વર્લ્ડકપ / અંગુઠાની ઇજાના લીધે ભારતીય ઓપનર શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર, ઋષભ પંતને ટીમમાં સ્થાન

વર્લ્ડકપ / અંગુઠાની ઇજાના લીધે ભારતીય ઓપનર શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર, ઋષભ પંતને ટીમમાં સ્થાન

આ વિશ્વ કપમાં ભારતીય ટીમને ઘણો મોટો ફટકો લાગ્યો છે. શિખર ધવન ઇજાનાં કારણે વિશ્વ કપ 2019માંથી બહાર થઈ ગયો છે. ધવન ઑસ્ટ્રેલિયા સામે બેટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે તે રમી શક્યો નહોતો. શિખર ધવનની જગ્યાએ ટીમમાં ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો છે, જે બેકઅપ તરીકે ઇંગ્લેન્ડ પહોંચ્યો છે. શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થતા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે, કારણે કે શિખર ધવને વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી અને તેણે ઑસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.

બીસીસીઆઈએ ટ્વિટ કરીને આપી જાણકારી

UPDATE- Shikhar Dhawan has been diagnosed with a fracture of the first metacarpal on his left hand following a ball impact injury during the team’s first match versus Australia at the Oval on 5th June 2019.

— BCCI (@BCCI) June 19, 2019

આ ઉપરાંત શિખર ધવન મોટી મેચોનો ખેલાડી છે. તેનો રેકૉર્ડ દર્શાવે છે કે તે આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે છે. શિખર ધવન ભારતની ઑપનિંગમાં રાઇટ-લેફ્ટનું કૉમ્બિનેશન આપતો હતો. જો કે હવે શિખર ધવનની જગ્યાએ વર્લ્ડ કપની બાકીની તમામ મેચોમાં કેએલ રાહુલ જ ઑપનિંગ કરશે તે નિશ્ચિત થઈ ગયું છે, જ્યારે ચોથા નંબરે સ્થિતિને જોઇને નિર્ણય લેવાશે. ચોથા નંબર માટે વિજય શંકર અથવા દિનેશ કાર્તિકને બાકીની મેચોમાં સામેલ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ઝડપી બૉલર ભુવનેશ્વર કુમાર પણ ઇજાગ્રસ્ત થયો છે અને તે બે-ત્રણ મેચમાંથી બહાર થશે. તેના જગ્યાએ મોહમ્મદ શમીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે છે.