રવિવારે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ દીપ પ્રગટાવવા મોદીની અપીલ

રવિવારે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ દીપ પ્રગટાવવા મોદીની અપીલ

। નવી દિલ્હી ।

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯ કલાકે રાષ્ટ્રજોગ વીડિયો સંદેશમાં તમામ દેશવાસીઓને રવિવારે ૫ એપ્રિલે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ માટે ઘરની તમામ લાટ્સ બંધ કરીને ઘરના દરવાજે કે બાલ્કનીમાં દીપક પ્રગટાવવા અપીલ કરી હતી. દેશની ૧૩૦ કરોડ જનતા લોકડાઉન સાથે  ઘરમાં પુરાઈ ગઈ છે ત્યારે તેમણે દેશના લોકોને તેમના ઘરના દરવાજે કે બાલ્કનીમાં દીપક, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટનો પ્રકાશ ફેલાવવા હાકલ કરી હતી. કોરોનાનાં અંધકાર સામે પ્રકાશની મહાશક્તિની તાકાત દર્શાવવા અને દેશને કોરોનાની મહામારીથી બચાવવા તેમણે લોકોને સંદેશો આપ્યો હતો.

મોદીએ કહ્યું કે લોકડાઉનના ૯ દિવસ પૂરા થયા છે. લોકોએ તેમજ વહીવટીતંત્રએ તેને સફળ બનાવવા તમામ પ્રકારનું યોગદાન આપ્યું છે જે પ્રશંસાને પાત્ર છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે. કોરોના સામે આટલા જ જોમ અને જુસ્સાથી આપણે સૌએ લડતા રહેવાનું છે. અનેક દેશો આપણામાંથી પ્રેરણા અને ઉદાહરણ લઈને તેનું અનુકરણ કરી રહ્યા છે.

આપ સૌ પાસેથી ૯ મિનિટ માગું છું : મોદી  

મોદીએ કહ્યું કે રવિવારે ૫ એપ્રિલે રાત્રે ૯ કલાકે આપણે સૌએ કોરોનાનાં સંકટને પડકાર ફેંકવાનો છે અને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ ૫ એપ્રિલે ૧૩૦ કરોડ દેશવાસીઓએ કોરોનાનાં અંધકારને દૂર કરવા મહાશક્તિનું જાગરણ કરવાનું છે. ૫ એપ્રિલે રવિવારે રાત્રે ૯ કલાકે હું આપ સૌ પાસેથી ૯ મિનિટ માગું છું. આપ સૌ ઘરની તમામ લાઇટ્સ બંધ કરીને ઘરના દરવાજે કે બાલ્કનીમાં દીપક, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવો. મોદીએ કહ્યું કે આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે અને લક્ષ્મણરેખા ઓળંગવાની નથી.

જનતાનાં વિરાટ સ્વરૂપનો સાક્ષાત્કાર જરૂરી

મોદીએ કહ્યું કે લોકો જ્યારે ચારે તરફ દીવી પ્રગટાવશે ત્યારે પ્રકાશની મહાશક્તિનો અહેસાસ થશે. જેથી આપણે સૌ એક જ ઉદ્દેશથી લડી રહ્યા છીએ તે ઉજાગર થશે. આ પ્રકાશમાં આપણે સંકલ્પ કરવાનો છે કે આપણે સૌ ઘરે છીએ પણ એકલા નથી. સમયાંતરે દેશવાસીઓએ તેમની સામૂહિક શક્તિની વિરાટતા, ભવ્યતા અને દિવ્યતાની અનુભૂતિ કરાવવા જરૂરી છે. દેશ જ્યારે આટલી મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે જનતાનાં વિરાટ સ્વરૂપ અને અપાર શક્તિનો સાક્ષાત્કાર જરૂરી છે.

કોરોના સામે લડવા લોકોએ અપાર શિસ્ત દર્શાવી છે

મોદીએ લોકોને લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોને મદદ કરવા અપીલ કરી હતી. આપણે સૌએ કોરોનાનાં અંધકારને દૂર કરીને આશા અને પ્રકાશમાં પગરણ માંડવાનાં છે. આપણે અંધકાર અને અનિશ્ચિતતાને હટાવવાનાં છે. સંસ્કૃતનો શ્લોક ટાંકીને તેમણે ક્હ્યું કે આપણી આશા અને જુસ્સાથી બીજી કોઈ શક્તિ વિશ્વમાં મહાન નથી.