લો બોલો! NRC લિસ્ટમાં આ પૂર્વ રાષ્ટ્રપતિનાં પરિવારનું જ નામ નહીં

લો બોલો! NRC લિસ્ટમાં આ પૂર્વ રાષ્ટ્રપતિનાં પરિવારનું જ નામ નહીં

અસમમાં રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર (NRC)ની અંતિમ યાદીથી 19 લાખથી વધારે લોકો બહાર થઇ ગયા છે. આ 19 લાખ લોકોમાં દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદનાં પરિવારવાળા પણ સામેલ છે. કામરૂપ જિલ્લાનાં રંગિયામાં રહેનારા ફખરૂદ્દીન અલી અહમદનાં ભત્રીજાનાં દીકરા સાજિદ અહમદે જણાવ્યું કે તેમના પરિવારનું નામ લિસ્ટમાં નથી, જેના કારણે તેઓ આઘાતમાં છે.

તેમણે જણાવ્યું કે ગત વર્ષે જુલાઈમાં જાહેર કરવામાં આવેલા એનઆરસી ડ્રાફ્ટમાં પણ તેમના અને તેમના પરિવારનું નામ નહોતુ. સાજિદ અલી અહમદે પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, “મારા દાદાનું નામ ઇકરામુદ્દીન અલી અહમદ છે અને તે પૂર્વ રાષ્ટ્રપતિનાં ભાઈ છે. હું તેમનો પૌત્ર છું. અમે લોકો રોંગિયા સબ-ડિવિઝનનાં બરભગિયા ગામમાં રહીએ છીએ. અમે લોકો સ્થાનિક નિવાસી છીએ, પરંતુ અમારું નામ લિસ્ટમાં નથી, આ ચિંતાજનક છે. અમે લોકો ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિનાં પરિવારનાં છીએ, પરંતુ અમારુ નામ લિસ્ટથી ગાયબ છે.”

જણાવી દઇએ કે ફખરૂદ્દીન અલી અહમદ સન 1974થી 1977 સુધી ભારતનાં રાષ્ટ્રપતિ રહ્યા. તેઓ ભારતનાં પાંચમાં રાષ્ટ્રપતિ હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર રાજ્ય અસમમાં શનિવાર (31 ઑગષ્ટ)નાં નેશનલ સિટિઝન રજિસ્ટર (એનઆરસી)ની અંતિમ યાદી જાહેર થઇ. આ લિસ્ટમાં 19,06,657 લોકોનાં નામ સામેલ નથી. અંતિમ લિસ્ટમાં કુલ 3,11,21,004 લોકોને સામેલ કરવામાં આવ્યા છે.