કરી દેવાઈ હતી. કોરોના મહામારીના કારણે સમગ્ર અમેરિકામાં કોલેજ કેમ્પસ બંધ થતાં છૂટછાટ માટે માર્ચ ગાઇડલાઇન જારી કરાઈ હતી. પરંતુ યુનિવર્સિટીઓએ જણાવ્યું હતું કે, આ માર્ગદર્શિકા નવા વિદ્યાર્થીઓને લાગુ થશે કે નહીં તે મામલે અસ્પષ્ટ હતી. કોલેજોને પાઠવેલા પરિપત્રમાં આઇસીઇએ સ્પષ્ટતા કરી હતી કે, આ છૂટછાટ ફક્ત એવા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જેમણે અમેરિકાની કોલેજમાં ૯ માર્ચ સુધીમાં પ્રવેશ મેળવી લીધો છે.

ટ્રમ્પ સરકારના નિર્ણયથી અમેરિકી શિક્ષણ જગત નારાજ

અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓના પ્રમુખોના સંગઠન અમેરિકન કાઉન્સિલ ઓફ એજ્યુકેશનના વાઇસ પ્રેસિડેન્ટ બ્રાડ ફાર્ન્સવર્થે અમે આ ગાઇડલાઇનથી હતાશ થયા છીએ. અમને આનો ભય હતો જ અને અમે તેના માટે તૈયારી કરી રહ્યાં છીએ. હાર્વર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે માર્ચ મહિનાની ગાઇડલાઇનમાં નવા વિદ્યાર્થીઓને સમાવવા અમેરિકી કોંગ્રેસ સમક્ષ માગ કરી રહ્યાં છીએ પરંતુ ફોલ સેમેસ્ટરમાં કોઈ બદલાવ થાય તેવા કોઈ સંકેતો નથી. નવા વિદ્યાર્થીઓ વિદેશમાં રહીને જ ઓનલાઇન ક્લાસિસ લઈ શકે છે અથવા તો તેમનું એડમિશન મોકૂફ રાખી શકે છે. હાર્વર્ડના અંડરગ્રેજ્યુએટ ડીન રાકેશ ખુરાનાએ વિદ્યાર્થીઓને મોકલેલા મેસેજમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી અમેરિકી સમુદાયના આરોગ્ય અને વિદેશી વિદ્યાર્થીઓના શિક્ષણ વચ્ચે સરકારને જે નીતિ અપનાવવી પડે તે નીતિને ધિક્કારે છે.

અગાઉ ટ્રમ્પ સરકારે ઓનલાઇન અભ્યાસક્રમ ધરાવતા તમામ વિદેશી વિદ્યાર્થીઓને દેશનિકાલની ધમકી આપી હતી

અગાઉ ટ્રમ્પ સરકારે કોરોના મહામારીના કારણે કોલેજોમાં ફોલ સેમેસ્ટરમાં સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન થવાથી તમામ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડી જવાની ચેતવણી આપી હતી. જેની સામે અમેરિકાની યુનિવર્સિટીઓ, કોલેજો અને ટેક્નોલોજી કંપનીઓએ બાંયો ચડાવતા ટ્રમ્પ સરકારને આ આદેશ પાછો ખેંચવાની ફરજ પડી હતી. આઠ ફેડરલ લો સ્યૂટનો પડકાર મળ્યા બાદ ટ્રમ્પ સરકારે ૧૪મી જુલાઈએ જારી કરેલા આદેશને પાછો ખેંચી લીધો હતો. આ ખટલાઓના સમર્થનમાં ૨૦૦ કરતાં વધુ યુનિવર્સિટી આગળ આવી હતી. ( Source – Sandesh )