વિધાનસભા પેટાચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસ માટે અપશુકનિયાળ, પ્રચાર કર્યો પણ કોઈ જાદુ ના ચાલ્યો

વિધાનસભા પેટાચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસ માટે અપશુકનિયાળ, પ્રચાર કર્યો પણ કોઈ જાદુ ના ચાલ્યો

કોંગ્રેસ હાઈકમાન્ડે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી હતી, હાર્દિક પટેલે સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે સભાઓ ગજવી હતી, જોકે કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે, હાર્દિક પટેલના પ્રચારનો જાદુ ક્યાંય ચાલ્યો નથી, મોટા ભાગની બેઠકો પર કોંગ્રેસના વોટમાં જંગી ગાબડાં પડયા છે. કોંગ્રેસ માટે આ હાર્દિક અપશુકનિયાળ સાબિત થયો છે, આવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અબડાસા બેઠક પર નખત્રાણાના રૂડીમા ગ્રાઉન્ડમાં સભા યોજી હતી, સાથે જ તાલુકાના જિયાપર, મંગવાણા સહિતના ગામોમાં પોકેટ મિટિંગ યોજી હતી, જોકે હાર્દિકના પ્રચારની અહીં કોઈ અસર વર્તાઈ નથી. અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું પર્ફોર્મન્સ શરમજનક રહ્યું છે, કોંગ્રેસ અપક્ષ નડયો તેવી વાત કરે તોય ગળે ઉતરે તેમ નથી, કારણ કે અપક્ષના મતો કોંગ્રેસમાં સામેલ કરીએ તોય કોંગ્રેસ જીતથી દૂર છે.

ડાંગની આદિજાતિ અનામત બેઠક પર પણ કોંગ્રેસ ભૂંડી રીતે હારી છે, ભાજપ ૫૯ હજાર કરતાં વધુની લીડથી અહીં જીત્યો છે, હાર્દિક પટેલે ડાંગના સુબીર તાલુકામાં ચૂંટણી સભા યોજી હતી, પરંતુ મતગણતરીના પહેલાં રાઉન્ડથી જ સુબીર તાલુકો કોંગ્રેસ માટે માયનસ રહ્યો હતો, તમામ રાઉન્ડમાં કોંગ્રેસને માર પડયો હતો, હાર્દિકના પ્રચારની જરાયે અસર વર્તાઈ નથી. આવી જ હાલત અન્ય બેઠકો પર પણ છે. હાર્દિકે કપરાડામાં એક રેલી સંબોધી હતી, પણ ભાજપ કપરાડા બેઠક ૪૬ હજાર કરતાં વધુ મતોથી જીત્યો છે.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ગઢ ગુમાવ્યા છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પોતે જીતેલી બેઠકો કોંગ્રેસ સાચવી શકી નથી, ઉલટાના ભૂંડા હાલ થયા છે, કોંગ્રેસને આશા હતી કે, હાર્દિકને પદ આપવાથી ગુજરાતમાં તેમને ફાયદો થશે, પણ હાર્દિક કંઈ ઉકાળી શક્યો નથી. કોંગ્રેસના વોટમાં જંગી ગાબડાં પડયા છે.

સૂત્રો કહે છે કે, હાર્દિકને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસમાં પહેલાં જે આંતરિક ખટપટ હતી તે ઉલટાની વધી છે. સિનિયર નેતાઓ જાહેરમાં કંઈ બોલતાં નથી, પરંતુ અંદર ખાને ખૂબ નારાજ છે. ૨૦૧૭ની ચૂંટણીમાં આંદોલનના નામે હાર્દિકે દમ મારીને કોંગ્રેસ પાસેથી પોતાના મળતિયાઓને ટિકિટ અપાવી હતી, પણ હવે ધીમે ધીમે હાઈકમાન્ડને હાર્દિકનું કદ પણ સમજાઈ જશે તેમ કોંગ્રેસના સિનિયર નેતાઓ કહે છે.