વુહાનથી ફેલાયો કોરોના : રિપોર્ટમાં દાવો- WHOને વુહાનથી જ વાઈરસ ફેલાયાના સંકેત મળ્યાં; જલ્દી જ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે

વુહાનથી ફેલાયો કોરોના : રિપોર્ટમાં દાવો- WHOને વુહાનથી જ વાઈરસ ફેલાયાના સંકેત મળ્યાં; જલ્દી જ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે

કોરોનાની ઉત્પતિની તપાસ માટે ચીન ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ટીમના હાથે નોંધપાત્ર પુરાવા લાગ્યા છે. ટીમને તે વાતના પણ સંકેત મળ્યા છે કે ડિસેમ્બર 2019માં વુહાનથી જ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો. CNNના રિપોર્ટમાં આ બાબતે દાવો કરવામાં આવ્યો છે. જે અનુસાર, ટીમે તુરંત તે હજારો લોકોના બ્લડ સેમ્પલ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે, જેની ચીને હજી સુધી તપાસ કરવાની મંજૂરી આપી નથી.

WHO ટીમના મુખ્ય ઈન્વેસ્ટીગેટર પીટર બેન એમ્બાર્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમને ત્યાં વ્યાપક પ્રમાણમાં વાઈરસ ફેલાવાના સંકેત મળ્યા છે. આ સાથે જ પ્રથમ વખત એવું પણ જાણવા મળ્યું છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં પહેલેથી જ ડઝનેક સ્ટ્રેન હાજર હતા. અમે જલ્દી જ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરીશું.

કોરોનાના પ્રથમ દર્દી સાથે મુલાકાત કરી
WHOની ટીમ જાન્યુઆરીમાં ચીન પહોંચી હતી. ટીમે કોરોનાની ઉત્પત્તિ જાણવા માટે લગભગ ચાર અઠવાડિયા સુધી તપાસ કરી અને કોરોનાની ઝપેટમાં આવેલ પ્રથમ દર્દી સાથે પણ મુલાકાત કરી. ટીમના જણાવ્યા અનુસાર, કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનાર 40 વર્ષીય વ્યક્તિમાં 8 ડિસેમ્બર 2019ના રોજ સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી
ચીને WHOને કોરોનાના શરૂઆતના કેસોથી સંબંધિત આંકડા આપવાનો ઇનકાર કરી દીધો છે. આ પછી અમેરિકાએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકાએ કહ્યું કે તેને WHOની ટીમની તપાસમાં વિશ્વાસ નથી. તે પોતે નિષ્ણાતોની ટીમ મોકલીને આ મામલાની તપાસ કરાવશે.

ટૂંક સમયમાં આવી શકે છે પ્રાથમિક રિપોર્ટ
આ ટીમ આ જ અઠવાડિયે તેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરી શકે છે. WHOનાં ચીફ ટેડ્રોસ અધેનોમ ગેબ્રેસિયસે કહ્યું કે ચીનના વુહાન શહેરમાં કરવામાં આવૈ રહેલી તપાસ મહત્વપૂર્ણ છે. આપણે બધાં શક્યતાઓ પર તપાસ કરી રહ્યા છીએ. તપાસ ટીમનો પ્રાથમિક રિપોર્ટ જલ્દી જ આવી જશે. તેના થોડા અઠવાડિયા પછી સંપૂર્ણ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

10 કરોડ કરતાં પણ વધુ દર્દીઓ, 23 લાખ લોકોના મૃત્યુ
ડિસેમ્બર 2019માં વુહાનમાં ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતા કેટલાક દર્દીઓમાં નવા પ્રકારના કોરોના વાઇરસની ઓળખ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને કોવિડ-19 નામ આપવામાં આવ્યું હતું. ધીરે ધીરે આ વાઇરસ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો. 10 કરોડ કરતાં પણ વધુ લોકો આ વાઇરસની ઝપેટમાં આવી ગયા. 23 લાખ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વાઇરસને ચીની વાઇરસ કહીને આ માટે ચીનને જવાબદાર ગણાવ્યું હતું.

( Source – Divyabhaskar )