શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને મળેલું ઐતિહાસિક ભૂમિદાનઃ 20 કરોડની કિંમતની 253 વીઘા જમીન આપી

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને મળેલું ઐતિહાસિક ભૂમિદાનઃ 20 કરોડની કિંમતની 253 વીઘા જમીન આપી

  • સંસ્થાને આટલી મોટી જમીન એક જ ગ્રૂપ તરફથી દાનમાં મળી હોવાનો પહેલો પ્રસંગ
  • કારોબારી મિટિંગમાં ભૂમિદાતા જે.એસ. પટેલ તથા અરવિંદભાઇ ટી.પટેલની સરાહના કરાઈ

વિશ્વના કડવા પાટીદારોના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસમા શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝાને 48 કડવા પાટીદાર સમાજ અમદાવાદ શહેરના પ્રમુખ જે.એસ. પટેલ અને તેમના વેવાઇ અને ભાગીદાર રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદભાઇ ત્રિભોવનદાસ પટેલ (લણવા)એ તેમની સંયુક્ત માલિકીની શોભાસણ, ટેચાવા અને પીંપળદર વિજાપુર નજીક આવેલી અંદાજે રૂ.20 કરોડની કિમતની 253 વીઘા (601749 ચોમી) જમીન દાન પેટે અર્પણ કરી છે. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઇતિહાસમાં આટલી મોટી જમીન એક જ ગૃપ તરફથી દાનમાં મળી હોય એવો આ પહેલો પ્રસંગ હોવાનું સંસ્થાનના માનદમંત્રી દિલીપભાઇ નેતાજીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સંસ્થાનની 4 ઓક્ટોબરે મળેલી કારોબારી મિટિંગમાં 253 વીઘા જમીનનો સહર્ષ સ્વીકાર કરાયો છે. હવે સંસ્થા આ જમીન અંગે યોગ્ય નિર્ણય લઇ આગળની કાર્યવાહી કરશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. કારોબારી મિટિંગમાં ભૂમિદાતા જે.એસ. પટેલનું સન્માન કરાયું હતું. જ્યારે અંગત કારણોસર હાજર નહીં રહેલા બીજા ભૂમિદાતા અરવિંદભાઇ ટી.પટેલની ખૂબજ સરાહના કરી હતી.સંસ્થાન સૌ કારોબારીના સભ્યોએ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને મા ઉમિયાની કૃપા તેમના પરિવાર ઉપર વરસતી રહે તેવી શુભચ્છા પાઠવી હતી.