વિશ્વ એક નહિ થાય તો કોરોનાનો મરણાંક 20 લાખે પણ પહોંચી શકે : ‘WHO’ની ચેતવણી

વિશ્વ એક નહિ થાય તો કોરોનાનો મરણાંક 20 લાખે પણ પહોંચી શકે : ‘WHO’ની ચેતવણી

ચીનમાં મંજૂરી વિના કોરોના રસી આપવાનું પ્રમાણ બેફામ વધતાં ચિંતા

યુકેમાં ત્રીજા ભાગની વસ્તી લોકડાઉન હેઠળ, એક જ દિવસમાં 6,874 કેસ નોંધાયા

ન્યુયોર્ક, તા. 26 સપ્ટેમ્બર, 2020, શનિવાર

વિશ્વ આરોગ્ય સંસ્થા- હૂના ઇમરજન્સી ડાયરેકટર માઇરલ રયાને કોરોના મહામારીને કારણે દસ લાખ લોકોના મોત થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કાબૂમાં લેવા વિશ્વ સ્તરે વિવિધ દેશો દ્વારા અવિરત સહિયારાં પગલાં લેવામાં નહીં આવે તો મરણનો આંક બમણો થઇને વીસ લાખે પહોંચવાની પુરેપુરી શક્યતા છે. 

વરચ્યુઅલ પત્રકાર પરિષદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મહામારીમાં બે મિલિયન લોકો મરી જાય તે બાબત વિચારી ન શકાય તેવી છે ત્યારે રયાને જણાવ્યું હતું કે આપણે મરણાંક ત્યાં ન પહોંચે તે માટે સામૂહિક રીતે જરૂરી પગલાં ભરવા માટે તૈયાર છીએ ખરાં. જો આપણે આ પગલાંઓ નહીં ભરીએ તો હા, મરણાંક તેનાથી પણ આગળ વધી શકે છે.

આપણે બધાં જો કોરોના મહામારીને નાથવા સહિયારા પગલાં નહીં ભરીએ તો તમે જે આંકડાઓની વાત કરો છો તે કમનસીબે વાસ્તવિકતા બની શકે છે. જો નવ મહિનામાં આપણે દસ લાખ લોકોને ગુમાવ્યા છે અને રસીઓ બનીને આવતાં જો બીજા નવ મહિના લાગે તો આ વાસ્તવિકતાનો આપણે સામનો કરવો પડશે. રસી વિકસાવવાના કામમાં સામેલ તમામ લોકો માટે આ મોટું કામ છે. 

દરમ્યાન ચીનમાં શાંગડોંગ પ્રાંતના કિંગડાઉ બંદરે બે ગોદી કામદારો કોરોના પોઝિટિવ મળી આવતાં ચેપી આયાત કોરોના મહામારી પ્રસરાવતી હોવાની ચિંતા પેઠી છે. 20 ઓગસ્ટ બાદ નોંધાયેલા આ પહેલાં બે કેસો છે જેમાં દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા નથી.

વાઇરસ ફ્રોઝન આયાતી સી ફૂડ અને મીટમાં તથા તેના કન્ટેઇનરમાં હોવાથી આયાતી ખાદ્ય પદાર્થો ચેપી હોવાની ચિંતા ઘેરી બની છે. આ બે કામદારો ફ્રોઝન સી ફૂડને જહાજમાંથી ઉતારવાનું કામ કરતાં હતા. 

બીજી તરફ ચીનની કોરોના રસીઓ ઉતાવળે આપવાથી તેની આડઅસરો બાબતે ચિંતાઓ વ્યક્ત થવા માંડી છે. જાણીતાં લેખક અને કોલમિસ્ટ કાન ચાઇએ રસીની અસર બાબતે તેમનો જાત અનુભવ વર્ણવતા કહ્યું હતું કે પહેલી વાર શોટ લીધો ત્યારે કોઇ રિએક્શન આવ્યું નહોતું. પણ કોરોના રસીનો બીજો શોટ લીધા બાદ હું જ્યારે કાર ચલાવી રહ્યો હતો ત્યારે મને આંખે અંધારા આવવા માંડયા હતા.

મેં કાર અટકાવીને થોડો આરામ કર્યો તે પછી મને સારૂં લાગ્યું હતું. ચીનમાં આખરી રેગ્યુલેટરી મંજૂરી મળ્યા વિના જ કોરોનાની રસી ઇમરજન્સીમાં હજારો લોકોને આપવામાં આવી રહી છે. આ અસામાન્ય પગલાંને કારણે નૈતિક અને સલામતિના સવાલો સર્જાયા છે. ચીની કંપનીઓએ તેમની રસીની સલામતિ અને અરસકારકતા દર્શાવવા માટે તેમના ટોચના અધિકારીઓને જાહેરમાં તેમની રસી આપી દુનિયાનું ધ્યાન તેમની તરફ આકર્ષ્યુ હતું.

ચીની આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગે તો મહામારીનો નાશ કરવામાં આવ્યો છે પણ તેને ફરી આવતી અટકાવવા માટે નિષેધાત્મક પગલાં લેવા જરૂરી છે. સરકારી મંજૂરી વિના જ કેટલી રસીઓ આપી દેવામાં આવી છે તેના આંકડા જાહેર કરાયા નથી. પણ ચીની રસી બનાવનારી કંપનીઓના દાવાઓમાંથી તેનો સંકેત મળે છે.

સરકારી સાયનોફાર્મની પેટા કંપની સીએનબીજીએ ક્લિનિકલ ટ્રાયલમાં 40,000 લોકોને આ રસી આપી હતી તે ઉપરાંત બીજા સાડા ત્રણ લાખ લોકોને પણ તેમની રસી આપી છે. બીજી કંપની સાયનોવેક તેના 90 ટકા કર્મચારીઓ એટલે કે 3000 લોકોને રસી આપી છે. મિલિટરીમાં જેમની રસી આપવાની મંજૂરી મેળવવામાં આવી છે તે કાનસાઇનો દ્વારા પણ જવાનોને રસી આપવામાં આવી છે.

હવે હુવે અને ફિનિક્સ ટીવી પણ તેમના કર્મચારીઓને રસી આપવા માટે સાયનોફાર્મ કંપની સાથે મસલતો કરી રહ્યા છે. આ રસી માટે 150 અમેરિકન ડોલરનો ચાર્જ વસૂલવામાં આવતો હોવાનું મનાય છે. આમ ઇમરજન્સી ઉપયોગના બહાના હેઠળ લોકોને મોટી સંખ્યામાં કોરોનાની રસી મંજૂરી વિના જ આપવામાં આવી રહી હોવાથી તેની સલામતિ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

બીજી તરફ યુકે સરકારે જાહેર કર્યા વિના જ સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની તૈયારી કરી લીધી છે. લંડનના બરો સહિત વોચ લિસ્ટમાં હવે 58ને બદલે 92 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે જ્યાં લોકોના હળવા મળવા પર પ્રતિબંધ છે. યુકેમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા સર્વાધિક 6,874 થઇ છે. આ અઠવાડિયાથી યુકેની વસ્તીના ત્રીજા ભાગના લોકો કોરોના લોકડાઉનના નવા નિયમો હેઠળ આવશે. યુકેમાં 17 મિલિયન લોકોને આ લોકડાઉનની અસર થશે.