યુએસમાં ભારતીય મતદારો ટ્રમ્પને કે બાઈડેનને મત આપશે ?

યુએસમાં ભારતીય મતદારો ટ્રમ્પને કે બાઈડેનને મત આપશે ?

અમેરિકાનાં પ્રેસિડેન્ટની ચૂંટણી ૩ નવેમ્બરે યોજાવાની છે. આપણા દેશમાં અત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને જે રીતે ચૂંટણીપ્રચારમાં આક્ષેપો -પ્રતિઆક્ષેપોનો મારો ચાલી રહ્યો છે તેજ રીતે અમેરિકાની ચૂંટણીમાં પણ જોરદાર આક્ષેપો પ્રેસિડેન્ટનાં ઉમેદવાર ટ્રમ્પ અને બાયડેન વચ્ચે ચાલી રહ્યાં છે. રાજકારણમાં હંમેશા સત્તા સર્વોચ્ચ હોય છે. આ સત્તા મેળવવા રાજકારણીઓ મર્યાદાઓ ભૂલીને પણ ટીકા, આરોપો, જૂઠાણા પર ઊતરી પડતાં હોય છે. એ રાજકારણીઓ પછી ભણેલા હોય કે અભણ, ગરીબ હોય કે અમીર ચૂંટણી આવે છે ત્યારે આ લોકોમાં કોઇ ફરક રહેતો નથી. તમામનો ધ્યેય ચૂંટણી જીતવા પર જ હોય છે. એ પછી બિહારના લાલુ યાદવ હોય કે પછી અમેરિકાના ટ્રમ્પ હોય, નીતિશકુમાર હોય કે પછી જો બાયડેન હોય, બધા એક લેવલ પર આવી જતાં હોય છે. અત્યારે અમેરિકામાં આવુંજ ચૂંટણીપ્રચારમાં દેખાઇ રહ્યું છે.

ભારતમાં લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, હંમેશા પાકિસ્તાનનો મુદ્દો ઉછળતો હોય છે. અમેરિકાની આ ચૂંટણીમાં ચીનનો મુદ્દો ઉછળ્યો છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બાયડેન માટે કહે છે કે, જો બાયડેન જીતશે તો ચીન આપણા પર હાવી થઇ જશે. કોરોના વાઇરસની વેક્સિન આવવામાં મોડું થશે. દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગશે અને આખો દેશ બંધ થઇ જશે. ટ્રમ્પ જાહેરસભામાં કહે છે કે, બાયડેન એક નકામો અને ભ્રષ્ટ નેતા છે. છેલ્લાં ૪૭ વર્ષમાં તેણે મતદારોને દગો કર્યા સિવાય કશું જ કર્યું નથી. બાયડેન તમારી આંખોમાં જોશે અને ફરીને તમારી પીઠમાં છરો મારી દેશે. એને કેવલ સત્તા મેળવવાની   ચિંતા છે. ટ્રમ્પ કહે છે કે, જો અમે જીતીશું તો ચીની ફ્લેગને હંમેશા માટે ખતમ કરી નાખીશું. માટે તમે રિપબ્લિકન માટે મતદાન કરજો. અમેરિકાના સ્વપ્નાઓ માટે મતદાન કરજો. પ્રેસિડેન્ટ ટ્રમ્પનો દીકરો ટ્રમ્પ જુનિયર પણ ચૂંટણીપ્રચારમાં આગળ છે. બિહારમાં જેમ લાલુપ્રસાદનો દીકરો તેજસ્વી યાદવ મુખ્યમંત્રીનો ઉમેદવાર બનીને ચૂંટણીપ્રચાર કરે છે તેમ ટ્રમ્પ જુનિયર પોતાના પિતાના ચૂંટણીપ્રચારનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. ચૂંટણીપ્રચારમાં તાજેતરમાં ન્યૂયોર્કના નોર્થ લોંગ આઇલેન્ડ વિસ્તારમાં ભારતીય મતદારોને સંબોધતા ટ્રમ્પ જુનિયરે કહ્યું હતું કે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાયડેન ભારત માટે બરાબર નથી. કારણ કે તેમનું ચીન પ્રત્યેનું વલણ નરમ થઇ શકે છે.  ટ્રમ્પ જુનિયરે કહ્યું કે, આપણે ચીન સામેનો ખતરો સમજવો પડશે અને આ ખતરાને ઇન્ડિયન-અમેરિકન સિવાય વધુ સારી રીતે કોઇ નથી જાણતું. જો બાયડેને પોતાની એક બુકમાં ટ્રમ્પ જુનિયરે પ્રેસિડેન્ટના ઉમેદવાર જો બાયડેનના દીકરા હન્ટર બાયડેન પર આરોપ લગાવ્યો છે કે, ચીને હન્ટરને ૧.૫ અબજ ડોલર આપ્યાં છે. ટ્રમ્પ જુનિયરનું કહેવું છે કે, હન્ટર એક સફળ ઉદ્યોગપતિ છે એટલે ચીને આ રૂપિયા નથી આપ્યાં પરંતુ ચીન બાયડેન સાથે સારા સંબંધો રાખવા માગે છે એટલે આ રૂપિયા અપાયાં છે.

સામી બાજુ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાયડેન પણ ટ્રમ્પ પર આક્ષેપોનો તોપમારો ચલાવે છે. બાયડેનનું કહેવું છે કે, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પ્રેસિડેન્ટ ટ્રમ્પનું નેતૃત્વ અરાજક અને ભાગલાંવાદી છે અને તેના કારણે અમેરિકનોએ ભારે કિંમત ચૂકવવી પડી છે. ટ્રમ્પે પોતાના શાસનકાળમાં કોરોના વાઇરસની સામે લડવા માટે જે ઢીલાશથી કામ કર્યું છે, જેના કારણે લોકોની જીંદગીનો ભોગ આપવો પડયો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ફક્ત પોતાની જ ચિંતા છે.

જો બાયડેનના વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર કમલા હેરિસની માતા ભારતીય મૂળની હોવાથી ભારતીય મૂળના મતદારો સાથે તે તરફ જોડાઇ શકે છે. કમલા હેરિસે ટ્રમ્પ માટે કહ્યું હતું કે, ટ્રમ્પ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારતની ટીકા કરે છે.  ટ્રમ્પે તાજેતરમાં ભારતમાં ગંદી હવા છે તેવી વાત કહી હતી તેના સંદર્ભમાં કમલા હેરિસે આ વાત કરી હતી.

અમેરિકાના ભારતીય મતદારોનું છેલ્લાં ૧૦ વર્ષથી વર્ચસ્વ વધી રહ્યું છે. અમેરિકામાં ભારતીય મૂળનાં ૪૧ લાખ લોકો રહે છે. જેમાંથી ૧૮ લાખ લોકો મતદાર છે. જો કે આ સંખ્યા ૨૦૦૦ની છે. ત્યારબાદ તેમાં મોટો વધારો થયો છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો વર્ષોથી ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે. અગાઉ ભારતીયોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઓબામાને દિલથી વોટ અને નોટ પણ આપી હતી. અમેરિકામાં સુખી-સંપન્ન થયેલાં ભારતીયો રાજકીય પાર્ટીઓને ચૂંટણી ફંડ આપવા માટે જાણીતા છે અને તેના કારણે રાજકીય પાર્ટીઓ ભારતીયોને પોતાની સાથે રહે તે માટે સ્પર્ધા કરી રહ્યાં છે. ૨૦૧૬માં જ્યારે હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્ટશિપ માટે મુકાબલો હતો ત્યારે ભારતીય સમુદાયના ૮૦ ટકા મતદારો હિલેરી ક્લિન્ટનની તરફે હોવાનું કહેવાય છે. પરંતુ ત્યારે પણ ભારતીયોનો એક મોટો વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રહ્યો હતો અને ટ્રમ્પ માટે મોટાં પ્રમાણમાં ડોનેશન પણ ભેગું કર્યું હતું. ઇન્ડિયન્સ તરફથી અપાયેલું આ ફંડ ટ્રમ્પ માટે જીવતદાન સાબિત થયું હતું. ટ્રમ્પને ત્યારે તેમની રિપબ્લિકન પાર્ટી તરફથી પણ કોઇ મોટી નાણાકીય સહાય મળતી ન હતી.

૨૦૧૬ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને હરાવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતાં. ત્યારે એ હકીકત બહાર આવી હતી કે, ભારતીય સમુદાયના ૭૭ ટકા મતદારોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને મત આપ્યાં હતાં. ત્યારથી ટ્રમ્પની નજર ભારતીય મતદારો પર હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ૨૦૧૯માં હ્યુસ્ટનમાં યોજાયેલી હાઉડી મોદીની રેલીમાં પણ એટલે જ ગયાં હતાં.  ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદમાં યોજાયેલી નમસ્તે ટ્રમ્પની રેલીમાં પણ ટ્રમ્પ આવ્યા હતાં અને મોદી સાથે મંચ શેર કર્યો હતો.

અત્યારે અમેરિકાનું મીડિયાનું અનુમાન છે કે, ભારતીય સમુદાયમાંથી ૬૬ ટકા લોકો બાયડેન સાથે છે, જ્યારે ૨૮ ટકા લોકો ટ્રમ્પ સાથે છે. જો કે ભારતનો હાલમાં ચીન સાથે સરહદી તણાવ વધી ગયો છે. એ સંજોગોમાં ભારતની જે પહેલી પેઢી અમેરિકામાં છે તે પ્રેસિડેન્ટ ટ્રમ્પને પસંદ કરી રહી છે. એવું માનવું છે કે ભારત સાથે ચીનની વિરુદ્ધમાં ટ્રમ્પને કારણે અમેરિકા ઊભું રહ્યું છે. જો ટ્રમ્પ ફરી વખત ચૂંટાશે તો ભારતને ચીન વિરુદ્ધ તમામ મદદ ટ્રમ્પને કારણે મળી શકશે. જો કે અમેરિકામાં રહેતી ભારતીયોની બીજી પેઢી આવું વિચારતી નથી. પરિણામે ભારતીય સમુદાયના મતદારો આ ચૂંટણીમાં કઇ તરફ રહેશે તે માટે આવતી મીડિયાની અટકળો આધારભૂત ગણી શકાતી નથી.

( Source – Sandesh )