મેક્સિકો સરહદે પ્રવાસીઓની તસ્કરી મામલે અમેરિકામાં 16 નેવીના સૈનિકોની ધરપકડ

મેક્સિકો સરહદે પ્રવાસીઓની તસ્કરી મામલે અમેરિકામાં 16 નેવીના સૈનિકોની ધરપકડ

(પીટીઆઈ) સૈન ડિએગો, તા. 27 જુલાઇ, 2019, શુક્રવાર

અમેરિકામાં પ્રવાસીઓની તસ્કરીમાં મદદ કરવાના આરોપસર 16 નૌસૈનિકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ મેક્સિકો સરહદની ઉત્તરમાં કેલિફોર્નિયાના કેમ્પ પેંડલટન ખાતેથી આ નૌસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી. નૌસૈનિક ટુકડી દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં સરહદી સુરક્ષાને મજબૂતાઈ આપવામાં મદદ કરવા આ 16 સૈનિકો પૈકીનું કોઈ સામેલ ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરવામાં આવી તે તમામ નૌસૈનિકો પર પ્રવાસીઓની તસ્કરીથી લઈને નશીલી દવાઓ સાથે સંકળાયેલા ગુનાઓમાં મદદ કરવાનો આરોપ લાગેલો છે. જો કે અિધકારીઓએ આ અંગે હજુ સુધી કોઈ વિસ્તૃત જાણકારી બહાર નથી પાડી. અગાઉ ત્રણ પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવવા લાંચ લેવાના આરોપસર બે નૌસૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી.

સેનાએ તપાસ દરમિયાન પ્રવાસીઓની તસ્કરી સાથે સંકળાયેલા 16 નૌસૈનિકોની ઓળખવિિધ કરાઈ હોવાનું જણાવ્યું હતું. અગાઉ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશનારા શરણાર્થીઓ માટે મેક્સિકોની સરહદ પર બનાવવામાં આવેલા અટકાયત કેન્દ્રોની હાલત ખૂબ જ ખરાબ હોવાનો એક અહેવાલ પ્રગટ થયો હતો.

આ કેન્દ્રોમાં તેની ક્ષમતા કરતા પણ વધારે સંખ્યામાં શરણાર્થીઓ તથા તેમના બાળકોને રાખવામાં આવેલા છે અને તેઓ ભૂખ ઉપરાંત અનેક પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જો કે, ટ્રમ્પ પ્રશાસનના અિધકારીઓએ આ અટકાયત કેન્દ્રો સુરક્ષિત હોવાનો અને ત્યાં ભોજન-પાણીની તંગી ન હોવાનો દાવો કર્યો હતો. 

થોડા સમય પહેલા મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવા માટે સૈન્ય બજેટમાંથી આશરે 17,000 કરોડ રૂપિયા લેવાની યોજનાને સાન ફ્રાન્સિસ્કોની કોર્ટે આગળ ન વધવા દેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝાટકો લાગ્યો હતો. કોર્ટે આ યોજનાને સંઘીય કાયદાના ઉલ્લંઘન સમાન ગણાવી હતી અને આ પ્રકારના ખર્ચાઓ લોકોના હિત માટે જરૂરી હોવાની ટ્રમ્પ પ્રશાસનના દલીલોને પણ અમાન્ય રાખી હતી.