સંઘની આર્મી શાળા એપ્રિલથી શરૂ થશે, સંગઠને કહ્યું- રાષ્ટ્રભક્તિ પર વધારે ભાર, કોઈ આને હિન્દુત્વ સાથે જોડે તો એ તેમની સમસ્યા

સંઘની આર્મી શાળા એપ્રિલથી શરૂ થશે, સંગઠને કહ્યું- રાષ્ટ્રભક્તિ પર વધારે ભાર, કોઈ આને હિન્દુત્વ સાથે જોડે તો એ તેમની સમસ્યા

  • બુલંદશહરમાં પૂર્વ સરસંઘ ચાલક રજ્જૂ ભૈયાના નામે શાળા હશે, આ શહેરમાં તેમનો જન્મ થયો હતો
  •  સંઘે કહ્યું- શિક્ષણનો આધાર સંસ્કાર, સંસ્કૃતિ અને સમરસતા આ જ ભાવના લઈને વિદ્યાર્થી સેનામાં જશે

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આર્મી સ્કૂલનું પહેલું સત્ર એપ્રિલથી શરૂ થઈ જશે. આ સંઘ દ્વારા સંચાલિત પહેલી શાળા છે, જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેનામાં જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સંઘના એક પદાધિકારીએ જણાવ્યું કે, અહીંયા શિક્ષણનો આધાર સંસ્કાર, સંસ્કૃતિ અને સમરસતાનો ભાવ હશે. ન્યૂઝ એજન્સી IANSએ જ્યારે તેમને સવાલ કર્યો કે સંસ્કૃતિ અને સમરસતાના પાઠને હિન્દત્વનું શિક્ષણ માનવામાં આવે તો તેમણે જવાબ આપ્યો કે અમે સૌથી વધારે ભાર રાષ્ટ્રભક્તિ પર આપીશું, અને જો કોઈ તેને હિન્દુત્વ સાથે જોડવા માંગે તો આ તેમનો વિષય છે.

વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે નૈતિક દિશા પણ મળે- સંઘ

વરિષ્ઠ સંઘ પદાધિકારીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અહીંયાના વિદ્યાર્થીઓ સેનામાં જાય. તેઓ સંસ્કાર, સંસ્કૃતિ અને સમરસતાના ભાવ લઈને ત્યાં જાય અને આપણી સેના આવનારા વર્ષોમાં વધારે મજબૂત થઈ આવે. અમારો વિચાર વિદ્યાર્થીઓને સારા શિક્ષણ સાથે નૈતિક અને આધ્યાત્મિક દિશા પણ આપવાનું છે. જે માત્ર નિવાસી વિદ્યાલયોમાં શક્ય છે. સંઘના પદાધિકારી અને સ્વયંસેવક વિદ્યાર્થીઓને આ દિશા આપશે, જેનાથી તે આવનારા સમયમાં સશસ્ત્ર સેનાઓના પડકારોનો સામનો કરી શકે છે.

કેવી હશે સંઘ આર્મીની શાળા?

  • ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, શાળામાં સીબીએસઈનો પાઠ્યક્રમ ભણાવવામાં આવશે અને અહીંયા છઠ્ઠાથી 12માં ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવશે. પહેલું સત્ર એપ્રિલ 2020થી શરૂ થશે અને આમા 160 વિદ્યાર્થીઓના આવવાની આશા છે.
  • હાલ અહીંયા માત્ર છોકરાઓને જ શિક્ષણ આપવામાં આવશે. ત્યારબાદ છોકરીઓના શિક્ષણ માટે બીજી શાખા પણ ખોલવામાં આવશે.
  • આર્મી શાળા બુલંદશહરની શિકારપુરમાં આવેલી એ ઈમારતમાં સંચાલિત કરવામાં આવશે, જ્યાં 1922માં રજ્જૂ ભૈયાનો જન્મ થયો હતો.
  • જેનું સંચાલન સંઘની સહયોગી શાખા વિદ્યા ભારતી કરશે, જે દેશભરમાં 20 હજારથી વધારે શાળાને ચલાવી રહી છે. શાળા માટે પૂર્વ સૈનિક ચૌધરી રાજપાલ સિંહે 8 એકર જમીન આપી છે.
  • રિપોર્ટ્સ પ્રમાણે, આ શાળાની ઈમારત ત્રણ માળની હશે. જેમાં સ્ટાફ ક્વાર્ટર ઉપરાંત સ્ટેડિયમ અને ડિસ્પેન્સરી પણ હશે.
  • શાળામાં 8 સીટો એવા બાળકો માટે અનામત હશે, જેમના માતાપિતા યુદ્ધ દરમિયાન શહીદ થયા હોય. આ સિવાય કોઈ પણ પ્રકારની અનામત નહીં હોય.
  • અહીંયા શિક્ષકો અને વિદ્યાર્થી, બન્ને માટે યુનિફોર્મ હશે. જેમાં વિદ્યાર્થીઓએ હળવા વાદળી રંગનો શર્ટ અને ઘાટા વાદળી રંગનું પેન્ટ હશે અને શિક્ષકોને સફેદ શર્ટ અને ગ્રે રંગનું પેન્ટ પહેરવાનું રહેશે.

મનમોહન વૈદ્યે ભાસ્કરને કહ્યું હતું કે, સ્વયંસેવકોએ પહેલા પણ આર્મી શાળા ખોલી
થોડા દિવસ પહેલા સંઘના આર્મી શાળાનો રિપોર્ટ આવ્યા બાદ ભાસ્કરે સંઘના સર કાર્યવાહ મનમોહન વૈદ્ય સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંઘનુ કામ શાખા ખોલવાનું છે, શાળા ચલાવવાનું નથી. બીજી વાત અહીંયાની મીડિયામાં જે સમાચાર આવી રહ્યા છે કે આ પહેલી આર્મી શાળા છે, જે સાચું નથી. આ પહેલા પણ સ્વંયસેવકોએ આર્મી શાળા ખોલી છે. હાં. આ ઉત્તરપ્રદેશની પહેલી આર્મી શાળા જરૂર હોઈ શકે છે. અને રહી વાત આર્મી શાળા ખોલવાની જરૂરની તો જો દેશની સેવા માટે બાળકોને તૈયાર કરવામાં આવે તો એમાં ખોટું શું છે? આજે જરૂર છે કે બાળકોને સેનમાં જવા માટે શિક્ષણ આપવામાં આવે. તેમને તૈયાર કરવામાં આવે જેથી આગળ જઈને તેઓ દેશની સેવા કરી શકે.