મારી માતા ભારતથી આવી હશે ત્યારે તેને આ ક્ષણની કલ્પના નહીં હોય : કમલા હેરિસ

મારી માતા ભારતથી આવી હશે ત્યારે તેને આ ક્ષણની કલ્પના નહીં હોય : કમલા હેરિસ


હું આ ક્ષણે હું મારી માતાની અત્યંત આભારી છું. મારી માતા, શ્યામલા ગોપાલન હેરિસ ૧૯ વર્ષની વયે ભારતથી અમેરિકા આવી હતી ત્યારે તેણે કદાચ આ ક્ષણની કલ્પના નહી કરી હોય. પરંતુ તેણીને ઊંડો વિશ્વાસ હતો કે અમેરિકામાં આવી ક્ષણ સંભવ છે એમ કમલા હેરિસે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દેશને કરવામાં આવેલા પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું.  ૫૭ વર્ષના કમલા હેરિસે જણાવ્યું હતું કે હું તેમના અને મહિલાઓ, અશ્વેત મહિલાઓ, એશિયન, શ્વેત, લેટિન, નેટિવ અમેરિકન મહિલાઓ અંગે વિચારું છું જેમણે પેઢીઓ માટે આજ રાતની ક્ષણ માટે માર્ગ તૈયાર કરી આપ્યો છે. તેઓ બાઈડેનના વિલિંગ્ટન, ડેલાવરેના ઘરે આઉટડોર રેલીને સંબોધન કરતાં હતાં.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમલા હેરિસની આ સિદ્ધિને બિરદાવતાં ટ્વિટ કર્યું હતું કે, આ બાબત ફક્ત તમારા માટે જ ગર્વ લેવાની બાબત નથી, પરંતુ તમામ અમેરિકન ભારતીયો માટે પણ ગર્વની બાબત છે. નોંધનીય છે કે કમલા હેરિસ ભારતીય મૂળનાં મહિલા છે, તેમની માતા ભારતીય ઈમિગ્રન્ટ છે અને પિતા જમૈકામાં જન્મેલા છે. તેણી ક્રિશ્ચિયન છે, પરંતુ પોતાની માતા સાથે ભારતીય મંદિરોમાં પણ જાય છે. જ્યારે બાઇડેને તેમને પોતાના સાથીદાર તરીકે પસંદ કર્યા ત્યારે તેમણે તેનો સ્વીકાર કરતાં પોતાના ભારતીય મૂળનો ઉલ્લેખ કર્યો હતો અને બાળપણમાં ભારતના પ્રવાસો અંગે વાત કરી હતી. કમલા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા છે, પ્રથમ અશ્વેત છે, પ્રથમ ઈન્ડિયન અમેરિકન છે અને પ્રથમ એશિયન છે. આ અગાઉ તે કેલિર્ફોિનયામાં સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન અમેરિકન અને ભારતીય મૂળના વ્યક્તિ તરીકે ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે ચૂંટાયાં હતાં.

કમલા હેરિસને બ્રેકફાસ્ટમાં ઇડલી-સંભાર અતિપ્રિય

મને સાઉથ ઈન્ડિયન ફૂડ પસંદ છે અને તેમાં પણ મસ્ત સંભાર સાથેની ઇડલી અતિપ્રિય છે, ઉત્તર ભારતીય ફૂડમાં કોઈપણ પ્રકારના ટિક્કા પસંદ છે તેમ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા બાદ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં કમલાએ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું. તેમણે મહિલાઓ માટે સ્વસ્થ બ્રેકફાસ્ટ લેવાની ભલામણ કરી હતી.

કમલાના મામાનું શપથગ્રહણમાં જવાનું આયોજન 

કમલાના મામા જી બાલાચંદ્રને શુક્રવારે રાત્રે જ કમલા સાથે વાત કરી હતી, આ વાતચીત પરિવારને લગતી જ હતી અને રાજકીય બાબતે કોઈ ચર્ચા કરી ન હતી તેમ જણાવતાં તેઓ કહે છે કે, હું ૨૦ જાન્યુઆરીએ કમલાનો શપથગ્રહણ સમારોહ યોજાશે તેમાં હાજર રહેવા માટે આયોજન કરું છું. ભારત અમેરિકા બાબતોના નિષ્ણાત બાલાચંદ્રન કહે છે કે મેં ડેટાનો અભ્યાસ કર્યો હતો અને તેમને ખાતરી હતી કે કમલા જીતશે જ.