લૉકડાઉન પછી ગુજરાતમાં 5 મહિનામાં 2.86 લાખ દસ્તાવેજો થયા, સરકારને 1400 કરોડની આવક

લૉકડાઉન પછી ગુજરાતમાં 5 મહિનામાં 2.86 લાખ દસ્તાવેજો થયા, સરકારને 1400 કરોડની આવક

  • કોરોનાકાળમાં બે લાખ મકાન વેચાયાં, ઓગસ્ટમાં દસ્તાવેજ નોંધણીનો 2 વર્ષનો રેકોર્ડ બ્રેક
  • સ્ટેમ્પ ડ્યૂટીમાંથી દરરોજની સરેરાશ 25 કરોડની આવક, બે વર્ષની સરેરાશ દસ્તાવેજ નોંધણીનો આંકડો પણ ક્રોસ
  • રાજ્યભરમાં જુલાઇ-ઓગસ્ટમાં જ 1.87 લાખ દસ્તાવેજો નોંધાયા
  • જમીન-મકાનના સૌથી વધુ 1 લાખથી વધુ દસ્તાવેજ જુલાઇમાં

કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે તમામ ક્ષેત્રોને આર્થિક ફટકો પડ્યો છે અને મંદીનો માહોલ છે ત્યારે રાજ્યમાં જમીન-મકાનના દસ્તાવેજોમાં ભારે તેજી જોવા મળી છે. લૉકડાઉન ખૂલ્યા બાદ દસ્તાવેજોની નોંધણીમાં ભારે ધસારો જોવા મળે છે. 24 એપ્રિલથી 1 સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનામાં જ રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ 2,86,801 દસ્તાવેજો નોંધવામાં આવ્યા છે. જેની સામે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યૂટી પેટે 1403 કરોડની માતબર આવક થઇ છે. દસ્તાવેજોનો ટ્રેન્ડ જોતા હવે કોરોના સંક્રમણ અને આર્થિક મંદીના દોર વચ્ચે રિયલ એસ્ટેટ સેક્ટરમાં સારા દિવસોનો અણસાર આવી રહ્યો છે. લૉકડાઉન પછીના આ ચાર મહિનામાં જ દોઢથી બે લાખ મકાનો વેચાયાં હોવાનો અંદાજ છે.

લૉકડાઉન વચ્ચે સબરજિસ્ટ્રાર કચેરીઓમાં 24 એપ્રિલથી દસ્તાવેજોની નોંધણી શરૂ થઇ હતી પરંતુ એપ્રિલના 5 દિવસમાં માત્ર 174 દસ્તાવેજો થયા હતા અને માત્ર 46.72 લાખની સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઇ હતી. લૉકડાઉન ખૂલ્યા બાદ મે અને જૂનમાં દસ્તાવેજોની નોંધણીમાં થોડી ગતિ આવી હતી.

ધસારો એટલો કે કચેરીનો સમય વધારીને રાત્રે 9 વાગ્યા સુધીનો કરવો પડ્યો
દસ્તાવેજોના ધસારાને પહોંચી વળવા માટે રાજ્યની તમામ 287 સબરજિસ્ટ્રાર કચેરીઓનો સમય વધારવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા સહિતની 12 કચેરીઓમાં રાત્રે 9 વાગ્યા સુધી અને બાકીની કચેરીઓમાં સાંજે 7 વાગ્યા સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલું રખાશે અને ટોકન સ્લોટ ફાળવવામાં આવશે. રાજ્યના નોંધણી સર નિરીક્ષક દિનેશ પટેલે કહ્યું કે દસ્તાવેજોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને કચેરીઓનો સમય વધારવામાં આવ્યો છે.

31 ઓગસ્ટે 4838 દસ્તાવેજ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ નોંધણી
બે વર્ષની એક દિવસની સરેરાશ દસ્તાવેજ નોંધણી અને એક દિવસની આવકનો આંકડો પણ ક્રોસ થઇ ગયો છે. વર્ષ 2018-19માં એક દિવસના સરેરાશ દસ્તાવેજોની સંખ્યા 4637 હતી અને આવક 25.37 કરોડ હતી. વર્ષ 2019-20માં સરેરાશ દસ્તાવેજોની સંખ્યા 4507 અને આવક 25.13 કરોડ હતી. ચાલુ વર્ષે 31 ઓગસ્ટે 4,838 દસ્તાવેજો નોંધાયા 29.57 કરોડની આવક થઇ હતી. જે આ વર્ષે એક દિવસની સૌથી વધુ નોંધણી છે.

ક્યાં મહિનામાં કેટલા દસ્તાવેજ/આવક

મહિનોનોંધાયેલા દસ્તાવેજસરકારી આવક
એપ્રિલ (તા.24થી 30)17446.72 લાખ
મે16,42976.91 કરોડ
જૂન77,482381.95 કરોડ
જુલાઇ1,00,115471.36 કરોડ
ઓગસ્ટ87,826446.31 કરોડ

( Source – Divyabhaskar )