લોકસભામાં ભારે હંગામા વચ્ચે ટ્રિપલ તલાક બિલ નવેસરથી રજૂ કરાયું

લોકસભામાં ભારે હંગામા વચ્ચે ટ્રિપલ તલાક બિલ નવેસરથી રજૂ કરાયું

। નવી દિલ્હી ।

દેશમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતા અને તેને ગુનાઇત પગલું ઠરાવતા વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલને સરકારે શુક્રવારે ૧૭મી લોકસભામાં નવેસરથી રજૂ કર્યું હતું. વિપક્ષોનાં ભારે હંગામાં અને શોરબકોર વચ્ચે બિલને ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. કોંગ્રેસ, અન્ય વિપક્ષો તેમજ ઓવૈસીએ બિલને ગેરબંધારણીય અને ભેદભાવભર્યું ગણાવીને તેનો ભારે વિરોધ કર્યો હતો.   સરકારે મુસ્લિમ મહિલા (લગ્નનાં અધિકાર સંરક્ષણ) બિલ ૨૦૧૯ તરીકે વિપક્ષોના વિરોધ વચ્ચે ૭૪ વિરુદ્ધ ૧૮૬ મતના સમર્થન સાથે રજૂ કર્યું હતું. સરકાર અને વિપક્ષો તેમજ ઓવૈસી વચ્ચે બિલને લઈને ભારે ચકમક ઝરી હતી. સરકારે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓનાં અધિકારોનું રક્ષણ કરાશે. અમને લોકોએ કાયદા ઘડવા માટે ચૂંટી કાઢયા છે. નવું બિલ ફેબ્રુઆરીમાં ટ્રિપલ તલાક અંગે રજૂ કરાયેલા વટહુકમનું સ્થાન લેશે. ગયા ફેબ્રુઆરીમાં લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ કરાયું હતું પણ રાજ્યસભામાં બહુમતીને અભાવે તે અટકી ગયું હતું.

નારીની ગરિમા અને ન્યાયને લગતો મુદ્દો છે : રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં બિલ પસાર થયું હતું પણ રાજ્યસભામાં અટવાયું હતું. લોકસભાનું વિસર્જન કરવાથી તેની મુદત પૂરી થઈ હતી. આથી નવું બિલ લોકસભામાં રજૂ કરવાનું જરૂરી હતું. નવા બિલમાં કેટલાક સુધારા કરાયા છે. લોકોએ અમને કાયદા ઘડવા માટે ચૂંટી કાઢયા છે. મુસ્લિમ મહિલાઓનાં અધિકારોનું રક્ષણ કરવા માટે નવું બિલ રજૂ કરાયું છે. ભારતનું પોતાનું એક બંધારણ છે. કોઈપણ મુસ્લિમ મહિલાને ત્રણ વખત તલાક…તલાક…તલાક બોલીને તેનાં લગ્નજીવનનાં અધિકારોથી વંચિત કરી શકાય નહીં. આપણે સૌ સંસદમાં બેઠા છીએ. અમારું કામ કાયદા ઘડવાનું છે. કાયદા પર ચર્ચા અને તેની વ્યાખ્યા અદાલતમાં નક્કી થાય છે. લોકસભાને અદાલત બનાવો નહીં.

મુસ્લિમ પતિને જેલમાં પૂરાશે તો મહિલાને ભરણપોષણ સરકાર આપશે? – ઓવૈસી

AIMIM નાં વડા ઓવૈસીએ કહ્યું કે, ત્રણ તલાક બિલ મુસ્લિમ મહિલાઓનાં હિતમાં નથી. સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મુદ્દે ભાજપનું શું વલણ છે? ઓવૈસીએ બિલને બંધારણના આર્ટિકલ ૧૪ અને ૧૫ની વિરુદ્ધ ગણાવ્યું હતું. મુસ્લિમો માટે ભેદભાવ સમાન ગણાવ્યું હતું. કોઈ નોન મુસ્લિમ પતિને ફક્ત ૧ વર્ષની સજા અને મુસ્લિમ પતિને કેમ ૩ વર્ષની સજા? આ બંધારણ વિરુદ્ધ અને મહિલાઓનાં અધિકારોની વિરુદ્ધ છે. જો પતિને જેલમાં પૂરી દેવામાં આવશે તો મહિલાઓને ભરણપોષણ કોણ આપશે? સરકાર આપશે? ફક્ત મુસ્લિમ મહિલાઓ પ્રત્યે જ સરકારને આટલો પ્રેમ શા માટે કેરળની મહિલાઓ માટે પણ આટલો પ્રેમ દર્શાવો. સરકારને મુસ્લિમ મહિલાઓથી હમદર્દી છે તો હિંદુ મહિલાઓથી કેમ નહીં? સરકાર સબરીમાલા ચુકાદાની વિરુદ્ધ કેમ છે?

નવા બિલમાં કયા સુધારા કરવામાં આવ્યા?

  • પોલીસ આરોપીને એટલે કે ટ્રિપલ તલાક કહીને છૂટાછેડા આપનાર મહિલાનાં પતિને જામીન આપી શકશે નહીં.
  • મેજિસ્ટ્રેટ પીડિતાની રજૂઆત સાંભળીને વાજબી કિસ્સામાં જ આરોપીને જામીન આપી શકશે.
  • મેજિસ્ટ્રેટ યોગ્ય લાગે તેવા કિસ્સામાં પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવીને લગ્નજીવન ચાલુ રખાવી શકશે.
  • કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી બાળક માતાનાં કબજામાં રહેશે. આરોપીએ તેનું ભરણપોષણ પણ આપવાનું રહેશે.
  • ટ્રિપલ તલાકને ત્યારે જ ગુનો ગણવામાં આવશે જ્યારે પીડિતા કે તેનો પરિવાર પતિ સામે હ્લૈંઇ દાખલ કરાવે.

ચોક્કસ સમુદાયને ટાર્ગેટ ન કરો

કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ પરિવારોની વિરુદ્ધ છે. કાયદો ફક્ત એક સમુદાયને બદલે સૌના માટે સરખો હોવો જોઈએ. તેમણે ટ્રિપલ તલાકને સજાપાત્ર ગુનો ગણવાનો પણ વિરોધ કર્યો હતો. પત્નીનો ત્યાગ કરવાનો ગુનો ફક્ત મુસ્લિમ પુરુષને જ શા માટે? હિંદુ પુરુષને કેમ નહીં તેમ શશિ થરુરે કોંગ્રેસ વતી કહ્યું હતું. આ બિલમાં પુરુષને ૩ વર્ષ કેદની સજા કરાઈ છે. તો ૩ વર્ષ મહિલા અને તેના બાળકોનું ધ્યાન કોણ રાખશે? ફક્ત મુસ્લિમ સમુદાય જ શા માટે અન્ય સમુદાયનાં પુરુષને પણ છૂટાછેડા આપે તો સજા થવી જોઈએ. આ તો ફક્ત એક સમુદાય પ્રત્યે ભેદભાવની વાત છે. કોઈ એક સમુદાયને ટાર્ગેટ બનાવવાને બદલે કોમન કાયદો ઘડો.