વિવાદ / જોનસન બેબી પાઉડરમાં કેન્સર કારક તત્વો, કંપનીએ 33 હજાર ડબ્બા પાછા મંગાવ્યા

વિવાદ / જોનસન બેબી પાઉડરમાં કેન્સર કારક તત્વો, કંપનીએ 33 હજાર ડબ્બા પાછા મંગાવ્યા

બેબી પાઉડરના નમૂનામાં એસ્બેસ્ટસની માત્રા જોવા મળી છે

વોશિંગ્ટન: બેબી પ્રોડક્ટ દ્વારા દરેક ઘરમાં જગ્યા બનાવનાર અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન વિવાદોમાં ફસાઈ ગઈ છે. કંપનીએ અમેરિકામાં અંદાજે 33 હજાર બેબી પાઉડરના ડબ્બા પરત મંગાવ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બેબી પાઉડરના નમૂનામાં એસ્બેસ્ટસની માત્રા જોવા મળી છે.

શું હોય છે અસ્બેસ્ટસ?

એસ્બેસ્ટસ એક ઘાતક કાર્સિનોઝેન છે જેમાથી માણસોમાં કેન્સર વધવાનું જોખમ રહે છે. આવું પહેલી વખત થયું છે જ્યારે અમેરિકાની સ્વાસ્થય પ્રોડક્ટમાં એસ્બેસ્ટસની માત્રા મળી આવી છે. પહેલીવાર કંપનીએ તેમની બેબી પાઉડરની પ્રોડક્ટ બજારમાંથી પરત મંગાવી છે. આ ન્યૂઝ પછી અમેરિકન શેર બજારમાં જોનસન એન્ડ જોનસનના શેર 6 ટકા ઘટી ગયા છે અને તેનો ભાવ 127.70 ડોલરની સપાટીએ બંધ થયો છે.

નોંધનીય છે કે, અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસનના બેબી પાઉડર, શેમ્પૂ અને સાબુ જેવી પ્રોડક્ટે ભારત સહિત સમગ્ર દુનિયામાં તેની એક ઓળખ ઉભી કરી છે. જોકે કંપનીને તેમની ઘણી પ્રોડક્ટના કારણે કેસ અને દંડનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જ એક વ્યક્તિએ પ્રોડક્ટ સામે સવાલ ઉભા કરીને કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન જોનસન એન્ડ જોનસનને દોષિત જાહેર કરીને 8 બિલિયન ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે.