લક્ષચંડી યજ્ઞ / ઊંઝા ખાતે અંબાજી જેવો 35 ફૂટનો ગબ્બર બનાવાયો

લક્ષચંડી યજ્ઞ / ઊંઝા ખાતે અંબાજી જેવો 35 ફૂટનો ગબ્બર બનાવાયો

  • ઊંઝામાં 4 દિવસના યજ્ઞ માટે તૈયાર કરાયેલા 100 ફૂટ પહોળા ગબ્બરમાં 2 હજાર વાંસનો ઉપયોગ
  • ગબ્બર ફરતે સતત ચાર દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
  • 25 વીઘા જમીનમાં 18 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ
  • મા જગદમ્બાનો સાઉન્ડ શૉ અને મા ઉમિયાનો ડાયરો પણ યોજાશે
  • ધરોઇમાંથી રોજનું 1.5 કરોડ લીટર પાણી શુદ્ધ કરી અપાશે

ઊંઝા ખાતે 18મીથી 22 સુધી ચાલનારા લક્ષચંડી યજ્ઞમાં અંબાજી જેવો 35 ફૂટની હાઇટનો ગબ્બર 2 હજાર વાંસથી 100 ફૂટ પહોળો તૈયાર કરવામાં આવ્યો છે. તેની ફરતે ખાસ પ્રકારની લાઇટો આકર્ષણ માટે લગાવાઇ છે. માતાજીના ગબ્બરની ફરતે ચાર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક કમિટિ દ્વારા લક્ષચંડી મહાયજ્ઞમાં આવનારા ભક્તો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. 25 વીઘા જમીનમાં 18 હજાર પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યકમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પ્રથમ દિવસે ભગવતી આરાધના તેમ જ અદ્યતન લાઈટ સાઉન્ડ શૉ યોજાશે. બીજા દિવસે મા ઉમિયાની પધરામણી ઉપરાંત અદ્યતન સૂર સંગમના કલાકારો દ્વારા કાર્યક્રમો યોજાશે. જ્યારે ત્રીજા દિવસે મહિષાસુર મર્દનીમાં જગદંબા પ્રાગટ્યનો સાઉન્ડ શૉ ઉપરાંત મા ઉમિયાનો ડાયરો યોજાશે.
બીજી તરફ આગામી 17થી 23 ડિસેમ્બર સુધી યજ્ઞમાં આવનારા ભક્તોને પીવા માટે શુદ્ધ પાણી ધરોઇ ડેમમાંથી રોજનું 1.5 કરોડ લીટર અપાશે. આ પાણી ઊંઝા પહોંચાડવા માટે ખાસ કેનાલ બનાવાઇ છે. જે દાસજ ગામની હેડવર્ક્સથી રિફાઇન કરીને ઊંઝા
લઈ જવામાં આવશે.
સાંસ્કૃતિક કમિટીમાં 200 સ્વયંસેવકો, 60થી વધુ મહિલાઓનો પણ સમાવેશ
25 વીઘા જમીનમાં 18 હજાર પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યકમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સાંસ્કૃતિક કમિટિમાં ચેરમેન સહિત 200 જેટલા સ્વંયસેવકો પણ સેવા આપશે, જેમા 60 જેટલી બહેનોનો સમાવેશ થાય છે. સતત ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં સંખ્યાબંધ કલાકારોના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જુદા જુદા દિવસે વિશેષ થીમ આધારિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ કાર્યક્રમો નિહાળી શકે તે માટે પણ અલાયદી બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
5 હજાર યુવક-યુવતીઓએ મેંદી મુકાવી
સાંસ્કૃતિક કમિટિના સહયોગથી ઊંઝા ઐઠોર રોડ પર આવેલા કેવલેશ્વર મહાદેવના મંદિર ખાતે પાંચ હજારથી વધુ યુવતીઓ મહિલાઓ અને પુરુષો તેમ જ બાળકીઓએ હાથ પર ‘માં અમે તૈયાર છીએ’ અને ‘જય માં ઉમિયા’ સાથે કળશ તેમ જ યજ્ઞકુંડના લોગોની મેંદી મૂકી માં ઉમિયાના માનનો જયઘોષ કર્યો હતો. આ કાર્યક્રમ બપોરે 12.15થી શરૂ થતા ત્રણ વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. 7 હજાર મેંદીના કોન વપરાયા હોવાનું સાંસ્કૃતિક કમિટિના સભ્ય શીતલબહેન પટેલે જણાવ્યું હતું.
‘મા અમે તૈયાર છીએ’ની મેંદી મુકાવી
અમારું પ્લાનિંગ એશિયા બુક ઓફ રેકોર્ડ કરવાનો હતો. તે મુજબ અમે ઉમિયાનગરમાં વિશાળ જગ્યામાં સમૂહ મેંદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંતુ વરસાદના કારણે જગ્યા બદલવી પડી હતી. તમામે ‘મા અમે તૈયાર છીએ’ના સ્લોગન સાથે મેંદી મુકાવી હતી.