વર્લ્ડ કપ: પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનની સલાહનું ખેલાડીઓએ કર્યું સુરસુરિયું

વર્લ્ડ કપ: પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનની સલાહનું ખેલાડીઓએ કર્યું સુરસુરિયું

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સલાહ પણ તેમની ટીમનાં કામે આવી નહીં. ઇમરાન ખાને વેસ્ટઇન્ડીઝ સામે મેચ શરૂ થયા પહેલા પોતાની ટીમને સલાહ આપતા એક ટ્વિટ કરી હતી. જો કે તેમની સલાહ પર જાણે પાકિસ્તાની ટીમે ધ્યાન આપ્યું ના હોય એમ આખી ટીમ 21.4 ઑવરમાં 105 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇમરાન ખાને મેચ પહેલા પાકિસ્તાનની ટીમને સલાહ આપી હતી કે તેઓ પોતાના તરફથી 100 ટકા આપે અને છેલ્લા બૉલ સુધી સંઘર્ષ કરે.

25નો આંકડો પણ પાર ના કરી શક્યો પાક.નો એકપણ બેટ્સમેન

આમ જોવા જઇએ તો પાકિસ્તાને આખી મેચ દરમિયાન 100 ટકા સંઘર્ષ કર્યો છે, પરંતુ આ સંઘર્ષ તેમની નબળાઈ તરીકે સામે આવ્યો છે. વર્લ્ડ કપ પહેલા મોટા મોટા બણગા ફૂંકતી પાકિસ્તાનની ટીમની બેટિંગ લાઇનઅપ ક્લબ કક્ષાની લાગી રહી હતી અને વેસ્ટઇન્ડીઝનાં બૉલર્સ સામે કોઈપણ બેટ્સમેન ટકી શક્યો નહીં. આખી ટીમમાંથી એકપણ બેટ્સમેન એવો નહોતો જે 25 રનનાં આંકડાને પણ સ્પર્શી શક્યો હોય.

ઇમરાન ખાને કહ્યું, ‘100% આપજો’, ટીમે કર્યા ‘105 રન’

વેસ્ટઇન્ડીઝ સામે વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ રમવા ઉતરેલા પાકિસ્તાનને તેમના પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સલાહ આપી હતી કે, ‘મેચ પહેલા પાકિસ્તાનને મારી સલાહ એ છે કે, તેઓ પોતાનાં તરફથી 100 ટકા આપે, અંતિમ બૉલ સુધી સંઘર્ષ કરે અને ક્યારેય પણ દબાવને એટલો હાવી ના થવા દે કે જેનાથી તમારી રણનીતિ કે રમતને અસર થાય. પાકિસ્તાનનાં લોકોનું સમર્થન સરફરાઝ અને તેની ટીમ સાથે છે.’

1992 બાદ બીજો સૌથી ઓછો સ્કૉર

પાકિસ્તાનની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતુ. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 21.4 ઑવરમાં 105 રન બનાવ્યા હતા અને ઑલઆઉટ થઈ ગયું હતુ. વેસ્ટઇન્ડીઝ તરફથી ઑશેન થૉમસે 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વિશ્વ કપમાં પાકિસ્તાનનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. 1992માં પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ સામે 74 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.