મુસ્લિમ પક્ષકારે કહ્યું- ચુકાદો તરફેણમાં આવે તો પણ વિવાદિત સ્થળે ફરી મસ્જિદ ના બંધાય

મુસ્લિમ પક્ષકારે કહ્યું- ચુકાદો તરફેણમાં આવે તો પણ વિવાદિત સ્થળે ફરી મસ્જિદ ના બંધાય

  • વિવાદિત પરિસરમાં સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ
  • જૂલુસ રોકવા માટે બનાવેલી તમામ સુરક્ષા ચોકીઓ ફરી સક્રિય

રવિ શ્રીવાસ્તવ, અયોધ્યા: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી પૂરી થયા પછી અયોધ્યામાં ખાસ કોઈ હલચલ ન હતી. પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. હાઈવેથી લઈને શહેરના અંદરના રસ્તા પર સુરક્ષા વધારાઈ રહી છે. વિવાદિત પરિસરમાં સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. નેવુંના દસકામાં ચરમસીમાએ પહોંચેલા મંદિર આંદોલન વખતે જૂલુસ રોકવા માટે બનાવેલી તમામ સુરક્ષા ચોકીઓ ફરી સક્રિય થઈ ગઈ છે. ‘ભાસ્કર’ સાથેની વાતચીતમાં મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપે તો પણ મસ્જિદ બનાવવાની તૈયારી નથી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમને મંજૂર હશે
ટેઢી બજારમાં રહેતા મુદ્દઈ હાજી મહેબૂબે કહ્યું કે, ‘દેશને તબાહીથી બચાવવા અને શાંતિ કાયમ રાખવા માટે હું નથી ઈચ્છતો કે, ત્યાં ફરી મસ્જિદનો પાયો નંખાય. જો કેસ જીતી ગયા તો અમે જમીનને ઘેરીને છોડી દઈશું. અમારી મસ્જિદ બનાવવાની તૈયારી નથી.’ આ ઉપરાંત કજિયાના મહોલ્લામાં રહેતા મુદ્દઈ ઈકબાલ અન્સારીએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમને મંજૂર હશે. તેની વિરુદ્ધ અપીલ નહીં કરીએ.’
શિલાઓ જોવા રોજ હજારો આવી રહ્યા છે
વિશ્વ હિંદુ પરિષદની શિબિરમાં મંદિર માટે તૈયાર શીલાઓ જોવા આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિહિંપના પ્રવક્તા શરદ શર્માના કહેવા પ્રમાણે, શિલાઓ જોવા રોજ હજારેક લોકો આવી રહ્યા છે. વિહિંપના કેન્દ્રિય મંત્રી રાજેન્દ્ર સિંહ પંકજે કહ્યું કે, હવે એવું કોઈ કામ નહીં થાય, જેનાથી દેશની શાંતિ જોખમાય. કારસેવા પણ નહીં થાય.