‘વિક્રમ’નો સંપર્ક કરવા માટે નાસા પણ ઈસરોની મદદે, મોકલ્યો ‘હેલો’નો મેસેજ

‘વિક્રમ’નો સંપર્ક કરવા માટે નાસા પણ ઈસરોની મદદે, મોકલ્યો ‘હેલો’નો મેસેજ

નવી દિલ્હી, તા.12 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે અણીના સમયે જ સંપર્ક ગુમાવી દેનાર લેન્ડર વિક્રમનો ફરી સંપર્ક સાધવા માટે ઈસરોના વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે.

હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ મદદે આવ્યુ છે.નાસાએ લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસના ભાગરૂપે હેલોનો મેસેજ ધરતી પરથી રવાના કર્યો છે.

નાસા સાથે જોડાયેલા સૂત્રના કહેવા પ્રમાણે નાસાની જેટ પ્રપલ્શન લેબોરેટરીએ લેન્ડર સાથે સંપર્ક સાધવા માટે એક રેડિયો ફ્રિકવન્સી મોકલી છે. આ માટે પહેલા ઈસરો સાથે વાતચીત કર્યા બાદ તેની સંમતિ લેવામાં આવી હતી.

અન્ય એક અવકાશયાત્રી સ્કોટ ટિલેએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યુ હતુ કે, નાસાના કેલિફોર્નિયા સ્થિત સ્ટેશન પરથી આ રેડિયો ફ્રિકવન્સી મોકલવમાં આવી છે.

ઈસરો દ્વારા સંપર્ક સાધવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ હવે વિક્રમનો સંપર્ક થવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે.

ગઈકાલે જ ઈસરોએ ખુલાસો કર્યો હતો કે, લેન્ડિંગ વખતે ચંદ્રની ધરતીથી માત્ર 335 મિટરની ઉંચાઈએ વિક્રમે સંપર્ક ગુમાવી દીધો હતો.