વિવાદ : અમદાવાદના બોપલમાં પાટીદારોનું સ્મશાન રાતોરાત ગાયબ થયું? ઔડા ગાર્ડન પાસે સ્મશાન ઊભું કરાતા સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

વિવાદ : અમદાવાદના બોપલમાં પાટીદારોનું સ્મશાન રાતોરાત ગાયબ થયું? ઔડા ગાર્ડન પાસે સ્મશાન ઊભું કરાતા સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

  • બોપલ ઔડા તળાવની પાસે સર્વે નંબર 2માં પાટીદારોના સ્મશાનની જગ્યાએ બિલ્ડિંગ ઊભું કરાયું હોવાનો આક્ષેપ
  • તળાવ પાસે આવેલા ઠાકોર સમાજના સ્મશાનને સમસ્ત બોપલ સ્મશાન બનાવી દેવાતા વિરોધ

શહેરના બોપલ વિસ્તારમાં ઔડા તળાવ ગાર્ડન પાસે બોપલ સર્વે નંબર 2માં આવેલા સ્મશાનના વિરોધમાં આજે બપોરે સ્થાનિક લોકોએ વિરોધ અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે બોપલ ઔડા તળાવની સામે આવેલા પાટીદારોના સ્મશાનની જગ્યા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે વેચી દેવામાં આવી છે. અને હવે તળાવ પાસે આવેલા ઠાકોર સમાજના સ્મશાનને સમસ્ત બોપલ સ્મશાન બનાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે. ઠાકોર સમાજના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી અમારું સ્મશાન અહીં આવેલું છે. વર્ષોથી અમારા બાપ- દાદાઓની જમીનમાં ઉતારાના નામ સાથેની જગ્યા છે તો કઈ રીતે દૂર કરીએ.

પાટીદાર સમાજનું સ્મશાન રાતોરાત ગાયબ થયું
બોપલ ઔડા તળાવ પાસે દર્શન બંગલોઝ, પ્રાઈમ બંગલોઝ, વિભૂષા રોડ સહિતની 5થી 7 સોસાયટીઓ આવેલી છે. સોસાયટી પાસે ઠાકોર સમાજનું સ્મશાન આવેલું છે. સ્મશાન પાસે આવેલી સોસાયટીઓના સ્થાનિક લોકોએ આજે વિરોધ કર્યો હતો કે બોપલના વિસ્તારમાં સત્તાધીશોના બેવડી નીતિ-રીતિનો ભોગ અંદાજે 4 હજાર લોકો બની રહ્યા છે. બોપલ તળાવ પાસે સર્વે નંબર 230માં પાટીદારોનું સ્મશાન હતું, તે રાતોરાત ગાયબ કરી દેવાયું અને બીજી તરફ સર્વે નંબર-2 જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ઠાકોર સમાજના સ્મશાનમાં હવે લોકો અંતિમવિધિ કરવા આવે છે. સ્થાનિક લોકોએ વિરોધ કરતા ઠાકોર સમાજના લોકો રોષે ભરાયા હતા.

ઠાકોર સમાજના સ્મશાન સામે સ્થાનિકોને વાંધો
આ વિશે કૃણાલ ઠાકોર અને ભરત ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષોથી તળાવ પાસે અમારા સમાજનું સ્મશાન આવેલું છે. જ્યાં અત્યાર સુધી લાકડા મુકવા માટે કોઈ રૂમ ન હતી. સ્મશાન સારું બનાવવા માટે સમાજના લોકોએ ફાળો ઉઘરાવી પૈસા જમા કર્યા હતા. જેનાથી અમે લાકડા મુકવા માટે રૂમ ઉભી કરી રહ્યાં છીએ. સ્મશાનમાં બેસવા વગેરેની વ્યવસ્થા કરીએ છીએ. જોકે સ્થાનિક લોકોને હવે સ્મશાનથી તકલીફ છે. જ્યારે મકાન ખરીદ્યું ત્યારે તેઓને સ્મશાન ન દેખાયું?

બિલ્ડરોના ફાયદા માટે સ્મશાનની જમીન આપી દેવાનો આક્ષેપ
જ્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, આ સ્મશાનમાં બધાને બાળવામાં આવે છે. પાટીદારોનું સ્મશાન દૂર કરી ત્યાં બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવી છે. તત્કાલીન નગરપાલિકાથી લઇને ઔડા, મ્યુ.કમિશનર, ધારાસભ્ય અને પાલિકાના સભ્ય તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજૂઆત કરી છે. પરંતુ તેઓ કોઈ નિરાકરણ લાવ્યા નથી. સર્વે નંબર 230માં પાટીદારોનું સ્મશાન હજુ પણ કાગળ પર અસ્તિત્વમાં છે તો આ સ્મશાન કેવી રીતે ગાયબ થઇ ગયું તેના પર સવાલ છે. શું આ સ્મશાન હટાવવા પાછલ કોઇ મોટા માથાઓનો હાથ છે? પાટીદારોના સ્મશાનની જમીન કોઇ મોટા માથાને પધરાવી દેવાઇ છે? આ તમામ સવાલોના જવાબ તો હવે આગામી સમયમાં જ મળી શકશે.

( Source – Divyabhaskar )