વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ સંસદ ચલાવવા લોકસભામાં બિલ આવશે

વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ સંસદ ચલાવવા લોકસભામાં બિલ આવશે

બિલમાં જોગવાઈ – 4 સત્ર હોવાં જોઈએ, કામકાજમાં અવરોધના કલાકો સત્રમાં ઉમેરાય

ભાજપના સાંસદ નિશિકાંત દુબે સંસદનું કામકાજ વધુ ચલાવવા એક ખરડો લાવ્યા છે. એને લોકસભામાં રજૂ કરવા સંસદીય સમિતિની મંજૂરી મળી ચૂકી છે. ખરડા દ્વારા બંધારણમાં નવી કલમ 85-એ જોડવાનો પ્રસ્તાવ છે, જેથી સંસદનાં બન્ને ગૃહ વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ ચાલે, સંસદનાં 4 સત્ર મળે અને અવરોધમાં વેડફાયેલા કલાકો સત્રના સમયગાળામાં ઉમેરાય. 2009માં સમાજવાદી પાર્ટીના એક સાંસદે પણ આવો જ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે વિપક્ષમાં બેઠેલા ભાજપે એને ટેકો આપ્યો હતો. ભારતના સંસદીય ઇતિહાસમાં ઓછામાં ઓછા 14 પ્રાઇવેટ બિલ પસાર થયાં છે. તેમની સંખ્યા 1952 બાદ સતત ઘટતી ગઈ.

પીઆરએસ લેજિસ્લેટિવના સ્ટડી મુજબ, 1950ના દાયકામાં સંસદ વર્ષમાં સરેરાશ 130 દિવસ ચાલતી હતી. વર્ષ 2000માં આ સરેરાશ ઘટીને 70 દિવસની થઈ ગઈ. 15મી લોકસભા દરમિયાન ડૉ. મનમોહન સિંહની સરકારના સમયમાં સંસદ વર્ષમાં સરેરાશ 74 દિવસ ચાલી. 16મી લોકસભા દરમિયાન મોદીસરકારના સમયમાં આ સરેરાશ 68 દિવસની રહી. સંસદની લઘુતમ બેઠકો અંગે રાષ્ટ્રીય સંવિધાન કાર્યપ્રણાલી આયોગ પહેલેથી જ ભલામણ કરી ચૂક્યું છે કે લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી 120 અને રાજ્યસભાની 100 બેઠક થવી જોઈએ. સત્ર બોલાવવાનો અધિકાર સરકાર પાસે જ સુરક્ષિત ન હોય પણ એક નિર્ધારિત સંખ્યામાં ગૃહના સભ્યો સત્ર યોજવા ઇચ્છે તો તેમની વાત માનવામાં આવે.

1956માં સૌથી વધુ 151 દિવસ લોકસભા ચાલી
15મી અને 16મી લોકસભા પહેલાંનો રેકોર્ડ એ છે કે 1952થી માંડીને 2008 સુધી લોકસભા વર્ષમાં માત્ર 28 વખત 100થી વધુ દિવસ ચાલી છે. 1952થી માંડીને 1970 સુધી લોકસભાની વર્ષમાં 100થી વધુ બેઠકો થતી રહી હતી. વર્ષમાં સૌથી વધુ 151 દિવસની બેઠકોનો રેકોર્ડ લોકસભામાં 1956માં સર્જાયો હતો. એ વર્ષે રાજ્યસભા 113 દિવસ ચાલી હતી. વિધાનસભાઓનો રેકોર્ડ તો આનાથી પણ બદતર છે. ગૃહની બેઠકોની વાર્ષિક સરેરાશ 20થી માંડીને 50 દિવસથી વધુ નથી.