મુશ્કેલી / આધાર કાર્ડ નહીં હોવાથી 90 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ કરવા ઇનકાર

મુશ્કેલી / આધાર કાર્ડ નહીં હોવાથી 90 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ કરવા ઇનકાર

વૃદ્ધનું બીજા દિવસે બીમારીથી મોત, ટેસ્ટ માટે ચૂંટણી કાર્ડ પણ માન્ય રાખવા સ્ટેન્ડિંગમાં રજૂઆત

અમદાવાદ. કેન્દ્ર સરકારે કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે, પરંતુ આધાર કાર્ડ ન હોવાને કારણે ઘણા દર્દીઓના કોરોના રિપોર્ટ નીકળી શકતા ન હોવાની રજૂઆત શુક્રવારે મળેલી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં કોર્પોરેટરે કહ્યું હતું કે, અમરાઈવાડી પાસે નાગરવેલ હનુમાન ચાર રસ્તા નજીક રહેતા એક 90 વર્ષના વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ એટલા માટે ન નીકળી શક્યો, કારણ કે તેમની પાસે આધારકાર્ડ ન હતું. જોકે અન્ય બીમારીને કારણે ગુરુવારે જ તેમનું  મૃત્યુ નીપજ્યું હતું. તેમણે ઇલેક્શન કાર્ડનો પણ જરૂરી દસ્તાવેજ તરીકે વિકલ્પ આપવા રજૂઆત કરી હતી.

સ્ટેન્ડિંગની વીડિયો કોન્ફરન્સથી મિટિંગ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેટર ડો. ચંદ્રાવતીબેને રજૂઆત કરી હતી કે, રામજીયાવનભાઈ પટેલની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોરોનાનો ટેસ્ટ કરવો આવશ્યક હતો. જોકે વૃદ્ધત્વને કારણે તેમની ફિંગરપ્રિન્ટ ન આવી શકતાં તેમનું આધારકાર્ડ નીકળી શક્યું ન હતું. તેમની તબિયત વધુ બગડતાં કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે તેમની પાસે આધાર કાર્ડ માગવામાં આવ્યું હતું. જોકે તેમની પાસે આધારકાર્ડ ન હોવાથી તેમને કોરોનાનો રિપોર્ટ કરી આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. આથી તેમણે કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી. જોકે તેમનો કોરોના રિપોર્ટ થઇ શક્યો ન હતો અને આ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવ્યા બાદ કમિશનર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છે તે પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરવા માટે આધારકાર્ડ હોવું આવશ્યક છે. જોકે સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જે લોકો પાસે આધારકાર્ડ ન હોય તેમને ઇલેક્શન કાર્ડના આધારે પણ કોરોનાનો ટેસ્ટ થવો જોઈએ.