લક્ષચંડી યજ્ઞ / ઊંઝામાં 60 લાખ લોકોએ દર્શન કર્યાં, કુલ 60 કરોડ દાન મળ્યું, FB, યુ-ટ્યૂબ પર 4.5 કરોડે લાઈવ દર્શન કર્યાં

લક્ષચંડી યજ્ઞ / ઊંઝામાં 60 લાખ લોકોએ દર્શન કર્યાં, કુલ 60 કરોડ દાન મળ્યું, FB, યુ-ટ્યૂબ પર 4.5 કરોડે લાઈવ દર્શન કર્યાં

  • ઊંઝામાં 5 દિવસથી ચાલતા મહોત્સવની પૂર્ણાહુતિ
  • 108 યજ્ઞ કુંડમાં આહુતિ સાથે મહોત્સવનું સમાપન થયું
  • મહોત્સવ પાછળ અંદાજે 25 કરોડથી વધુનો ખર્ચ કરાયો
  • અંતિમ દિવસે આનંદીબેન પટેલ-નીતિન પટેલે દર્શન કર્યાં

અમદાવાદ: ઊંઝામાં વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘પાંચ દિવસ સુધી ચાલેલા મહાયજ્ઞ પાછળ અંદાજે 25 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે 60 લાખથી વધુ ભક્તો આ મહોત્સવના સાક્ષી બન્યા હતા. આ યજ્ઞમાં પાટલાના યજમાન સહિત પાંચ દિવસની મુલાકાત દરમિયાન કુલ 60 કરોડનું દાન આપ્યું હતુ’ બપોરે 2.30થી 4 વાગ્યે કુલ 108 હોમાત્મક યજ્ઞ કુંડમાં આહુતિ આપી પૂર્ણાહૂતિનો હોમ કરાયો હતો. સાક્ષાત લાખો લોકોએ મા ઉમિયાના દર્શન કરવાની સાથે સાથે પાંચ દિવસ દરમિયાન 4.5 કરોડ લોકોએ ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ઘીની આહુતિ પેટે પાંચ દિવસમાં રૂ. 55 લાખ દાન મળ્યું
રવિવારે મહોત્સવના અંતિમ દિવસે 55 લાખ દાન પેટે મળ્યા હતાં. રૂ.200ની હુંડીરૂપે 85 લાખ તેમજ લક્ષચંડી યજ્ઞમાં રવિવારે રૂ.15 લાખ હુંડી પેટે મળ્યા હતા. રૂ. 5-5 હજારના દાન પેટે રૂ.7 લાખ, જ્યારે ઘીની આહુતિ પેટે પાંચ દિવસમાં રૂ. 55 લાખ દાન પેટે મળ્યા હતા. કુલ મળીને મહોત્સવમાં રૂ. 25 કરોડનું દાન મળ્યું હતું. 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં 18મી ડિસેમ્બરથી શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં અત્યાર સુધીમા 60 લાખથી વધુ લોકો આવ્યા છે.
છેલ્લા દિવસે આશરે 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લઇને ધન્યતા અનુભવી
યજ્ઞશાળાની પરિક્રમા કરવાનું મેળવવા શ્રદ્ધાળુઓ ઊલટભેર એકથી માંડીને પાંચ કે દસ પરિક્રમા કરવાનો લહાવો મેળવી રહ્યા હતા. સાંજે 5 વાગ્યા પછી યજ્ઞશાળા અને ધર્મ સભાગૃહમાં સાઉન્ડ નો સુર વિરામ થયો હતો. સાંજ પછી લોકોનું આવવાનો પ્રવાહ ધીમો પડયો હતો. લાખો પાટીદારો સહિત તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓએ લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ સમયે દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી. છેલ્લા દિવસે આશરે 10 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લહાવો લઇને ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાન-ગૃહમંત્રીએ આયોજકોને શુભેચ્છા પાઠવી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવેલી શુભેચ્છા અને અભિનંદનની જાણ કરી હતી. તેમણે સંદેશ આપતા આયોજકોને અભિનંદન આપ્યા હતા. સમાજની સમરસતા માટે આ મહાયજ્ઞ પ્રેરણાદાયી બનાયો છે. સહયોગ આપનાર તમામ અભિનંદનને પાત્ર છે. દાતાએ સમાજને એકત્ર કરવા માટે સહયોગ આપીને આશીર્વાદ મેળવ્યા છે.
મહોત્સવના પાંચમા દિવસે મોહનથાળ પીરસવામાં આવ્યો
શ્રદ્ધાળુઓ માટે મહોત્સવ સમિતિ દ્વારા શુદ્ધ ઘીના 18 લાખ લાડુ બનાવાયા હતાં જે બપોર સુધી પીરસવામાં આવ્યા હતા, બપોર પછી મોહનથાળનો પ્રસાદ પીરસવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પિરસનારા પ્રસાદનો બગાડ ઓછો થયો હોવાનું કહ્યું હતું.
સાત લાખ લોકોએ રાઇડ્સ અને સાંસ્કૃતિ કાર્યક્રમો માણ્યા
બાલનગરીમાં 7 લાખથી વધુ લોકોએ વિવિધ રાઇડ્સનો આનંદ માણ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ લાખો લોકોએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 300થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો. જેમા 150થી વધુ યુવતીઓ ઊંઝા શહેરની હતી.
અંતિમ દિવસે 1250 લોકોએ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી
મહોત્સવના અંતિમ દિવસે હેલિકોપ્ટરથી યજ્ઞશાળા અને મા ઉમિયાજીના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વિવિધ રાઇડ્સ મારફતે 1250 લોકોએ પર પુષ્પવર્ષા કરી હતી. એક દિવ્યાંગ તુલસીભાઇ એ પણ હેલિકોપ્ટરમાં બેસીને ઉમિયાનગરી પર પુષ્પ વરસાવ્યા હતા.

4.5 કરોડ લોકોએ ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ નિહાળ્યું
ઊંઝા ઉમિયાનગરીમાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞની ધામધૂમથી પૂર્ણાહુતિ કરાઈ હતી. આ મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સાક્ષાત લાખો લોકોએ મા ઉમિયાના દર્શન કરવાની સાથે સાથે પાંચ દિવસ દરમિયાન 4.5 કરોડ લોકોએ ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અંતિમ દિવસે 6 લાખથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. મહાયજ્ઞમાં ભાવિકોના ધસારાના પગલે અન્નપૂર્ણા કમિટી દ્વારા 15 ફૂટના દાળના તપેલામાંથી પ્લાસ્ટિકની પાઇપો લગાવવામાં આવી હતી. જ્યારે ભક્તોએ ભોજનની થાળી પણ જાતે ધોઈ હતી.
ઊંઝામાં પાંચ દિવસ યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞની રવિવારે સાંજે પૂર્ણાહુતિ થઈ હતી. મહાયજ્ઞના અંતિમ દિવસે 1100 ભૂદેવો દ્વારા 108 હોમાત્મક યજ્ઞ કુંડમાં આહૂતિ સાથે શ્લોકના પઠનની સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી. આ સાથે જ મહાયજ્ઞ દરમિયાન પાટીદાર સમાજે સામાજિક સમરસતા માટેનો સંકલ્પ લીધો હતો. અંતિમ દિવસે 6 લાખથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ભાવિકોના ધસારાના પગલે અન્નપૂર્ણા કમિટિ દ્વારા 15 ફૂટના દાળના તપેલામાંથી પ્લાસ્ટિકની પાઇપો લગાવવામાં આવી હતી. ભીડને જોતા ઘણા ભક્તોએ જાતે જ પોતાના ભોજનની થાળી ધોઈ હતી.
3500 લોકો એકસાથે બેસી શકે તેવી 81 ફૂટ ઊંચી યજ્ઞશાળા બનાવાઈ હતી
5 દિવસમાં કેન્સર સ્કેનિંગ મશીનથી 15 હજાર મહિલાની બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગની તપાસ કરાઈ હતી, જેમાંથી 90 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને આ મહિલાઓને નિ:શુલ્ક સારવાર અપાશે. રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે પણ દર્શન કર્યા હતા. લક્ષચંડી માટે 25 વીઘામાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિર સાથે 3500 લોકો એકસાથે બેસી શકે તેવી 81 ફૂટ ઊંચી યજ્ઞશાળા બનાવાઈ હતી. મહાયજ્ઞ પૂર્વે મા ઉમિયાની દિવ્ય જ્યોતની સાક્ષીએ ઉમિયા બાગમાં 16 દિવસ સુધી 1100 પંડિતોએ દુર્ગા સપ્તસતિના 700 શ્લોકથી એક લાખ ચંડીપાઠ કર્યા હતા. હવનકુંડમાં પ્રજ્વલિત જ્વાલાઓની ફરતે પ્રદક્ષિણા માટે યજ્ઞશાળા સોમવાર, મંગળવાર, બુધવાર સુધી ખુલ્લી રહેશે.
ઘીની આહુતિ માટે 45 લાખ દાન પેટે પ્રાપ્ત થયા હતા
મહોત્સવમાં પાંચ દિવસે 55 લાખ જેટલી રકમ દાનમાં મળી હતી. આ ઉપરાંત 200ની કિંમતની હુંડી મારફતે 85 લાખ મળ્યા હતા. મહાયજ્ઞના પાંચમાં દિવસે 15 લાખ રૂપિયા હૂંડી પેટે મળ્યા હતા. ઉપરાંત 5-5 હજારના દાનની રકમ 7 લાખ પહોંચી ગઇ હતી. જ્યારે ઘી આહુતિ માટે પાંચ દિવસ દરમિયાન 45 લાખ દાન પેટે મળ્યા હતા.
નેટવર્ક ન આવતા 18 હજાર લોકો અટવાયા
લાખોની ભીડના કારણે ઉમિયાનગરીમાં મોબાઇલ નેટવર્કમાં સમસ્યા સર્જાઇ હતી, જેના પગલે લોકો એકબીજાનો સંપર્ક કરી શકતા ન હતા. પાંચ દિવસમાં 18 હજારની આસપાસ ભક્તો ઉમિયાનગરમાં પરિવારથી વિખુટા પડ્યા હતા.
600થી વધુ સેવકો સાફ સફાઈમાં જોડાયા હતા
સફાઇની પણ સુચારુ વ્યવસ્થા કરાઈ હતી. 500થી 600 સ્વયંસેવકો સ્વસ્છતામાં જોડાયા હતા. 20 ટ્રેક્ટર, 5 છોટા હાથીની મદદથી 5 હજાર કચરાપેટી કચરો એકત્રિત એકઠો કરાયો હતો. અન્ય સફાઇ માટે 50 લીટર એસિડનો ઉપયોગ કરાયો હતો.
મહોત્સવની હાઇલાઇટ્સ

  • 5 લાખ લોકોએ પાંચ દિવસમાં ધર્મસભાનો લાભ લીધો હતો.
  • 22 લાખથી વધુ લોકોએ ભોજન લીધું
  • 5.50 લાખ જેટલા વાહન પાર્કિંગ કરાયા હતા
  • 78 લાખથી વધુ લોકોએ રાઇડ્સનો આંનદ માણ્યો
  • 15,000 મહિલાઓના બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ
  • 25000થી વધુ વ્યક્તિએ મેડિકલ ચેકઅપ કરાવ્યું
  • 18000થી વધુ વિખૂટાને લાઉડ સ્પીકરથી પરિવારજનો સાથે મુલાકાત
  • 7.71 કરોડનું લક્ષચંડી માટે 16 યજમાન દ્વારા દાન
  • 2.30 કરોડની રકમ દાનપેટે મળી
  • 85 લાખ રૂ.500ની હૂંડી વિતરણથી મળ્યા
  • 45 લાખ ઘીની આહૂતિમાં દાનપેટે મળ્યા
  • 1250 લોકોએ હેલિકોપ્ટરમાં બેસી મંદિર, યજ્ઞાશાળા પર પુષ્પવર્ષા કરી
  • 18000 ચો.ફૂટમાં મહોત્સવ લાઇવ પ્રસારણમાં 50 એલ.ઇ.ડી સ્ક્રીન
  • 10 જેટલા રેકોર્ડ બ્રેક કરાયા
  • 1100 પંડિત, મુખ્ય આચાર્ય શાસ્ત્રી રાજેશ અનંતદેવશુકલ દ્વારા મહાયજ્ઞ સંપન્ન
  • 1200 ગાયને પાંજરાપોળમાં મોકલાઇ
  • 600થી વધુ એસટી બસ યાત્રિકો માટે ફાળવાઇ હતી
  • 20,000થી વધુ સ્વયંસેવકો, 10,000થી વધુ સ્વયંસેવિકા સેવારત રહી
  • 500 ખેડૂતોએ નિ:સ્વાર્થભાવે લક્ષચંડી યજ્ઞ માટે 800 વીઘા જમીન ફાળવી હતી.
  • 5 લાખ 46 હજાર કપમાં 210000 લીટર ચા વહેચવાનો રેકોર્ડ
  • 10 લાખ આમંત્રણ પત્રિકા જાતે જ વહેંચવાનો રેકોર્ડ
  • 20 હજાર શ્રધ્ધાળુઓને એક જ સ્થળે ઉતારો આપવાનો રેકોર્ડ
  • 8890 લોકોએ અગિયાર વાર ઉમિયા માતા કી જયના નારા લગાવી રેકોર્ડ બ્રેક કર્યો