લેબેનોનની રાજધાનીમાં દિલને હચમચાવી નાખે તેવો બ્લાસ્ટ, 78નાં મોત-4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

લેબેનોનની રાજધાનીમાં દિલને હચમચાવી નાખે તેવો બ્લાસ્ટ, 78નાં મોત-4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ભારતીય સમય પ્રમાણે મંગળવારની મોડી રાત્રે લેબનોની રાજધાની બેરુતમાં દિલને હચમચાવી નાખનારો બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરિયાકિનારે પોર્ટ પર ફટાકડાંથી ભરેલાં જહાજમાં પહેલાં આગ લાગી હતી, અને બાદમાં જહાજમાં ભીષણ ધડાકો થયો હતો. ધડાકો એટલો ભયાવહ હતો કે, 10 કિમીના એરિયામાં મકાનો સહિત કારોને નુકસાન પહોંચ્યું હતું. અને સમગ્ર શહેરના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જહાજમાં બ્લાસ્ટને કારણે તેની પાસે આવેલી એક ઈમારત પણ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ હતી. વિસ્ફોટનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને જોઈને લોકોનાં રૂંવાડા ઉભા થઈ ગયા હતા.

AFP ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે લેબનોનના પીએમ હસને જણાવ્યું કે, પોર્ટ પર 2750 ટન એમોનિયમ નાઈટ્રેટ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે 78 લોકોનાં મોત નિપજ્યા છે, તો 4000થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેબેનોનના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે સ્ફોટના કારણે 10 કિલોમીટર વિસ્તારમાં આવેલા ઘરોમાં નુકશાન થયું છે. આ વિસ્ફોટનો અવાજ સમગ્ર દેશમાં સાંભળવા મળ્યો હતો. જે પ્રકારે આ વિસ્ફોટ થયો છે અમને રોકેટ સ્ટ્રાઈક કે વિસ્ફોટકોથી જહાજને ફૂંકી મારવાના કાવતરાને લઈ આશંકા છે.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની બારીઓ તૂટી ગઇ હતી, લોકો આ દ્રશ્યો જોઈને ફફડી ગયા હતા. લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આસપાસનાં દેશો પણ લેબનોનને મેડિકલ સહાય પૂરી પાડવા માટે આગળ આવ્યા છે. તો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.

બ્લાસ્ટને કારણે મોટી સંખ્યામાં લોકોને ઈજા પહોંચતાં બેરૂતના લોકોને બ્લડ ડોનેટ માટે પણ અપીલ કરવામાં આવી છે. બ્લાસ્ટ જ્યાં થયો તે એક પોર્ટ એરિયા છે. અને અહીં ફટાકડાં માટેનાં એક્સપ્લોઝિવ ભરેલું વેરહાઉસ હતું. હવે આગ કયા કારણોસર લાગી કે તેની પાછળ કોઈએ હુમલો કર્યો છે, આ તમામ પાસાઓને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

લેબેનોનના આંતરિક સુરક્ષા બાબતના વડા અબ્બાસ ઈબ્રાહિમે કહ્યું છે કે આ વિસ્ફોટ ઉચ્ચ વિસ્ફોટક સામગ્રીમાંથી થયો છે અને અગાઉ આ પ્રકારના વિસ્ફોટની ઘટના બની નથી. બેલેનોના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે, જોકે તેમણે ચોક્કસ આંકડો આપ્યો ન હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ થતા જ ધૂળની ડમરીઓ ઉઠી હતી અને વાતાવરણ સંપૂર્ણપણે ધૂંધળુ થઈ ગયુ હતું. ( Source – Sandesh )