રિલાયન્સ રૂ.10 લાખ કરોડનું વિક્રમી માર્કેટ કેપ પાર કરનાર ભારતની પ્રથમ કંપની

રિલાયન્સ રૂ.10 લાખ કરોડનું વિક્રમી માર્કેટ કેપ પાર કરનાર ભારતની પ્રથમ કંપની

25 દિવસમાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.એક લાખ કરોડ વધ્યું

મુકેશ અંબાણીની નેટવર્થ 60.7 અબજ ડોલરથી વધુ

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 28 નવેમ્બર, 2019, ગુરૂવાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે રૂ.10 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. કંપનીના શેરનો ભાવ આજે રૂ.10.20 વધીને રૂ.1579.95 નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી જવા સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.10,01,555.42 કરોડ પહોંચી ગયું છે. 

કંપનીના શેરનો ભાવ આ વર્ષમાં અત્યાર સુધીમાં 41 ટકા  વધી ગયા સાથે છેલ્લા 25 દિવસમાં જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.9 લાખ કરોડથી એક લાખ કરોડ વધીને રૂ.10 લાખ કરોડનો આંક પાર કરી ગયું છે. જે 284 ટ્રેડીંગ દિવસમાં રૂ.8 લાખ કરોડથી વધીને રૂ.9 લાખ કરોડ પહોંચ્યું હતું.

ઓઈલ થી ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી.અંબાણીની પોતાની નેટવર્થ આજે વધીને 60.7 અબજ ડોલરથી વધુ થઈ છે. રિલાયન્સમાં અડધાથી વધુ હોલ્ડિંગ ધરાવતા મુકેશ અંબાણી એશીયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

રૂ.10 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન  પાર કરવા પાછળ અનેક પરિબળો રહ્યા છે. જે પૈકી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતમાં જ ટેલીકોમ એકમ રિલાયન્સ જીઓ દ્વારા તેના ટેરિફમાં ટૂંક સમયમાં વધારો કરવાનું જાહેર કરાયું હતું.

આ પૂર્વે  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટેલીકોમ સહિત તેના ડિજિટલ સર્વિસિઝ બિઝનેસા માટે હોલ્ડિંગ કંપની સ્થાપવાનું જાહેર કરીને વ્યુહાત્મક રોકાણકારના પ્રવેશ માટેનો માર્ગ મોકળો કરાયો હતો. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓપ્શનલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરોના સ્વરૂપમાં નવી કંપનીમાં રૂ.એક લાખ કરોડથી વધુ મૂડી રિલાયન્સ લાવશે.

આ ઈક્વિટીને પગલે રિલાયન્સ જીઓ જેની રૂ.એક લાખ કરોડની જવાબદારીઓ પેરન્ટની સબસીડિયરીને ટ્રાન્સસફર કરશે, અને આ પ્રકારે જીઓ 31,માર્ચ 2020 સુધીમાંએરવેવ સંબંધિત જવાબદારીઓ સિવાય ઋણ-ડેટ મુક્ત બનશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાણાકીય વર્ષ 2021માં અરામકો અને બીપી તરફથી રૂ.1.1 લાખ કરોડ મેળવે એવી શકયતા છે.

આ સાથે ગત મહિને બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા તેના એક રીપોર્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના નવા કોમર્સ સાહસ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ બિઝનેસ થકી 200 અબજ ડોલરનું માર્કેટ કેપિટલાઈઝેશન હાંસલ કરનારી પ્રથમ કંપની બનશે એવી આગાહી કરવામાં આવી હતી. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ તેજીમાં આ વખતે કંપનીના ગ્રોસ રીફાઈનીંગ માર્જિનમાં અપેક્ષિત વધારો, તેના કન્ઝયુમર બિઝનેસના મજબૂત ફાઈનાન્સિંગ, હોમ બ્રોડબેન્ડ બિઝનેસ શરૂ કરવો, ટેલીકોમ ટેરિફમાં વધારો કરવો, નીચા મૂડી ખર્ચ, મજબૂત વૃદ્વિના અંદાજો અને શેર ધારકોને વળતર આપવા તરફનો વેગ કંપનીએ વધારવા સહિતના પરિબળોની ભૂમિકા રહી હોવાનું માનવામાં  આવે છે.