લ્યો બોલો! અમદાવાદના ન્યુ રાણીપમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ કરી આત્મહત્યા

લ્યો બોલો! અમદાવાદના ન્યુ રાણીપમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ કરી આત્મહત્યા

અમદાવાદના એક નિવૃત શિક્ષકે પુત્રવધુ અને તેના પરિવારના ત્રાસથી કંટાળીને અડાલજ કેનાલમાં પડીને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકના પુત્રએ પોતાની પત્ની સહિત 3 સાસરિયા વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ન્યુ રાણીપની દેવભૂમિ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય દેવેન્દ્ર ઓઝાએ 10 ઓગસ્ટના રોજ અડાલજ કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી. મૃતકે મરતા પહેલા પરિવારને વોટ્સએપ મેસજ દ્વારા પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે તેવી જાણ પણ કરી હતી. પોતાની પુત્રવધુ અને તેના પરિવારના ત્રાસથી કંટાળીને નિવૃત શિક્ષકે મોતને વ્હાલુ કર્યુ હતુ. અને પોતે આપઘાત કરી રહ્યા હોવાનો મેસેજ પણ કર્યો હતો. દીકરાના સાસરિયાંના માનસિક ત્રાસથી પોતે કંટાળી ગયા છે અને પોતે પોતાના પરિવારને બચાવી શકે તેમ નથી. તેવી વ્યથા એક પિતાએ મેસેજ દ્વારા રજૂ કરી હતી. જે મેસેજનો ઉપયોગ પુરાવા તરીકે કરીને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરમતી પોલીસે પુત્રવધુ અને તેના પરિવાર સામે દુષપ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આરોપી પત્ની અનેક માનસિક બિમારીઓથી પીડિત છે એ વાત જેતે સમયે છાની રાખીને પોતાના પુત્ર સાથે સગાઈ અને પછી લગ્ન કર્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદી રોહન દેવેન્દ્ર ભાઈ ઓઝાએ પોતાની પત્ની ભૂમિકા પ્રજાપતિ અને સાસુ અને શાળા બ્રિજેશ પ્રજાપતિ સામે ફરિયાદ કરી છે. પત્નીના ત્રાસથી પિતાજી આત્મહત્યા કરતા દેવેન્દ્ર ઓઝાનું પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે. ત્યારે પુત્રના પ્રેમ લગ્ન અને પુત્રની પત્ની દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને લઈને ઓઝા પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે.

સાબરમતી પોલીસે પુત્રની ફરિયાદના આધારે તેની પત્ની, સાળા અને સાસુની શોધખોળ હાથ ધરી છે. સામાન્ય રીતે સાસરીયાના ત્રાસથી પુત્રવધૂના આત્મહત્યા કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ કદાચ પ્રથમવાર પુત્રવધૂના ત્રાસથી સસરાએ જિંદગી ગુમાવવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આવા કેસમા પોલીસની તપાસમા શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે. ( Source – Sandesh )