વેવાણ Return / વેવાઈ સાથે ભાગી ગયેલા વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા

વેવાણ Return / વેવાઈ સાથે ભાગી ગયેલા વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા

  • વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયાની જાણ થતા ટોળા ઉમટ્યા
  • મહિલાને લેવા તેના પિતા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે

સુરતઃ દુનિયાભરમાં પ્રેમના અવનવા કિસ્સા જોવા મળે છે, પરંતુ સુરતમાં એક અનોખી પ્રેમ કહાની જોવા મળી હતી. આ પ્રેમકહાની કંઈક એવી હતી કે, સુરતમાં રહેતા વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગી ગયા છે. આ કિસ્સાના કારણે વેવાઈ અને વેવાણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સોશિયલ મીડિયામાં રમૂજોનો મારો પણ ચલાવાયો હતો. દરમિયાન મોડી રાત્રે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. જોકે, વેવાઈ ક્યાં તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. વેવાણને લેવા તેના પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનોએ સંબંધો કાપી નાખ્યા

48 વર્ષના સુરેશ (નામ બદલ્યું છે), 46 વર્ષની સોની (નામ બદલ્યું છે) બંને વચ્ચે પહેલાથી જ પ્રેમ હતો પરંતુ બંનેનાં લગ્ન ન થઈ શક્યાં, બંને વર્ષો પછી મળ્યાં અને બંનેનાં સંતાનોનાં લગ્ન નક્કી થયા હતા. દરમિયાન મુલાકાતો વધી અને જૂનો પ્રેમ જાગી ગયો હતો. આ બંને આધેડ ઉંમરના પ્રેમી પંખીડા પ્રેમમાં એટલા પાગલ હતા કે, તેમના દીકરા-દીકરીના ભવિષ્યની પરવા કર્યા વિના ઘરેથી ભાગી ગયા હતા. આ ઘટના સોશિયલ મીડિયાને પગલે ફક્ત સુરતમાં જ નહીં, આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. વેવાઈ-વેવાણ ભાગી જતા હવે પરિવારજનોએ તેની સાથે સંબંધો કાપી નાખ્યા હતા.

10મી જાન્યુઆરીએ બંને ભાગી ગયા

મૂળ કતારગામના અને હાલ અમરોલીમાં રહેતા સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને તેમની વેવાણ સોનીબહેન યુવાનીકાળથી એકબીજાને જાણતા હતા. સુરેશભાઈ કતારગામમાં રહેતા હતા ત્યારે તેમની સામેની બિલ્ડિંગમાં જ સોનીબહેન રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે સારી એવી મૈત્રી થઈ ગઈ હતી. જોકે, એ સમયે તેઓ એક ના થઈ શક્યા અને બંનેના જુદા જુદા પાત્રો સાથે લગ્ન થઈ ગયા. આમ છતાં, તેમણે પરસ્પર સંપર્ક ચાલુ રાખ્યો હતો. એટલું જ નહીં, વધુ નજીક રહી શકાય એ હેતુથી તેમણે પોતાના સંતાનોના પણ લગ્ન કરાવવાનું નક્કી કરીને સગાઈ કરાવી દીધી હતી. જોકે, તેઓ એકબીજા વિના રહી શકે એમ ન હતા. તેથી સંતાનોની સગાઈ કરાવીને કોઈની શરમ રાખ્યા વિના 10મી જાન્યુઆરીએ બંને ભાગી ગયા હતા. આ કારણસર તે બંનેના પરિવારજનોએ ચિંતિત થઈને પોલીસ ફરિયાદ નોંધાવતા આ કિસ્સો સામે આવ્યો હતો.