વાહ રે સરકાર… ક્રૂડના ભાવ વધે તો પ્રજાના માથે બોજો, ઘટે તો તિજોરી ભરવાની..!

વાહ રે સરકાર… ક્રૂડના ભાવ વધે તો પ્રજાના માથે બોજો, ઘટે તો તિજોરી ભરવાની..!

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસના હાહાકાર મધ્યે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો તળિયે પહોંચતાં પ્રજાને હાશકારો થયો હતો કે કાળઝાળ મોંઘવારીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળશે. પરંતુ જનતા સુધી આ રાહત પહોંચે તે પહેલાં જ કેન્દ્રની મોદી સરકારે પોતાની આર્થિક તંગી દૂર કરવા પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતી એક્સાઇઝ ડયૂટીમાં વધારો કરી રૂપિયા ૩૯૦૦૦ કરોડ જેવી માતબર રકમ સરકારી તિજોરીમાં ભરવાનો કારસો પાર પાડી દીધો છે. શનિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીમાં પ્રતિ લીટર રૂપિયા ૩નો તોતિંગ વધારો ઝિંકીને પોતાના ખિસ્સા તરબતર કરી લીધાં છે. જાહેર ઓઇલ વિતરણ કંપનીઓના અધિકારીઓએ જનતાને ઠાલુ આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, એક્સાઇઝ ડયૂટીમાં કરાયેલા વધારાની પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો પર કોઇ અસર નહીં થાય કારણ કે ઓઇલ કંપનીઓએ ક્રૂડની ઘટી રહેલી કિંમતોને જ એડજસ્ટ કરી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીમાં પ્રતિ લીટર રૂપિયા બેનો વધારો કરાયો છે. આ સાથે પેટ્રોલ પરની એક્સાઇઝ ડયૂટી રૂપિયા આઠ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટી રૂપિયા ૪ પ્રતિ લીટર પર પહોંચી છે. વધારામાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો રોડ સેસ પ્રતિ લીટર રૂપિયા એક વધાર્યો છે. આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલ પરનો રોડ સેસ પ્રતિ લીટર રૂપિયા ૧૦ પર પહોંચ્યો છે.

તાજેતરના વધારા સાથે પેટ્રોલ પરની એક્સાઇઝ ડયૂટી અને રોડ સેસ પ્રતિ લીટર કુલ રૂપિયા ૨૨.૯૮ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી અને રોડ સેસ પ્રતિ લીટર રૂપિયા ૧૮.૮૩ થયાં છે. વર્ષ ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે પેટ્રોલ પરનો કુલ ટેક્સ રૂપિયા ૯.૪૮ અને ડીઝલ પરનો કુલ ટેક્સ રૂપિયા ૩.૫૬ હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક્સાઇઝ ડયૂટી અને રોડ સેસમાં વધારા સાથે સરકારની ર્વાિષક આવકમાં રૂપિયા ૩૯૦૦૦ કરોડનો વધારો થશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકિય વર્ષના પહેલા  ત્રિમાસિકમાં ક્રૂડ તેલની ઘટેલી કિંમતનો લાભ ગ્રાહકોને  અપાયો હતો. હાલની અંદાજપત્રીય સ્થિતિને જોતાં એક્સાઇઝ  ડયૂટીમાં વધારાના કારણે સરકારની આવકમાં વધારો થશે. જે  વિકાસ કામોમાં ઉપયોગી બની શક્શે.

ક્રૂડમાં ૫૦%નો ઘટાડો અને ઇંધણોમાં ફક્ત ૭%નો ઘટાડો

૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઢ ૬૩.૨૭ ડોલર હતાં જે ૯ માર્ચ ૨૦૨૦ના રોજ ૩૧.૧૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતાં. આ જોતાં ક્રુડની કિંમતમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. જો ગ્રાહકોને તેનો સીધો લાભ આપવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ ૫૦ ટકા સુધીનો ઘટાડો અપેક્ષિત છે પરંતુ આજ સમયગાળમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૭૫.૬૯થી ઘટીને ૭૦.૫૯ પ્રતિ લીટર જ થઇ છે. આમ ઘરઆંગણે પેટ્રોલની કિંમતમાં ફક્ત સાત ટકાનો ઘટાડો થયો છે.

કેવી રીતે રૂપિયા ૧૮નું પેટ્રોલ રૂપિયા ૭૦ પ્રતિ લિટર થઇ જાય છે!

વિગત  ક્રૂડની કિંમત    રિફાનિંગ કોસ્ટ  એક્સાઇઝ-સેસ  ડીલર કમિશન  વેટ     કુલ

પેટ્રોલ (રૂ./લિટર)      ૧૭.૭૯         ૧૩.૯૧         ૧૯.૯૮ ૦૩.૫૫ ૧૪.૯૧ ૭૦.૧૪

ડીઝલ (રૂ./લિટર)      ૧૭.૭૯         ૧૭.૫૫         ૧૫.૮૩ ૦૨.૪૯ ૦૯.૨૩ ૬૨.૮૯

નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચે ક્રુડના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં ૯ વાર વધારો કર્યો હતો. સરકારે ઓક્ટોબર ૨૦૧૭માં એક્સાઇઝ ડયુટીમાં રૂપિયા બે અને તે પછી રૂપિયા ૧.૫૦નો ઘટાડો કર્યો હતો પરંતુ જુલાઇ ૨૦૧૯માં રૂપિયા બેનો વધારો ફરી ઝિંકી દીધો હતો.