રિસર્ચ / કોરોના વાઇરસ દરવાજા અને ગાડીઓના હેન્ડલ સહિતની નિર્જીવ વસ્તુઓ પર 9 દિવસ સુધી જીવિત રહી શકે છે

રિસર્ચ / કોરોના વાઇરસ દરવાજા અને ગાડીઓના હેન્ડલ સહિતની નિર્જીવ વસ્તુઓ પર 9 દિવસ સુધી જીવિત રહી શકે છે

  • આ સમયગાળાો સામાન્ય ફ્લૂ કરતાં 4 ગણો વધારે
  • કોઈ પણ નિર્જીવ વસ્તુ પર 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી નીચાં તાપમાનમાં 28 દિવસ સુધી જીવિત રહી શકે છે
  • 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વાઈરસનો જીવિત રહેવાની ક્ષમતા ઘટી જાય છે
  • આલ્કોહોલથી 1 મિનિટમાં અને બ્લિચિંગથી 30 સેકન્ડમાં વાઇરસ નાશ પામે છે

હેલ્થ ડેસ્કઃ ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસને લીધે 1 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે જયારે હજારો લોકો ચેપિત બન્યા છે. ભારત સહિત અનેક દેશોમાં કોરોના વાઇરસના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ‘જર્નલ ઓફ હોસ્પિટલ ઈન્ફેક્શન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલાં એક રિસર્ચમાં એક ચોંકવનારો ખુલાસો થયો છે. આ રિસર્ચ મુજબ આ વાઇરસ દરવાજા અને ગાડીઓનાના હેન્ડલ પર 9 દિવસ સુધી જીવિત રહી શકે છે. જોકે સાધારણ ફ્લૂનો વાઇરસ માત્ર 2 દિવસ સુધી જ જીવિત રહી શકે છે.

રિસર્ચ

જર્મનીમાં આવેલી રુહ્રી અને ગ્રીફ્સવાલ્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં વિવિધ 22 ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં પુરવાર થયું કે કોરોના વાઇરસ ગ્લાસ, પ્લાસ્ટિક અને ધાતુથી બનેલી વસ્તુઓ પર ઘણા લાંબા સમય સુધી જીવિત રહે છે. ફ્લૂની જેમ આ વાઇરસ પણ કોઈ નિર્જીવ વસ્તુ પર 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી નીચાં તાપમાનમાં 28 દિવસ સુધી જીવિત રહી શકે છે. જોકે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેનો સર્વાઇવલ રેટ (જીવિત રહેવાની ક્ષમતા) ઘટી જાય છે. રિસર્ચમાં સામેલ પ્રોફેસર ગંટરના જણાવ્યા અનુસાર હ્યુમન કોરોના વાઇરસ નીર્જીવ વસ્તુઓ પર રૂમ ટેમ્પરેચર પર 9 દિવસ સુધી જીવિત રહી શકે છે.

આલ્કોહોલ અને બ્લિચિંગથી વાઇરસને નિષ્ક્રિય કરી શકાય છે
રિસર્ચમાં એ પણ પુરવાર થયું કે સામાન્ય ડિસઈન્ફેક્ટન્ટ (જંતુનાશક)થી પણ તેનો નાશ કરી શકાય છે. આલ્કોહોલથી 1 મિનિટમાં અને બ્લિચિંગથી 30 સેકન્ડમાં વાઇરસ નાશ પામે છે. જોકે રિસર્ચમાં એ પુરવાર નથી થયું શક્યું કે નીર્જીવ વસ્તુથી માણસોમાં આ વાઇરસ કેટલા સમયમાં ફેલાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ના જણાવ્યા અનુસાર ચેપથી બચવા માટે સતત આલ્કોહોલથી હાથ ધોવા જોઈએ.

હવાનાં માધ્યમથી વાઇરસ ચેપ ફેલાવી રહ્યો છે
ચાઈનીઝ ઓફિસરોના જણાવ્યા અનુસાર વાઇરસ હવે હવામાં રહેલાં સૂક્ષ્મકણોમાં ભળીને પ્રસારિત થઈ રહ્યો છે. તે હવાનાં માધ્યમથી અન્ય વ્યક્તિને ચેપિત કરી રહ્યો છે. અત્યાર સુધીમાં વાઇરસનાં ડિરેક્ટ ટ્રાન્સમિશન અને કોન્ટેક્ટ ટ્રાન્સમિશનની વાત કન્ફર્મ થઈ હતી પરંતુ હવે એરોસોલ ટ્રાન્સમિશનની વાત પણ કન્ફર્મ થઈ છે. શાંઘાઈ સિવિલ અફેર્સ બ્યૂરોના ઉપ પ્રમુખના જણાવ્યા અનુસાર શ્વાસ લેવાથી પણ ચેપ ફેલાય છે.