યુએનના વડાએ ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતાને આખા વિશ્વની સામે શ્રેષ્ઠ ગણાવી

યુએનના વડાએ ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતાને આખા વિશ્વની સામે શ્રેષ્ઠ ગણાવી

વિશ્વના રસીકરણ કાર્યક્રમમાં ભારત મહત્ત્વની ભૂમિકા નિભાવે તે માટે આહ્વાન કરતાં સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનીઓ ગુટેર્સે જણાવ્યું હતું કે ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતા તે આજના વિશ્વની શ્રેષ્ઠ અસ્કયામત છે. અત્રે પત્રકારોને સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્રના વડાએ જણાવ્યું હતું કે, ‘હું જાણું છું કે ભારતમાં તેણે પોતે વિકસાવેલી રસીનું મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. અમે ભારતની સંસ્થાઓ સાથે તે મુદ્દે સંપર્કમાં છીએ. અમે દૃઢપણે માનીએ છીએ કે ભારત તે તમામ સંસાધન ધરાવે છે કે જે વૈશ્વિક રસીકરણ અભિયાનને સફળ બનાવી શકે. હું વિચારું છું કે ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતા તે વિશ્વની શ્રેષ્ઠ અસ્કયામત છે. હું આશા રાખું છું કે વિશ્વ તે વાત સમજશે કે ભારતની આ ક્ષમતાનો ઉપયોગ થવો જોઈએ.’  તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં વેક્સિન સુધી લોકોની પહોંચનું લોકશાહીકરણ થવું જોઈએ. હાલમાં જે વેક્સિન શોધાઈ ચૂકી છે તેના ઉત્પાદનના લાઇસન્સ વિશ્વભરની કંપનીઓને આપવા જોઈએ.

ભારતે પાડોશી દેશોને ૫૫ લાખ ડોઝની આપી ભેટ

ભારતે તેના પાડોશી દેશોને ૫૫ લાખ વેક્સિન ડોઝની ભેટ આપ્યા પછી સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીએ ભારતની પ્રશંસા કરતાં ઉપરોક્ત વાત કરી હતી. વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પત્રકાર પરિષદને સંબોધતાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ભારત ઓમાનને એક લાખ, કેરિકોમ દેશોને પાંચ લાખ , નિકારાગુઆને બે લાખ અને પ્રશાંત સાગરના ટાપુ દેશોને પણ બે લાખ વેક્સિન ડોઝની ભેટ આપવા વિચારી રહ્યું છે. પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે ભારત આફ્રિકાને ૧ કરોડ અને સંયુક્ત રાષ્ટ્રના આરોગ્ય કર્મીઓને પણ ૧૦ વેક્સિન ડોઝ પૂરા પાડવા વિચારી રહ્યું છે.

વેક્સિનના વેપારી ધોરણે વેચાણ માટે પણ વિચારણા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારત સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, કેનેડા,મોંગોલિયા સહિતના દેશોને વેપારી ધોરણે વેક્સિન નિકાસ કરવા પણ વિચારી રહ્યું છે. આ પહેલાં બ્રાઝિલ, મોરોક્કો અને બાંગ્લાદેશને વેપારી ધોરણે નિકાસ થઈ ચૂકી છે.

કોરોના વેક્સિન વિતરણ ઔતે વૈશ્વિક ઇમરજન્સી : યુએન વડા 

સંયુક્ત રાષ્ટ્રના મહમંત્રીએ કોવિડ-૧૯ વેક્સિન વિતરણ પ્રક્રિયા વૈશ્વિક ઇમરજન્સી હોવાનું જણાવ્યું હતું. વિશ્વભરમાં સાત કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે પરંતુ તે પૈકી આફ્રિકી ખંડમાં ૨૦,૦૦૦ લોકોનું રસીકરણ થયું છે. તેમણે કહ્યું હતું કે તમામ દેશની ફરજ છે કે તે પોતાના નાગરિકોને બચાવે, પરંતુ બાકીના દેશને નજર અંદાજ કરવા કોઈ દેશને પરવડે તેમ નથી. વેક્સિન રાષ્ટ્રવાદ તે નૈતિક અને આર્થિક નિષ્ફળતા જ કહી શકાય. માહામારીનો સામનો કરવા વૈશ્વિક રસીકરણ કાર્યક્રમની જરૂર છે.

( Source – Sandesh )