વાસ્તવિકતા યથાવત્, ભપકો જોરદાર / ટ્રમ્પના આગમનની તૈયારીઓને આખરી ઓપ, મોટેરા સ્ટેડિયમ રોશનીથી ઝળહળ્યું

વાસ્તવિકતા યથાવત્, ભપકો જોરદાર / ટ્રમ્પના આગમનની તૈયારીઓને આખરી ઓપ, મોટેરા સ્ટેડિયમ રોશનીથી ઝળહળ્યું

અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે તૈયાર છે. ટ્રમ્પના આગમન પૂર્વેની તૈયારીઓ પણ આખરી તબક્કામાં છે ત્યારે શનિવારે સાંજે મોટેરા સ્ટેડિયમને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ટ્રમ્પના આગમનને પગલે સમગ્ર મોટેરા સ્ટેડિયમને રોશનીથી શણગારવામાં આવ્યું ત્યારે સાબરમતી નદીમાં પણ પ્રકાશ ફેલાયો હતો. મોટેરા સ્ટેડિયમના આ ઝળહળાટની તસવીર ઇન્દિરા બ્રિજ પરથી કેમેરામાં કેદ કરવામાં આવી છે. સ્ટેડિયમની રોશનીનું પ્રતિબિંબ નદીમાં પડતાં તેનો નજારો વધુ ભવ્ય લાગતો હતો.

ઝૂંપડપટ્ટીને ઢાંકતું ગુજરાતનું ‘દીવાલ’ મોડેલ
રોડ રિપેર કરાવવા કોર્ટમાં જવું પડ્યું હતું
શહેરમાં વરસાદ વખતે તૂટેલા રોડ રિપેર કરાવવા માટે લોકોએ છેક હાઈકોર્ટ સુધી જવું પડ્યું હતું.
7 વર્ષથી મોટેરાના રોડ પર ખાડા હતા
સાત વર્ષથી મોટેરા વિસ્તારમાં રોડ બનતા ન હતા, મેટ્રો કામગીરી મંથરગતિએ ચાલતી હતી.
ઝૂંપડપટ્ટીમાં સફાઈ વ્યવસ્થાનાં ફાંફા
સંખ્યાબંધ ઝૂંપડપટ્ટીનો પાણી સહિત સફાઈની વ્યવસ્થાનાં ફાંફાં છે, શૌચ માટે પણ બહાર જવું પડે છે.

20 દિવસમાં 22 રોડ બનાવી દેવાયા
ટ્રમ્પના આગમન પહેલાં મોટેરામાં 20 દિવસમાં 30 કરોડના ખર્ચે 22 રોડ રાતોરાત બનાવી દીધા.
3 કરોડના ખર્ચે રોડ પાસે વૃક્ષ વાવ્યાં
રોડ શોના આખા રૂટ પર નવા રોડ બનાવીને તેના પર 3 કરોડના ખર્ચે વૃક્ષ ઉગાડી દેવાયાં.
ઝૂંપડાં ઢાંકવા દીવાલ અને હવે વૃક્ષો
ટ્રમ્પના રૂટ પરની ઝૂંપડપટ્ટી ઢાંકવા દીવાલ તો બનાવી પણ તેને ઢાંકવા પણ તોતિંગ વૃક્ષ વાવ્યાં.

પર્ફોર્મન્સની પ્રેક્ટિસ – પ્રેસિડન્ટના રોડ શો માટે પ્રસ્તુતિ કરતા પહેલાં મહિલાઓએ રિહર્સલ કર્યું
નિયમ ભંગ- સ્ટેડિયમના મેઇન ગેટ પાસે રોડ પર પાર્ક બરોડા ગ્રામ્ય પોલીસની ગાડી ટો કરાઈ
તૈયાર- સ્વચ્છતાનું પ્રતીક બતાવવા ખાનગી સંસ્થાએ તાત્કાલિક ગાર્ડન બનાવી દીધો
ચકમક – સ્ટેડિયમમાં એન્ટ્રી ન અપાતાં દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે ઘર્ષણ થયું