વિદેશ જવાની ઈચ્છા પતિ-પત્નીને ભારે પડી, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે બળાત્કારના ગુનામાં….

વિદેશ જવાની ઈચ્છા પતિ-પત્નીને ભારે પડી, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે બળાત્કારના ગુનામાં….

વિદેશ જવાની ઘેલછાનો કેટલાક લેભાગુ એજન્ટો કેવી રીતે ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે. વિઝા એજન્ટે અમદાવાદના દંપતીને કમ્બોડિયા સુધી લઇ જઇ ત્યાં ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા વસૂલ્યા હતા. મહામહેનતે આ ઠગ વિઝા એજન્ટ પાસેથી પોતાના પાસપોર્ટ મેળવીને અમદાવાદ પરત આવ્યાં હતા.

અમદાવાદના સરદારનગરમાં કિષ્ના પાર્લરના નામથી ધંધો કરતાં જીજ્ઞેશ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. જીગ્નેશ પટેલે આરોપ લગાવ્યો છે કે, તેના કંબોડીયામાં રહેતાં ભાઇ આશિષે નિકોલના વિઝા એજન્ટ ભદ્રેશનો સંપર્ક કરાવ્યો હતો. એજન્ટ ભદ્રેશને જીગ્નેશને કેનેડાની વર્ક પરમિટ અપાવી કેનેડા સુધી લઇ જવાનો તમામ ખર્ચ ઉપાડવાનું કહી જીગ્નેશ અને તેની પત્નીને પહેલા કંબોડીયા લઇ ગયો હતો.

કંબોડિયામાં આ દંપતિના પાસપોર્ટ મેળવીને વિઝા આવતાં બે દિવસ થશે તેમ કહી એક હોટલમાં રોકી રાખ્યા હતા. આરોપી વિઝા એજન્ટ ભદ્રેશે પાસપોર્ટ લઇ લીધા પછી નિસર્ગ પટેલ નામના એક વ્યક્તિને મોકલ્યો હતો. જેણે જીગ્નેશભાઇને ધમકી આપી હતી કે, 20 લાખ રૂપિયા આપો નહીંતર અહીંની એક યુવતીના બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દઇશ. વિદેશમાં આવીને આવી ધમકી મળતાં જ દંપતી ગભરાઇ ગયું હતું. અને અંતે 13 લાખ રૂપિયા આપીને પોતાના પાસપોર્ટ પરત મેળવ્યા હતા.

જીગ્નેશભાઇએ આરોપ લગાવ્યો છે કે, આરોપી વિઝા એજન્ટ ભદ્રેશે તેમને કંબોડીયામાં ખોટા વિઝા પણ આપ્યા હતા. જો કે, આ વિઝા કંબોડીયામાં જ રહેતા જીગ્નેશના ભાઇ આશિષે તપાસ કરતાં ખોટા હોવાનું સાબિત થયું હતુ. જીગ્નેશભાઇનો આરોપ છે કે, યોગ્ય તપાસ કરવામાં આવે તો આરોપી એજન્ટે આવા અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યાની વિગતો પણ ખુલી શકે છે.