વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં, ઝાયડસ કેડિલાની વેક્સિનના પ્રોગ્રેસની સમીક્ષા કરશે

વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં, ઝાયડસ કેડિલાની વેક્સિનના પ્રોગ્રેસની સમીક્ષા કરશે

। ગાંધીનગર,નવી દિલ્હી ।

કોરોના વાઈરસ સામે રક્ષણ આપતી વેક્સિનના પ્રોગ્રેસની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક જ દિવસમાં દેશના ત્રણ રાજ્યોનો પ્રવાસ કરશે. જેની શરૂઆત અમદાવાદના ઝાયડસ કેડિલા ફાર્મા, ઝાયડસ બાયોટેક પાર્કથી કરશે. ઝાયડસ કેડિલા દ્વારા ZyCoV-D નામની વેક્સીન તૈયાર થઈ રહી છે. વડાપ્રધાન આ રસીના પરીક્ષણોની સમીક્ષા કરશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, વેક્સિન બનાવવામાં ગુજરાતની ફાર્મા કંપની આગળ વધી રહી છે. વડાપ્રધાન અમદાવાદમાં વેક્સિના રિસર્ચ માટે આવી રહ્યા છે. અહીંથી તેઓ પુણા અને હૈદરાબાદમા ચાલી રહેલા રિસર્ચ માટે જશે. વડાપ્રધાન મોદી શનિવારે સવારે 8-30થી 9 વાગ્યામાં એરપોર્ટ આવશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ-રાજકોટ હાઈવે સ્થિત ચાંગોદર પાસે ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચશે. હાઈવે પરના વાહનવ્યવહારને અસર ન થાય એટલા માટે આ મુલાકાતનો સમય સવારનો રખાયો છે.

અમદાવાદ બાદ વડાપ્રધાન મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે સ્થિત સીરમ ઈસ્ટિટયુટની પણ મુલાકાત લેશે. વડા પ્રધાન તેના પરિક્ષણો, ઉત્પાદન અને વિતરણના પ્રસ્તાવિત આયોજન સંદર્ભે પણ સમીક્ષા કરશે. એક જ દિવસમાં ઝંઝાવાતી પ્રવાસ બાદ કોરોનાને નાથવા વડા પ્રધાન મહત્ત્વની જાહેરાત કરે તેવી અટકળો વહેતી થઈ છે. સીરમ ઇન્સ્ટિટયૂટ, પૂણેના  ડિવિઝનલ કમિશનર સુભાષ રાવે જણાવ્યું હતું કે, વડા પ્રધાન  28 મીએ પૂણેની મુલાકાતે આવી રહ્યા હોવાનું સત્તાવાર  સમર્થન અમને મળી ચૂક્યું છે. સીરમ ઇન્સ્ટિટયૂટના વિવિધ એકમોની મુલાકાતે લેશે. બપોરે ૧ વાગ્યે  સિરમ ઇન્સ્ટિટયૂટ આવશે અને બે વાગ્યા સુધી પ્લાન્ટ  અને રસીની કામગીરીની માહિતી મેળવશે. ત્યાંથી હૈદરાબાદ જશે. તેલંગણાના ચીફ સેક્રેટરી સોમેશ કુમારે જણાવ્યું  કે, વડા પ્રધાન ભારત બાયોટેકના પ્લાન્ટ અને  લેબની મુલાકાત લેશે.