લોકડાઉનઃ ઘરે દારૂ કેવી રીતે બનાવાય તેનું ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે લોકો

લોકડાઉનઃ ઘરે દારૂ કેવી રીતે બનાવાય તેનું ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે લોકો

170 રૂપિયાની વ્હીસ્કીની બોટલ રૂ. 700 સુધીમાં વેચાઈ રહી છે

ગેરકાયદેસર વેચાણ રોકવા અનેક દુકાનો સીલ કરાઈ

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા અને લોકોને સુરક્ષિત રાખવા સરકારે દેશભરમાં લોકડાઉન લાગુ કરેલું અને તાજેતરમાં તેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. લોકડાઉનના કારણે સિગારેટ, બીડી, પાન-મસાલાની દુકાનો ઉપરાંત દારૂની દુકાનો પણ બંધ છે જેથી શરાબપ્રેમીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં દારૂની દુકાનો બંધ હોવાથી ગ્રે માર્કેટમાં તે ચાર ગણાથી પણ ઉંચા ભાવે વેચાઈ રહ્યો છે.

વ્યસનીઓની તલબને ધ્યાનમાં રાખીને અમુક લોકો છાનામાના ઉંચી કિંમતે દારૂ વેચી રહ્યા છે. આલ્કોહોલની લત ખિસ્સા ખાલી કરવા લાગી હોવાથી અનેક લોકોએ દારૂ છોડવાનો નિર્ણય લીધો છે પરંતુ કેટલાક લોકો નવા-નવા રસ્તાઓ શોધી રહ્યા છે જેમાં એક રસ્તો ઘરે જ દારૂ બનાવવાનો છે. ઘરે જ દારૂ બનાવવા માટે લોકો ઓનલાઈન સર્ચ પણ કરી રહ્યા છે જેના આંકડા ખૂબ ચોંકાવનારા છે.
ગૂગલ ટ્રેન્ડ્સના અહેવાલ પ્રમાણે 22થી 28 માર્ચ દરમિયાન ભારતમાં સૌથી વધારે ‘ઘરે દારૂ બનાવવાની પદ્ધતિઓ’નું ઓનલાઈન સર્ચ થયું હતું અને તે સપ્તાહ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. આબકારી અધિકારીઓના અહેવાલ પ્રમાણે માર્ચ મહીનાના અંત દરમિયાન મદિરાના ગ્રે-માર્કેટ વિક્રેતાઓ બમણી કિંમત વસૂલી રહ્યા હતા. લોકો ગેરકાયદેસર રીતે દારૂ ખરીદી રહ્યા હોવાથી તેનું ગેરકાયદેસર વેચાણ રોકવા કેટલીક દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.
લોકોએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, તેઓ 170 રૂપિયાની વ્હીસ્કીની બોટલના 700 રૂપિયા સુધી ચુકવી રહ્યા છે. અનેક લોકો વધુ કિંમત ચુકવીને પણ દારૂ મેળવવા અધીરા બન્યા છે પરંતુ લોકડાઉનના કારણે તેમને દારૂ નથી મળી રહ્યો.