રૂ. 2 લાખ કરોડ ના સ્માર્ટફોન બજારના 73% હિસ્સા પર ચીનનો કબજો, 75% એન્ટિબાયોટિક્સ ત્યાંથી જ આવે છે

રૂ. 2 લાખ કરોડ ના સ્માર્ટફોન બજારના 73% હિસ્સા પર ચીનનો કબજો, 75% એન્ટિબાયોટિક્સ ત્યાંથી જ આવે છે

આર્થિક મોરચે દેશમાં ચીનનું મોટું સામ્રાજ્ય ફેલાયું, સામનો કરવા ભારે તૈયારી કરવાની જરૂર

નવી દિલ્હી. ચીનની સેના સાથે અથડામણમાં 20 સૈનિકો શહીદ થતાં ફરી એકવાર ચીનવિરોધી લહેર મજબૂત થઈ છે. તેની સાથે જ ચીનના સામાન પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ હતી પણ આર્થિક મોરચે ચીને અહીં જેવું સામ્રાજ્ય ફેલાવી રાખ્યું છે તેને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધો સરળ નથી. દવાથી લઈને મોબાઇલ ફોન અને રમકડાંથી લઈને ઓટોમોબાઈલ પાર્ટ્સ સુધી આપણે ચીન પર મહદઅંશે નિર્ભર છીએ. ભારતે ગત વર્ષે કુલ 48 હજાર કરોડ ડોલરની આયાત કરી. તેમાંથી 6,816 કરોડ ડોલર એટલે કે 14 ટકા આયાત ફક્ત ચીનથી કરાઈ. આ રકમ સાંભળવામાં મોટી નથી લાગતી પણ આંકડાની ઊંડાઈએ જઈને જોશો તો વાસ્તવિકતા દેખાશે. દવા નિર્માણ માટે જરૂરી કાચો માલ એટલે કે એપીઆઈ માટે આપણે ચીન પર સંપૂર્ણપણે નિર્ભર છીએ. 

સ્માર્ટફોન : દોઢ લાખ કરોડનું બજાર ચીન પાસે 
દેશમાં સ્માર્ટફોન બજાર આશરે બે લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં ચીનની ભાગીદારી 73% છે. એટલે કે 146 લાખ કરોડના બજાર પર ચીનનો કબજો છે. તેમાં ચીનની 4 મોબાઇલ બ્રાન્ડ શાઓમી(30%), વીવો (17%), ઓપ્પો(12%) અને રિયલમી(14%) છે. વીવો, ઓપ્પો, રિયલમી એક જ કંપની બીબીકે ઈલેક્ટ્રોનિક્સની બ્રાન્ડ છે. તેની ચોથી બ્રાન્ડ વનપ્લસ પણ છે જે ઝડપથી આગળ વધી રહી છે. 

ટીવી : 12 હજાર કરોડનું બજાર કબજામાં
ભારતમાં ટીવીનું બજાર 25,000 કરોડનું છે. સ્માર્ટ ટીવી બજારમાં ચીનની કંપનીઓની ભાગીદારી 42-45% છે અને બિનસ્માર્ટ ટીવીમાં 7-9% છે. આશરે 12 હજાર કરોડનું બજાર ચીનના કબજામાં છે. 

ઓટો : વાર્ષિક 1 લાખ કરોડ કમાય છે ચીન
દેશમાં ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ્સનું બજાર 4.27 લાખ કરોડનું છે. ચીનની કંપનીઓની ભાગીદારી 26% છે. ચીન દર વર્ષે 1 લાખ કરોડ કમાય છે. 

ચીનથી અચાનક સપ્લાય બંધ ના કરી શકાય
વાણિજ્ય મંત્રાલયના પૂર્વ સચિવ અજય દુઆના જણાવ્યા અનુસાર ચીન પર નિર્ભરતા ખતમ કરવી આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ પણ તેને અચાનક બંધ કરવાનો કોઈ વિકલ્પ જ નથી. તેનાથી આપણને જ વધુ નુકસાન થશે. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી અને રિન્યૂએબલ એનર્જી સેક્ટરની તો સપ્લાય ચેન જ વિખેરાઈ જશે. ચીનમાં થતી આપણી નિકાસ પણ પ્રભાવિત થશે.