વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં નાગરિકતા બિલ પસાર

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં નાગરિકતા બિલ પસાર

બિલ રજૂ કરવા માટે પણ મતદાન કરવું પડયું : બપોરથી શરૂ થયેલી ચર્ચા મધરાત સુધી ચાલી : તરફેણમાં 311, વિરૂદ્ધમાં 80 મત

દિલ્હી, આસામ, પ. બંગાળ સહિતના રાજ્યોમાં લોકો વિરોધ માટે રસ્તા પર ઉતર્યા, 48 કલાક બંધનું એલાન

નવી દિલ્હી, તા. 9 ડિસેમ્બર, 2019, સોમવાર

લોકસભામાં ભારે વિવાદ વચ્ચે નાગરિક કાયદા સુધારા બિલને ગૃહ પ્રધાન અમિત શાહે રજુ કર્યું હતું, જોકે કોંગ્રેસ, શિવસેના સહીતના વિરોધ પક્ષોએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને આ બિલનો વિરોધ કર્યો હતો. શાહે દાવો કર્યો હતો કે આ બિલ  કાયદો બની ગયા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી ભારતમાં શરણ લેનારાઓેને નાગરિક્તા આપવામાં આવશે,

જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરાશે નહીં. મોડીરાતે લોકસભામાં આ બિલ 311 વિરૂદ્ધ 80 મતોથી પસાર થઇ ગયુ હતું. આ બિલનો દેશના જુદા જુદા ભાગોમાં પણ ભારે વિરોધ થયો હતો. બિલ રજુ કરવાના તરફેણમાં 293 સાંસદોએ મત આપ્યા હતા જ્યારે વિરોધમાં 82 મત પડયા હતા. બાદમાં બિલને રજુ કરી દેવાયું હતું.  

લોકસભામાં આ બિલ અંગે અમિત શાહ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં ઉગ્ર દેખાવો યોજાયા હતા, આ ઉપરાંત દિલ્હીના જંતર મંતર પર પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

બિલ રજુ કરતી વેળાએ અમિત શાહે દાવો કર્યો હતો કે અગાઉ પણ આ કાયદામાં સુધારા થઇ ચુક્યા છે. જેને પગલે મનમોહનસિંહ અને એલ.કે. અડવાણી પણ વડા પ્રધાન અને ઉપ વડા પ્રધાન બની ચુક્યા છે. એક ટકો પણ આ બિલ મુસ્લિમો વીરોધી નથી. ચર્ચાના અંતે જવાબ આપતી વખતે અમિત શાહે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, આ બિલ મુસ્લિમ વિરોધી નથી અને અમે દેશમાં એનઆરસી લાગુ કરી ને જ રહીશું. 

આ બિલની જોગવાઇ મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના હિંદુઓ, જૈન, બૌૈદ્ધો, પારસી, ખ્રિસ્તીઓ કે જેઓ ભારતમાં શરણ લીધી હોય અને 2014 પહેલા તેઓ ભારતમાં રહેતા હોય તેમને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરાયો જેને પગલે વિપક્ષોની એવી દલીલ છે કે આ બિલ કોમવાદી વાતાવરણ ઉભુ કરનારૂ છે અને બંધારણ કોઇના ધર્મના આધારે નાગરિક્તા નક્કી કરવાની ના પાડે છે.

આ બિલ આસામ, મેઘાલય, મિઝોરમ કે ત્રિપુરામાં આદિવાસી વિસ્તારોમાં લાગુ નહીં થાય. આ બિલને કેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિપક્ષના નેતા કપીલ સિબ્બલે આ બિલ અંગે જણાવ્યું હતું કે આ કેબના ડ્રાઇવર જ ભાગલાવાદી નીતી વાળા છે.  જ્યારે દેશના અન્ય ભાગોમાં આ બિલનો ભારે વિરોધ થયો હતો. 

દિલ્હીમાં અનેક લોકોએ બિલના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. આસામમાં આ બિલના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને પગલે બંધના પહેલા દિવસે સામાન્ય જનજીવન પર અસર પહોંચી હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા.

અહીંની મમતા બેનરજીની સરકાર આ બિલનો વિરોધ કરી રહી છે અને તેનો અમલ નહીં થવા દેવાની ચીમકી આપી હતી. જે પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસ, શિવસેના, એનસીપી, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો વગેરેનો પણ સમાવેશ થાય છે.

મમતાએ જણાવ્યું હતું કે એક પણ નાગરિકને આ બિલને કારણે રેફ્યૂજી નહીં બનવા દઇએ. જ્યારે સપાના નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે અમે કોઇ પણ સંજોગોમાં આ બિલને કાયદો નહીં બનવા દઇએ. દરમિયાન જ્યારે ભારે વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે તેમાં અસાદુદ્દીન ઓવૈસી પણ સામેલ થયા હતા અને તેમણે બિલની કોપીને જાહેરમાં ફાડી નાખી હતી અને વિરોધ કર્યો હતો.