મા ઉમિયા મંદિરના શિખરથી આખું શહેર દેખાશે, ગર્ભગૃહમાં 500 લોકો એકસાથે દર્શન કરી શકશે

મા ઉમિયા મંદિરના શિખરથી આખું શહેર દેખાશે, ગર્ભગૃહમાં 500 લોકો એકસાથે દર્શન કરી શકશે

  • જાસપુરમાં 431 ફૂટનું વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બનશે 
  • દર્શન માટે ચાલવું નહિ પડે, કન્વેયર બેલ્ટ લઈ જશે, આ સુવિધા ધરાવતું દેશનું પ્રથમ મંદિર હશે

સંકેત ઠાકર, અમદવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 100 વીઘાં જમીનમાં એમ્પાવરમેન્ટ હબ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમાં 431 ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર બનાવાશે તેમ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી. એન. ગોલનું કહેવું છે. તેમના મુજબ, મંદિરના શિખર પરથી આખું શહેર દેખાશે. એકસાથે 500 લોકો દર્શન કરી શકે તે રીતે મંદિરમાં ગર્ભગૃહ તૈયાર કરાશે. 29મી ફેબ્રુઆરીએ મંદિરનો શિલાન્યાસ કરાશે.
જર્મનીથી 50 આર્કિટેકની ટીમ આવશે
ફાઉન્ડેશનના સંયોજક આર. પી. પટેલે જણાવ્યું કે, જર્મનીના 50 આર્કિટેકની ટીમ મંદિર નિર્માણ માટે આવશે. મંદિરની વિશેષતા એ છે કે, દર્શન કરવા આવનારા લોકોએ ચાલવું નહિ પડે, કન્વેયર બેલ્ટ પર જ ઊભા રહીને દર્શન કરી શકાશે. આવી સુવિધા ધરાવતું દેશનું આ પહેલું મંદિર હશે. મંંદિર 5 વર્ષમાં તૈયાર કરાશે.
મંદિર અને પરિસર કેવું હશે?

  • મંદિર જમીનથી 50 ફૂટ ઊંચું હશે. એટલે કે આ મંદિરના પાયાની ઊંચાઈ હશે.
  • સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ માટે વિશેષ ગેલેરી તૈયાર કરવામાં આવશે.
  • દર્શન માટે વધારે ભીડ ન થાય તે માટે વિશેષ એક્ઝિટ ગેટનું નિર્માણ કરાશે.
  • મંદિરની નીચે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે, જેમાં એકસાથે પાંચ હજાર વાહનો પાર્ક થઈ શકશે.
  • સમગ્ર મંદિરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર આધારે કરવામાં આવશે.