વિદેશમાં કમાવવાની લાલચ રાખનારાઓ ચેતજો, સુરતથી દુબઇ ગયેલા 50થી વધુ સુરતીઓની હાલત કફોડી

વિદેશમાં કમાવવાની લાલચ રાખનારાઓ ચેતજો, સુરતથી દુબઇ ગયેલા 50થી વધુ સુરતીઓની હાલત કફોડી

૫ હજારથી વધુ ગુજરાતી ફસાયાની જાણ રાજ્ય સરકારને કરવા છતાં પરિણામ શૂન્ય… ગુજરાન ચલાવવા માટે નાણાં નહીં હોવાથી કેટલાક લોકોએ પાસપોર્ટ જમા કરાવી દીધો

વેપાર માટે દુબઇ ગયેલા ૫૦થી વધુ શહેરીજનોની હાલત લોકડાઉનને કારણે સૌથી વધુ કફોડી બની છે. કારણ કે કેટલાક લોકોની હાલત તો એટલી હદે કફોડી બની ગઇ છે કે ગુજરાન ચલાવવા માટે નાણાં પણ ખૂટી જતા પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે. જ્યારે તેઓને ગુજરાત પાછા લાવવા માટેની રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ પણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવતા તેઓમાં સરકારની આવી નીતિ સામે રોષ ફેલાયો છે.

જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન સુરત સહિત ગુજરાતમાંથી ૫ હજારથી વધુ લોકો વેપાર માટે દુબઇ અને તેની આસપાસના વિસ્તારમાં ગયા હતા. તે પૈકીના મોટાભાગના લોકો માર્ચના અંતમાં પરત ફરવા માટેની ટિકિટ પણ હતી. પરંતુ ૧૮ માર્ચથી ઇન્ટરનેશનલ ફલાઇટ બંધ કરી દેવામાં આવતા દુબઇ, અબુધાબી, શારજાહ વસતા ૫ હજારથી વધુ ગુજરાતીઓની હાલત કફોડી બની છે.

તેઓને પરત લાવવા માટે વંદે ભારત મિશનની જાહેરાત તો કરવામાં આવી પરંતુ દુબઇ, શારજાહ કે અબુધાબીથી ગુજરાત એક પણ વ્યક્તિને લાવવામાં આવ્યા નથી. તે અંગે અનિલ માવાણી, હિરેશ કાછડિયા, હેમંત દેસાઇ સહિતનાઓએ જણાવ્યું હતું કે અહીંયા રહેવા અને જમવા માટેનો જ મહિનાનો ૨૫ હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી કોઇ પણ કામધંધા વિના બેસી રહ્યા છે.

જેથી અમને વતન પરત બોલાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. આ માટેનું લિસ્ટ તૈયાર કરીને અમે એમ્બેસીમાં તથા રાજ્ય સરકારને પણ ટ્વીટરના માધ્યમથી જાણ કરી છે. જ્યારે સુરતના મેયર, રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણી સહિતનાઓને ફોન દ્વારા પણ જાણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પરિણામ નહીં આવ્યું નથી. જ્યારે અમારે ગુજરાન ચલાવવા માટે નાણાં પણ નહીં હોવાથી કેટલાક લોકોએ તો પોતાના પાસપોર્ટ પણ જમા કરાવી દીધા છે.

દુબઇથી કેરળ સૌથી વધુ ફ્લાઇટ રવાના થઇ

વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલાઓને ભારતમાં લાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં દુબઇ, અબુધાબી અને શારજાહથી અત્યાર સુધી ૩૦૦થી વધુ ફલાઇટ ભારત આવી છે. પરંતુ તે પૈકી એક પણ ફલાઇટ અમદાવાદ, સુરત કે વડોદરા આવી નહીં હોવાનો આક્ષેપ દુબઇ ફસાયેલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ ફલાઇટ કેરળથી રવાના થઇ છે. જેથી ગુજરાતીઓ સાથે ઓરમાયંુ વર્તન કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.