માંત્ર ધંધામાં જ ધ્યાન : ગુજરાતીઓના લોહીમાં ધંધો, પરંતુ કંપની રજિસ્ટ્રેશન મામલે 7મા ક્રમે

માંત્ર ધંધામાં જ ધ્યાન : ગુજરાતીઓના લોહીમાં ધંધો, પરંતુ કંપની રજિસ્ટ્રેશન મામલે 7મા ક્રમે

રાજ્યમાં રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યા બે વર્ષમાં 14 ટકા વધી, જાન્યુ.માં 594 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

દેશની કુલ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં સિંહફાળો ધરાવતા ગુજરાતીઓના લોહીમાં ધંધો વણાયેલો છે. પરંતુ કંપની રજિસ્ટ્રેશન મામલે આજે પણ ગુજરાત સાતમા ક્રમે છે. મહારાષ્ટ્ર 2,56,899 એક્ટિવ કંપની સાથે પ્રથમ ક્રમે તો બીજા ક્રમે દિલ્હી 2,14,077 એક્ટિવ કંપની ધરાવે છે. ઉત્તરપ્રદેશ 92,019 રજિસ્ટર્ડ એક્ટિવ કંપની સાથે ત્રીજા ક્રમે છે.

જેની પાછળનુ કારણ બિઝનેસમેન ટોપ મેટ્રો સિટી મુંબઈ, દિલ્હીમાં હેડ ઓફિસને પ્રાથમિકતા આપતાં હોવાનુ જાણવા મળ્યુ છે. જો કે, ઉલ્લેખનીય છે કે, દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં રજિસ્ટર્ડ 60થી70 ટકા કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થિત છે. તેમજ ગુજરાતમાં રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યા પણ છેલ્લા બે વર્ષમાં 14 ટકા વધી છે.

જાન્યુઆરી-21માં ગુજરાતમાં નવી 594 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવવા સાથે કુલ રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યા 1,12,582 થઈ છે. જે જાન્યુઆરી-19માં 99229 અને જાન્યુઆરી-20માં 1,05,224 હતી. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના આંકડાઓ પરથી કાઢવામાં આવેલા તારણ મુજબ, જાન્યુઆરી, 2021 સુધીમાં ગુજરાતમાં કુલ રજિસ્ટર્ડ કંપનીઓમાંથી માત્ર 70,776 કંપનીઓ કાર્યરત છે. 37,672 કંપનીઓ બંધ થઈ ચૂકી છે. 3508 કંપનીઓ અંડર સ્ટ્રાઈક ઓફ, 571 કંપનીઓ અંડર લિક્વિડેશન અને 55 ડોરમેટની કાર્યવાહી હેઠળ છે.

ગુજરાત કોમર્શિયલ, ફાઈનાન્સિયલ ક્ષેત્રે વધી રહ્યુ છે. જેને જોતાં આગામી સમયમાં કંપનીઓ બહારથી રજિસ્ટ્રેશન કરાવવાને બદલે ગુજરાતમાંથી રજિસ્ટ્રેશન કરાવશે તેવું GCCIના પૂર્વ ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું હતું.

કોરોના પ્રેરિત મંદીના માહોલમાં કંપનીઓનું લિક્વિડેશન વધ્યુ
કોરોનાને લીધે સર્જાયેલી મંદીના પગલે આ વર્ષે જાન્યુઆરીમાં લિક્વિડેશન કાર્યવાહીનો સામનો કરતી ગુજરાતી રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યા ગતવર્ષે 559 સામે નજીવી વધી 571 થઈ છે. જાન્યુઆરી-19ની 618ની તુલનાએ લિક્વિડેટ થતી કંપનીઓની સંખ્યા ઘટી છે.

રજિસ્ટ્રેશનનો ટ્રેન્ડ કોરોના કાળમાં વધ્યો
કંપની રજિસ્ટ્રેશનનો ટ્રેન્ડ ગતવર્ષે માર્ચથી શરૂ થયેલા કોરોના કાળ દરમિયાન દેશભરમાંથી કુલ 3209 કંપની રજિસ્ટ્રેશન સાથે ટ્રેન્ડ તળિયે પહોંચ્યો હતો. જો કે, એટલી જ ઝડપે મે બાદથી ઓક્ટોબર સુધી કંપનીઓ દ્રારા રજિસ્ટ્રેશનનુ પ્રમાણ સતત વધી 16707ની સપાટીએ પહોંચ્યુ હતુ. નવેમ્બરમાં તહેવારની સિઝન તેમજ ડિસેમ્બરમાં કમુરતાના પગલે રજિસ્ટ્રેશનની સંખ્યા ઘટી હતી. જાન્યુઆરી-21ના અંતે કુલ 10924 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. જેની કુલ સત્તાવાર મૂડી રૂ. 1,183.97 કરોડ છે.

ઔદ્યોગિક નીતિથી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી ગુજરાતમાં આવશે
સરકારની આત્મનિર્ભર, મેક ઈન ઈન્ડિયા મિશનને સાકાર કરવા માટે લાગુ પીએલઆઈ, એપીઆઈ, ઓટો-ટેક્સટાઈલ હબ જેવી વિભિન્ન યોજનાઓના પગલે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝની સંખ્યામાં વૃદ્ધિ થશે. સાથે ઈન્ડ્સ્ટ્રી ગ્રોથ અને રોજગાર સર્જનમાં વૃદ્ધિ નોંધાશે. > વિનોદ અગ્રવાલ, ચેરમેન, સીઆઈઆઈ

( Source – Divyabhaskar )