રશિયા બીજા દેશોને કોરોનાની વેક્સિન કેટલામાં અને ક્યારે આપશે? આ રહી તમામ વિગત

રશિયા બીજા દેશોને કોરોનાની વેક્સિન કેટલામાં અને ક્યારે આપશે? આ રહી તમામ વિગત

કોરોનાની રસી શોધવાના મામલે આખી દુનિયાને પાછળ છોડીને રશિયા સૌથી આગળ નીકળી ગયું છે. દુનિયાની પહેલી કોરોના વેક્સિન અપ્રૂવ થઈ ગઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારના આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, રશિયામાં બનેલી પહેલી કોવિડ-19 વેક્સિનને હેલ્થ મિનિસ્ટ્રીથી અપ્રૂવલ મળી ગઈ છે. પુતિને એ પણ જણાવ્યું છે કે તેમની દીકરીઓને આ રસી આપવામાં આવી છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આ સવારે દુનિયામાં પહેલીવાર નવા કોરોના વાયરસની સામે વેક્સિન રજિસ્ટર્ડ થઈ.’

પુતિનની દીકરીને પણ અપાઈ વેક્સિન

તેમણે એ તમામને અભિનંદન આપ્યા જેમણે આ વેક્સિન પર કામ કર્યું છે. પુતિને કહ્યું કે, વેક્સિન તમામ જરૂરી ટેસ્ટમાંથી પસાર થઈ છે. હવે આ વેક્સિન મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે મોકલવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાણકારી આપી કે તેમની એક દીકરીને આ વેક્સિનના ડોજ આપવામાં આવ્યા છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશકોના જણાવ્યા પ્રમાણે આ મહિનાથી વર્કર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ શકે છે. રશિયામાં સૌથી પહેલા ફ્રંટ લાઇન હેલ્થ વર્કર્સને કોરોનાની રસી લગાવવામાં આવશે. ત્યારબાદ સીનિયર સિટિઝન્સને વેક્સિન આપવામાં આવશે.

યૂકેએ કહ્યું- તે પોતાના નાગરિકોને રશિયન કોરોના વેક્સિન નહીં આપે

અત્યારે આ વેક્સિનના લિમિટેડ ડોઝ તૈયાર કરવામાં આવ્યા છે. રેગ્યુલેટરી અપ્રૂવલ મળી ગઈ છે, તો હવે આ વેક્સિનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. રશિયાએ કહ્યું છે કે તે ઑક્ટોબરથી દેશભરમાં રસી લગાવવાની શરૂઆત કરી શકે છે. રશિયાએ દુનિયાભરમાં વેક્સિન સપ્લાય કરવાની વાત તો કહી છે, પરંતુ અનેક દેશો આને લઇને ખચકાઈ રહ્યા છે. પશ્ચિમી દેશો સહિત વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચિંતા વ્યક્ત કરી છે કે પર્યાપ્ત ડેટા વગર વેક્સિનનો સપ્લાય કરવો ઠીક નહીં રહે. યૂનાઇટેડ કિંગડમે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના નાગરિકોને રશિયન વેક્સિનના ડોઝ નહીં આપે. આવામાં થઈ શકે છે કે શરૂઆતના તબક્કે વેક્સિન બીજા દેશોને ના મોકલવામાં આવે. રશિયાની સામાન્ય જનતા પર વેક્સિનની અસર જોયા બાદ બાકીના દેશો આના પર કોઈ નિર્ણય લઈ શકે છે.

રશિયામાં નાગરિકોને ફ્રીમાં મળશે વેક્સિન

રશિયન એજન્સી TASSનાં જણાવ્યા અનુસાર, રશિયામાં આ વેક્સિન ફ્રી ઑફ કોસ્ટ ઉપલબ્ધ હશે. આના પર આવનારો ખર્ચ દેશના બજેટથી પૂર્ણ કરવામાં આવશે. બાકી દેશો માટે કિંમતનો ખુલાસો અત્યારે નથી કરવામાં આવ્યો. આ વેક્સિનના બનાવવામાં લાગેલા અનેક રિસર્ચર્સે પણ આ વેક્સિન લગાવી છે. કેટલાક લોકોને આ વેક્સિનના ઉપયોગથી તાવ આવી શકે છે, જેના માટે પૈરાસિટામોલના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.