લક્ષચંડી મહાયજ્ઞ / 50 લાખથી વધુ દર્શનાર્થીઓને સાચવવા 50 હજારથી વધુ સ્વંયસેવક રાત-દિવસ ખડેપગે રહેશે

લક્ષચંડી મહાયજ્ઞ / 50 લાખથી વધુ દર્શનાર્થીઓને સાચવવા 50 હજારથી વધુ સ્વંયસેવક રાત-દિવસ ખડેપગે રહેશે

  • ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન
  • મહાયજ્ઞને સફળ બનાવવા માટે અલગ અલગ 40 કમિટીની રચના કરી

અમદાવાદ/ ઊંઝા: ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ પધારવાની ધારણા છે. અહીંયા દેશ વિદેશથી લાખો ભક્તો મા ઉમિયાના દર્શન માટે આવવાના છે. તેમના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. પાંચ દિવસના આ મહાયજ્ઞમાં 50 હજારથી વધુ સ્વંયસેવકો સતત ખડેપગે હાજર રહેશે, જેના માટે અલગ-અલગ વિભાગની 40 કમિટી બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે.

મહાયજ્ઞ માટે 40 કમિટી બનાવાઈ

1. પ્લાનિંગ કમિટી: મહાયજ્ઞની તૈયારીની સંપૂર્ણ જવાબદારી પ્લાનિંગ કમિટીની છે. આ કમિટીએ પાંચ મહિના પહેલાથી કામગીરી શરૂ કરી હતી
2. સ્વાગત કમિટી: ભક્તો, સંતો અને મહાગુરુઓના સ્વાગતની જવાબદારી આ કમિટીએ લીધી છે.
3. યજ્ઞ સેવા કમિટી: યજ્ઞ દરમિયાન અને તેની તૈયારીઓ કરવા માટે યજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં સ્વંયસેવક તરીકે 300 મહિલા અને 1100 પુરુષ કાર્યરત રહેશે.
4. પ્રચાર અને સમાજ સંગઠન કમિટી: નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધી મા ઉમિયાનો ભક્તિભાવ વધારવા માટે પાટીદારોનું વિશાળ સંગઠન બનાવવાનું કામ આ કમિટી કરશે. સમગ્ર સંગઠન પૂર્ણ થતા લગભગ 25000 સ્વંયસેવકો આ કમિટીમાં હશે.
5. અન્નપુર્ણા કમિટી: માતાજીના દર્શનાર્થે આવેલા ભક્તોને ભોજન પુરું પાડવાનું કામ આ કમિટી કરશે. કારોબારી સભ્યોની સંખ્યા 105 છે. સ્વંયસેવકોની સંખ્યા 3500 છે. 200 રસોઇયા સંપૂર્ણ ભોજન બનાવશે. 500 બહેનો લાડું બનાવશે.
6. મહિલા સ્વંયસેવક કમિટી: રસોડા કમિટી, યજ્ઞશાળા, ચા-પાણીની વ્યવસ્થા વગેરે જગ્યાઓ પર ખડેપગે સેવા આપવા માટે 10000 મહિલાઓની કમિટીની રચવા કરવામાં આવી છે.
7. સરકારી સંકલન કમિટી: ઉત્સવ દરમિયાન જ્યાં સરકારની પરવાનગી અને મંજૂરીની જરૂર હશે તો મંજૂરી મેળવવાની જવાબદારી આ કમિટીની હશે. આ કમિટીમાં 11 કારોબારી સભ્યો છે.
8. જમીન સંપાદન કમિટી: જ્યાં ઉમિયાનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે તે તમામ જમીન ખેડૂતો, માલિકો પાસેથી ઓન પેપર કબ્જો મેળવવાનું કામ આ કમિટીનું છે. આ કમિટીની કામગીરી આશરે ત્રણ મહિના પહેલા શરૂ થઈ હતી.
9. મંડપ ડેકોરેશન કમિટી: લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીના ભાગરૂપે જમીન પર જે કાર્યક્રમ યોજાવાના છે. તમામ સ્થળોએ મંડપ અને ડેકોરેશનની કામગીરી આ કમિટી દ્વારા કરશે.
10. ટેક્નિકલ એન્ડ ટેન્ડર કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં જેટલા મોટા કામ કરવામાં આવે તેના ભાવ માટે ઓછામાં ઓછા ભાવ આવે અને સારા કોન્ટ્રાક્ટરો મેળવી શકાય અને સ્પર્ધાત્મક કાર્યવાહી થઈ શકે તે માટે બધા જ કાર્યોના અલગ અલગ ટેન્ડરો બનાવી કામ આપવાની કામગીરી આ કમિટીની છે.
11. પ્રકાશન કમિટી: લક્ષચંડી મહાયજ્ઞનો ગામેગામ, દેશ-વિદેશમાં પ્રસાર કરવાનું કામ આ કમિટીનું છે.
12. ઔદ્યોગિક વ્યાપાર મેળા કમિટી: શ્રી ઉમિયા માતા સંસ્થાન દ્વારા અદભુત મહોત્સવમાં એક ભવ્યાતિભવ્ય એક્ઝિબિશન ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંચાલન આ કમિટી દ્વારા કરવામાં આવશે.
13. સાંસ્કૃતિક કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યાત્રાળુઓ અને દર્શનાર્થીઓને મનોરંજન પુરું પાડવાનું કામ આ કમિટી કરશે.
14. પાર્કિંગ કમિટી: ઊંઝામાં પધારવાર ભાવિ ભક્તો, વીઆઈપી અને વીવીઆઈપી સભ્યો માટે રોડ ટચ સુંદર પાર્કિંગની વ્યવસ્થાનું આયોજન આ કમિટી કરશે.
15. બંદોબસ્ત કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ વિદેશથી લાખો ભક્તો ઊંઝા પધારવાના છે, આ ભક્તોને કોઈ હેરાનગતિ ન થાય, તમામ મા ઉમિયાના સહજતાથી દર્શન કરી શકે તે માટે સલામતી બંદોબસ્ત કમિટી ખુબ જ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહી છે.
16. સફાઈ સેનિટેશન કમિટી: લક્ષચંડી મહાયજ્ઞ દરમિયાન અને તે પૂર્વેની સફાઈ વ્યવસ્થાની જવાબદારી આ કમિટી દ્વારા ઉપાડવામાં આવી છે.
17. ઉતારા કમિટી: બહાર ગામથી આવતા દર્શનાર્થીઓ માટે સુંદર ઉતારો આપવાની કામગીરી આ કમિટીના શિરે છે.
18. દર્શન વ્યવસ્થા કમિટી: ઊંઝા દર્શન માટે આવતા લોકો ખુબ જ શાંતિપૂર્વક અને ભીડ-ભાડ વગર દરેક ભક્તોને આ લાભ મળે તે રીતે સેવા બજાવવાની કામગીરી આ કમિટી દ્વારા કરવામાં આવશે.
19. સોશિયલ મીડિયા કમિટી: સૌ પ્રથમવાર યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞને લગતા તમામ સમાચારો, માહિતી અને ઇવેન્ટને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરતી એક માત્ર કમિટી એટલે સોશિયલ મીડિયા કમિટી.
20. યજમાન નોંધણી કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં બેસનાર યજમાનોના નામની નોંધણી આ કમિટી દ્વારા કરવામાં આવી છે.
21. ભોજનાલય કમિટી: મહાયજ્ઞમાં આવતા દાતાશ્રીઓ અને મહેમાનોને ભોજનની વ્યવસ્થા આ કમિટી દ્વારા કરવામાં આવી છે.
22. ધાર્મિક-સાહિત્ય કમિટી: લક્ષચંડી લોગોવાલા કેલેન્ડર, લાઇટવાળા ફોટા, કાર સ્ટેન્ડ વોલેટ, બોલપેન, કિચન, તોરણ, સ્ટીકર અને અવિ વસ્તુનું વિતરણ આ કમિટી કરશે.
23. મીડિયા કમિટી: આ કમિટી પ્રિન્ટ એન્ડ મીડિયાને ઉત્સવની રજેરજની સચોટ માહિતી આપી તેનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ આ કમિટીનું છે.
24. હૂંડી વિતરણ અને કલેક્શન કમિટી: આ કમિટી દ્વારા મહાયજ્ઞમા હૂંડી વિતરણ તથા કલેક્શનના હિસાબ રાખવા માટેની કામગીરી કરવામાં આવશે.
25. મેડિકલ સેવા કમિટી: ઊંઝા પધારનાર ભક્તો માટે મેડિકલ સહાય પુરી પાડવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે.
26. પ્રસાદ કમિટી: લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુ અને ભાવિ ભક્તોને માતાજીની પ્રસાદી પુરી પાડવાનું કામ આ કમિટી કરશે.
27. પાણી પૂરવઠા કમિટી: મહાયજ્ઞમાં આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા પુરી પાડવાની જવાબદારી આ કમિટીની છે.
28. વીજ વ્યવસ્થા કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં સમગ્ર ઉમિયા નગરીમાં વિજળી પુરી પાડવાની કામગીરી આ કમિટી નિભાવી રહી છે.
29. આમંત્રણ વિતરણ કમિટી: ભાવિ ભક્તોને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવાની જવાબદારી આ કમિટીને સોંપી છે.
30. ચા-પાણી કમિટી: લક્ષચંડી મહાયજ્ઞની પૂર્વ તૈયારી દરમિયાન તથા મહોત્સવ દરમિયાન ચા-પાણીની વ્યવસ્થા કરવાની સંપૂર્ણ જવાબદારી આ કમિટી કરશે.
31. દાનભેટ ગોલખ કમિટી: આ કમિટી દ્વારા મહાયજ્ઞમાં જે યાત્રાળુઓ દર્શન માટે આવે છે તેમને રૂ.500 અને રૂ.1000ની યજ્ઞની આહુતિ આપવા માટે હુંડીનું વિતરણ કરવામાં આવશે.
32. સરભરા કમિટી: ઊંઝામાં આવતા લાખો ભક્તો, આગેવાનો, દાતાશ્રીઓ, રાજકીય મહેમાનો, સંતો, મહેમાનો, ધર્મગુરુઓની સરભરાની કામગીરી આ કમિટીની છે.
33. ફૂડ કોર્ટ સ્ટોલ કમિટી: યાત્રાળુઓ માટે વિવિધ જુદા-જુદા નાસ્તા અને આઈસક્રીમ સ્ટોલનું આયોજન આ કમિટીનું છે.
34. માહિતી પૂછપરછ કમિટી: ઊંઝા આવતા લોકોને માર્ગની જાણકારી ન હોય તે સ્વાભાવિક છે. ઉત્સવ અંગેની માહિતી અને જે યાત્રાળુ તેમના પરિવારથી છૂટા પડી જાય તો તેમની પૂછપરછ કરી તેમના પરિવાર સાથે મળાવવાની જવાબદારી આ કમિટીની છે.
35. ગ્રામ્ય સ્વંયસેવક કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ પ્રકારની સેવા આપવા ખડેપગે રહેનાર આ કમિટી ઊંઝા તાલુકા સહિત આજુ બાજુના 45 જેટલા ગામમાંથી આશરે 3200 જેટલા સ્વંયસેવકની પસંદગી કરવામાં આવી છે.
36. ગ્રામ્ય મહિલા સ્વંયસેવક કમિટી: લક્ષચંડી મહાયજ્ઞ માટે ઊંઝા તાલુકાના 31 ગામમાંથી એક એક આમ કુલ 31 કારોબારી સભ્યની કમિટીની રચના કરી છે. બહેનોની કમિટી દ્વારા 31 ગામોમાં ફરીને લક્ષચંડી મહાયજ્ઞ શું છે? અને તેનો મહિમા કેવો છે. તેની સમજણ આપવામાં આવી છે.
37. હેલિકોપ્ટર કમિટી: મા ઉમિયાના તમામ દર્શનાર્થીઓને ઉમિયાનગર તથા મા ઉમિયાના અત્યાધુનિક પદ્ધતિથી દર્શન કરાવવા અને પુષ્પવર્ષાનો લાભ પણ મળી શકે તે માટે હેલિકોપ્ટર કમિટીની રચના કરવામાં આવી છે.
38. મહિલા સ્વંયસેવક કમિટી: લક્ષચંડી મહાયજ્ઞમાં વિવિધ કમિટીઓ જેવા કે રસોડા, યજ્ઞશાળા, ચા-પાણી વ્યવસ્થા વગેરે જગ્યાઓ પર ખડેપગે સેવા આપવા માટે મહિલાઓની કમિટીની રચના કરવામાં આવી છે.
39. સોવેનિયર કમિટી: આ કમિટીનું મુખ્ય કામ સોવિનિયર એટલે સ્મૃતિગ્રંથ બનાવવાનું છે. જેમાં લક્ષચંડી મહાયજ્ઞના તમામ પ્રસંગોને આવરી લઈને ફોટા સાથેનો સ્મૃતિગ્રંથ બનાવવાનો
છે.
40. ધર્મસભા કમિટી: ઉમિયા માતા સંસ્થાન સંચાલિત લક્ષચંડી મહાયજ્ઞનું જે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધર્મસભા સંચાલન કમિટી એક મહત્વની ભૂમિકા ભજવશે. આ કમિટીને સંસ્થા તરફથી એક વિશાળ ડોમની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જેની અંદર અંદાજિત 10000 લોકો અને વીઆઈપી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.