રથયાત્રાનો સમગ્ર રૂટ બેરિકેડ કરાશે, દર્શન પણ 10 ફૂટ દૂરથી જ માસ્ક પહેરીને કરવાના રહેશે

રથયાત્રાનો સમગ્ર રૂટ બેરિકેડ કરાશે, દર્શન પણ 10 ફૂટ દૂરથી જ માસ્ક પહેરીને કરવાના રહેશે

25 હજારથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો બંદોબસ્તમાં મુકાશ

અમદાવાદ. ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે 23 જૂને નીકળનારી ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાના દર્શન ભક્તો 10 ફૂટ દૂરથી કરી શકશે. જે માટે રથયાત્રાનો આખો રૂટ બંને બાજુથી બેરિકેડ કરી દેવાશે અને તેની અંદર કોઇને પણ પ્રવેશવા દેવાશે નહીં. ચાલુ વર્ષે રથયાત્રાની સુરક્ષામાં પોલીસ કરતાં લશ્કરી – અર્ધ લશ્કરી દળના જવાનો વધારે જોવા મળશે. રથયાત્રામાં  25 હજાર કરતાં પણ વધારે પોલીસ – સુરક્ષા કર્મચારી તહેનાત રહેશે. રથયાત્રાના દર્શન કરવા આવનારા ભક્તને પોલીસ કે સુરક્ષા કર્મચારી રોકશે નહીં. પરંતુ તેઓ બેરિકેડ ક્રોસ કરીને અંદર નહીં આવી શકે તેમજ દર્શનાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રહેશે.
ડીજીપી શિવાનંદ ઝા એ કોટ વિસ્તારની મુલાકાત લઈ અમદાવાદને લશ્કરી – અર્ધ લશ્કરી દળની 38 ટુકડીઓ ફાળવી હતી. સુરક્ષા માટે સ્થાનિક પોલીસની સાથે લશ્કર – અર્ધ લશ્કરી દળ, બીએસએફ, સીઆરપીએફ, આરએએફ, ઈન્ડો તિબેટિયન જવાનો તહેનાત કરાશે. 
ભગવાન જગન્નાથ મોસાળમાં પધાર્યા, અમાસ સુધી સરસપુરમાં જ રહેશે
જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શુક્રવારે સાંજે સાદગી સાથે મોસાળમાં પધાર્યા હતા, જ્યાં તેઓ અમાસ સુધી રોકાશે. આ સમય દરમિયાન દરરોજ યોજાતા ભજન અને આનંદના ગરબા સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય.
રૂટ વાહનો માટે સંપૂર્ણ બંધ
દર વર્ષે રથયાત્રા જેમ જેમ આગળ વધે તેમ તેમ આગળના રસ્તા વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને 22 જૂને રાતથી રથયાત્રાનો આખો રૂટ વાહનચાલકો બંધ કરી દેવામાં આવશે. રથયાત્રા નિજ મંદિરે પહોંચ્યા બાદ જ તમામ રસ્તા વાહનચાલકો માટે ખુલ્લા મુકાશે. પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે પોલીસ કમિશનર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓનો મિટિંગનો દોર શરૂ થઇ ગયો છે.