મુશ્કેલી:કપલને સાથે બેસવાની મંજૂરી નહીં હોવાથી શો રદ કરવા પડતા હોવાની મલ્ટિપ્લેક્સ માલિકોની ફરિયાદ

મુશ્કેલી:કપલને સાથે બેસવાની મંજૂરી નહીં હોવાથી શો રદ કરવા પડતા હોવાની મલ્ટિપ્લેક્સ માલિકોની ફરિયાદ

કોરોના ગાઈડલાઈનને લીધે એક સીટ ખાલી રાખવાની હોવાથી દર્શક આવતા નથી

સરકારે કોરોના ગાઇડલાઇન સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ગાઇડલાઇનના અમલને કારણે એક સીટ ખાલી રાખીને એક સીટ પર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકતા નથી. આ કારણે થિએટરોમાં લોકોની સંખ્યા ઘટી છે. જેના કારણે શો રદ કરવાની સ્થિતી ઉભી થાય છે.

સરકારે કોરોના ગાઇડલાઇનના અમલ સાથે મલ્ટિપ્લેક્સ થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમ છતાં મોટાભાગના થિયેટરમાં લોકોની ઓછી સંખ્યાને કારણે શો રદ થઇ રહ્યાં છે. વાઇડ એંગલના માલિક રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર દિવસના શો રદ કર્યા છે. કારણ કે લોકોની સંખ્યાની સામે મેઇન્ટનન્સ પણ નથી નીકળી રહ્યું. સાથે જ કોરોના ગાઇડલાઇનના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસી ન શકતા હોવાના કારણે તેઓની સંખ્યા પણ હવે સાવ ઓછી થઇ ગઇ છે.

નવી ફિલ્મ રિલીઝ થવાની શક્યતા ઓછી
ઓલ ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઇ.એસ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને કારણે દિવાળી પછી પણ નવી ફિલ્મ રિલિઝ થવાની શક્યતા ઓછી છે. નવી ફિલ્મો રિલિઝ ન થવાથી લોકો થિયેટરમાં નથી આવી રહ્યાં, જેના કારણે મોટાભાગના થિએટર માલિકોએ હજુ પણ શો બંધ જ રાખ્યા છે.

દર્શકોને આકર્ષવા તગડું ડિસ્કાઉન્ટ ઓફર
પીવીઆરના રિજ્યોનલ ડાયરેક્ટર ચંદ્રેશ દસ્સારીએ જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં અમારી અપેક્ષા કરતાં વધુ લોકો આવ્યા છે. લોકો માટે સેફ્ટી અને સિક્યુરિટીના દરેક નિયમો અમલી કર્યા છે. પરંતુ અમુક રાજ્યોમાં હજુ પણ થિયેટરો શરૂ કરવાની મંજૂરી નથી. જેની અસર દરેક રાજ્ય પર થઇ છે. વધુ સંખ્યામાં લોકો જોડાય તે માટે અમે ટિકિટો પર ડિસ્કાઉન્ટ અને મિનિમમ પ્રાઇઝમાં શો બુકિંગની સુવિધા આપવામાં આવી છે.