રાજકોટમાં ઢોંગી બાબાએ કહ્યું, ‘મંત્રેલો દોરો પહેરી 11 વખત નાળિયેર માથા પરથી ઉતારી વધેરી નાખજો એટલે કોરોના જતો રહેશે’

રાજકોટમાં ઢોંગી બાબાએ કહ્યું, ‘મંત્રેલો દોરો પહેરી 11 વખત નાળિયેર માથા પરથી ઉતારી વધેરી નાખજો એટલે કોરોના જતો રહેશે’

  • લોકો અંધશ્રદ્ધા કે ખોટી માન્યતાઓને લઇને શિકાર ન બનવું 
  • દિવ્ય ભાસ્કરે બે ઢોંગી ભૂવાઓ અને બે તાંત્રિકોનો પર્દાફાશ કર્યો છે

મહેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ રાવરાણી, રાજકોટઃ કોરોનાથી વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે, ઇટાલી જેવા દેશોમાં મહામારી સર્જાય છે, ભારતમાં પણ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, ગુજરાતમાં પણ વિનાશક કોરાના ઘૂસી ગયો છે, આ સંજોગોમાં લોકજાગૃતિ સૌથી વધુ અસરકારક હથિયાર છે, ભૂવા-તાંત્રિકો લોકોને અંધશ્રદ્ધામાં હોમીને લૂંટી રહ્યા છે, લોકો અંધશ્રદ્ધાનો ભોગ બને નહીં, લોકોને સાવચેત કરવાના ઇરાદા સાથે દિવ્ય ભાસ્કરની ટીમે બે ભૂવા અને બે તાંત્રિકોને મળી વાર્તાલાપ કરી તેના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. આ રોગની દવા શોધાઇ નથી ત્યારે  દોરા, ધાગા, માથા પરથી નાળિયેર ઉતારવા અને તાવીજ પહેરવાથી કોરોના જતો રહેશે તેવા દાવા કરી લૂંટી રહ્યા છે.

ભૂવો-1: વિધિ પછી રિપોર્ટ કરાવજો સારું થઇ ગયું હશે
ભાસ્કર : ચાર દિવસથી તાવ આવે છે, ડોક્ટર પાસે ગયા હતા, કોરોના હોવાની શંકા વ્યક્ત કરી
ભૂવો : ડોક્ટરની સારવાર તો લેવી પડશે, સાથે દુઆ પણ કામ કરશે.
ભાસ્કર : શું કરવું?, કોરોના જતો તો રહેશેને?
ભૂવો : પગની આંટી મારી દોરો બનાવી, દર્દીની સામે ફેંકે છે, ઘરે જઇને પહેરાવી દેજો.
ભાસ્કર : અહ્યા જ વિધિ કરી દોને.
ભૂવો : તમારા ઘરના ઉંબરા પાસે ઊભા રાખી આ મંતરેલો દોરો પહેરાવજો, પછી 11 વખત નાળિયેર માથા પરથી ઉતારી નાળિયેર વધેરી નાખજો.
ભાસ્કર : આમ કરવાથી કોરોના જતો રહેશેને?
ભૂવો : આટલી વિધિ કર્યા પછી રિપોર્ટ કરાવજો સારું થઇ ગયું હશે. પછી મને ફોન કરજો, આગળ જરૂર પડશે તો બીજી વિધિ કરશું.

ભૂવો-2: 4 વખત દાણા ફેંકીને કહ્યું કઇ નથી
ભૂવો : ક્યાંથી આવો છો, હું તો મંગળવાર અને શનિવારે જ જોવ છું, રાજકોટથી આવ્યા છો તો જોઇ દઇશ.
ભાસ્કર : હા બાપું કંઇક જોઇ દોને, ચાર દિવસથી તાવ આવે છે, કોરોના હોવાની શંકા છે.
ભૂવો : પાટલો પાથરે છે, તેના પર કાપડ રાખી જારના દાણા મૂકે છે, ચાર વખત દાણા ફેંકીને, કંઇ છે નહીં, કંઇ નડતું નથી, કરમ પીડા છે.
ભાસ્કર : બાપુ મટી તો જશેને?
ભૂવો : કંઇ નડતર નથી.

તાંત્રિક-1: નવગ્રહના શાંતિજાપથી સારંુ થશે
ભાસ્કર : મારાભાઇને 4 દિ’થી તાવ આવે છે, સ્થિતિ બગડી રહી છે
તાંત્રિક : ડોક્ટરને બતાવ્યું? શું કહે છે?.
ભાસ્કર : હા દવા તો ચાલુ જ છે, કોરોના હોવાની શંકા છે.
તાંત્રિક : દવા ચાલુ રાખો, હું શાંતિજાપ નવગ્રહના કરી આપું, સારું થઇ જશે.
ભાસ્કર : તો તમે આમારા ઘરે આવીને જાપ કરશો?.
તાંત્રિક : ના, હું અહ્યા જ મારાઘરે કરી આપીશ, તમે રૂ.1100 મોકલી આપો, હું ખાતા નંબર આપું.
ભાસ્કર : હા પણ કોરોના તો મટી જશેને?
તાંત્રિક : કંઇ નડતર નથી. વિશ્વાસ રાખો સારું થઇ જશે, તમે પૈસા જમા કરાવો એટલે હું જાપ શરૂ કરી દઉ.

તાંત્રિક-2: તાવીજ કુરિયરથી મોકલી આપું છું
ભાસ્કર : મારા ભાઇને 5  દી’થી તાવ આવે છે, તેને કોરોના છે.
તાંત્રિક : સારવાર ચાલુ રાખો, હું તાવીજ બનાવી આપીશ, મેલડીમાનું એ ડોકમાં પહેરાવી દેજો.
ભાસ્કર : તાવીજ બનાવવા અમારે તમારે ત્યાં આવવું પડશે?
તાંત્રિક : ના તમારે આવવાની જરૂર નથી, તમારા ઘરે કુરિયરથી પહોંચાડી દઇશ.
ભાસ્કર : તો અમારે શું કરવું પડશે?
તાંત્રિક : તમે રૂ.900 આંગડિયા મારફત મોકલી આપો, તાવીજ મળે એટલે ફોન કરજો, હું કહું એ મુજબ અગરબત્તી દીવો કરીને પહેરાવી દેજો.
ભાસ્કર : પરંતુ મારા ભાઇને કોરોના મટી તો જશેને?
તાંત્રિક : ડોક્ટર ગેરંટી આપશે નહીં, મે આપેલું તાવીજ પહેરાવી આપો પછી જોવો તમારો ભાઇ ઘોડા જેવો થઇ જશે.