લ્યો બોલો…અમેરિકામાં ચૂંટણીલક્ષી હિંસાના ડરથી લોકોએ રેકોર્ડબ્રેક 1.70 કરોડ ગન ખરીદી

લ્યો બોલો…અમેરિકામાં ચૂંટણીલક્ષી હિંસાના ડરથી લોકોએ રેકોર્ડબ્રેક 1.70 કરોડ ગન ખરીદી

અમેરિકામાં પ્રમુખપદની આ વખતની ચૂંટણી સૌથી વધુ વિભાજનકારી હોવાનો નિષ્ણાતોનો મત છે. અમેરિકનો રીતસર બે ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અશ્વેતોનું બ્લેક લાઈવ્ઝ મેટર આંદોલન હિંસક બન્યા પછી ચૂંટણીલક્ષી હિંસાના ડરથી લોકોએ રેકોર્ડ બ્રેક ૧.૭૦ કરોડથી વધારે ગન ખરીદી છે. મંગળવારે મતદાન વખતે અને તે પછી મત ગણતરી તેમજ પરિણામો વખતે ગમે ત્યારે ગમે ત્યાં હિંસા ફાટી નીકળશે તેવી લોકોમાં દહેશત છે. આથી અશ્વેતો તેમજ ૪૦ ટકા મહિલાઓ દ્વારા મોટાપાયે ગન ખરીદવામાં આવી રહી છે.

ગનની ખરીદીમાં ૨૦૧૬નો રેકોર્ડ તૂટયો

અમેરિકામાં નાના હથિયારોની ખરીદીનું વિશ્લેષણ કરતી રિસર્ચ સંસ્થા સ્મોલ આર્મ્સ એનાલિટિકલ એન્ડ ફોરકાસ્ટિંગનાં ચીફ ઈકોનોમિસ્ટ જર્ગન બ્રેઉરે કહ્યું હતું કે, ઓગસ્ટ મહિના સુધીમાં ગયા વર્ષ જેટલી ગન વેચાઈ ચૂકી હતી. તે પછી જે હથિયારો વેચાઈ રહ્યા છે તે નવો રેકોર્ડ સર્જી રહ્યા છે અને ૧ કરોડ ૭૦ લાખ ગન વેચાઈ ચૂકી છે. આ અગાઉ ૨૦૧૬માં સૌથી વધુ ૧.૬૬ કરોડ બંદૂકો વેચાઈ હતી. લોકો બંદૂકો ન લૂંટે તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

હેન્ડગનનું સૌથી વધુ વેચાણ

આખા અમેરિકામાં સપ્ટેમ્બર ૨૦૧૯ની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં હેન્ડગનનાં વેચાણમાં ૮૧ ટકા અને સિંગલ લાંબી ગનનાં વેચાણમાં ૫૧ ટકાનો વધારો થયો છે. અન્ય બંદૂકોનાં વેચાણમાં ૫૦ ટકાનો વધારો થયો છે. લોકો સ્વરક્ષણ માટે બંદૂકો ખરીદી રહ્યા છે.